Friday, June 05, 2020

સમર્થ પુરુષો અને જનસેવા

પ્રશ્ન: હિમાલયમાં એવા સમર્થ મહાપુરુષો હોય, તો તે દેશ ને દુનિયાને માટે કાંઈ જ નથી કરતાં ? એ જો ધારે તો દેશ ને દુનિયાને કેટલીય મદદ કરી શકે.

ઉત્તર: તમે આવો પ્રશ્ન પૂછશો એવું હું ધારતો જ હતો. તમે આવો પ્રશ્ન પૂછો તે સ્વાભાવિક છે. કેમ કે આ યુગમાં કોઈપણ વ્યક્તિ કે વસ્તુનું મૂલ્યાંકન એ સમાજને કેટલે અંશે મદદરૂપ થાય છે તેના પરથી થાય છે, લોકો મોટે ભાગે એ રીતે જ વિચાર કરે છે.

પ્રશ્ન: એ વિચારસરણી શું ખોટી છે ?

ઉત્તર: ખોટી નથી, પરંતુ અધૂરી જરૂર છે. અથવા તો એમ કહો કે એકાંગી છે.

પ્રશ્ન: કારણ ?

ઉત્તર: કારણ એટલું જ કે ભારતીય સંસ્કૃતિનો એક મહત્વનો સંદેશ એમાં ભૂલી જવાયો છે. ભારતીય સંસ્કૃતિ જેમ વ્યક્તિએ સમષ્ટિની સેવા કરવી એવો આદેશ આપે છે, તેમ વ્યક્તિએ પોતાની સેવા કરી, અથવા પોતાની શુદ્ધિ સાધી, પરમાત્માનો સાક્ષાત્કાર કરીને, પૂર્ણ કે મુક્ત થવું એમ પણ શીખવે છે. સ્વ ને પર બંનેની સેવા તથા બંનેનું કલ્યાણ કરવાનો એણે ઉપદેશ આપ્યો છે. એ બન્ને પાંખે માણસે ઉડવાનું છે. એકલું પોતાનું જ કલ્યાણ કરીને એણે બેસી નથી રહેવાનું. અને બીજાની સેવાના કર્મમાં ગળાબૂડ ડૂબીને, એણે પોતાની જાતની શુદ્ધિ ને પોતાની જાતના વિકાસ તરફ દુર્લક્ષ પણ નથી કરવાનું. આદર્શ જીવનનાં આ બંને પાસાંને લક્ષમાં રાખીને એણે પગલાં ભરવાનાં છે.

પ્રશ્ન: એનો અર્થ તમે એવો કરવા માંગો છો કે પોતાની જાતની વિકાસ-સાધના કરનારા મહાપુરુષો પણ વ્યર્થ નથી જીવતા ?

ઉત્તર: હા. વધુમાં હું એમ કહેવા માંગું છું કે, તેમના તરફ આપણે સહાનુભૂતિ રાખવી જોઈએ. તે બીજા કોઈને માટે કશું જ નથી કરતાં એવું ના સમજવું જોઈએ. દરેકની કામ કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. તે પ્રમાણે તે કામ કરતાં જ હોય છે. એમાંયે જે સમર્થ મહાપુરુષો છે, તે તો કામ લાગવા હંમેશાં તૈયાર રહે છે. બીજાને કામ લાગવું એ તેમનો સ્વભાવ હોય છે. એને માટે જ તેમનું શરીરધારણ હોય છે. કોઈ કોઈ યોગી તો સાધના પણ એટલા માટે કરે છે કે શક્તિ પ્રાપ્ત કરીને બીજાને ઉપયોગી થઈ શકાય. સાધના દરમ્યાન ને સાધના પછી એ બીજાને ઉપયોગી થાય છે પણ ખરા. એમનું જીવન જ વહેતી નદી જેવું હોય છે, જે પોતે તો જલથી ભરપુર બને છે, પણ બીજાને પણ જલનું દાન દે છે. અથવા તો એને કોઈક ફૂલની સાથે સરખાવી શકાય, જે પોતે તો ફોરમથી સંપન્ન બને જ છે, પરંતુ સાથે સાથે બીજાને પણ ફોરમ આપે છે. દીપકની પેઠે સ્વયં પ્રકાશિત કરે છે. એ સેવા નથી કરતા એમ કેવી રીતે કહી શકાય ?

પ્રશ્ન: છતાં પણ એવા મહાપુરુષો દેશ કે દુનિયાના મંચ પર આવીને, વિરાટ પ્રમાણમાં લોકસેવાનું કાર્ય કરતાં હોય તો તેમની દ્વારા વધારે મદદ ના મળે ?

ઉત્તર: મળે. પરંતુ એ તો એમની ઈચ્છા પર આધાર રાખે છે. અથવા વધારે સારા શબ્દોમાં કહીએ તો, એમના પ્રેરક એવા ઈશ્વરની ઈચ્છા પર આધાર રાખે છે. જે કાર્યક્ષેત્ર ઈશ્વરે એમને માટે નક્કી કર્યુ હોય છે, તેમને ઓળખી લઈને એ દ્વારા એ બનતું સેવા-કાર્ય કરે છે. એમાં જ એમની મહાનતા રહેલી છે. દેશ કે દુનિયાના રંગમંચ પર આવીને, વિરાટ પ્રમાણમાં લોકસેવાનું કામ કરવાનું જો ઈશ્વર એમને માટે નક્કી કરે તો તે તેમ પણ કરે છે. એમનું સમસ્ત જીવન જ ઈશ્વરપ્રેરિત અને ઈશ્વરમય હોય છે. એટલે ઈશ્વરની ઈચ્છાનુસાર જ એ બધું કર્યા કરે છે. વ્યક્તિગત રીતે કોઈ ઈચ્છા કે સંકલ્પ એમને હોય તો પણ, ઈશ્વરની ઈચ્છાને ઓળખીને એ એમાં બાંધછોડ કરી દે છે, અથવા કરી શકે છે.

Today's Quote

You must not lose faith in humanity. Humanity is an ocean; if a few drops of the ocean are dirty, the ocean does not become dirty.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok