Friday, June 05, 2020

સાંઈબાબા વિશે

પ્રશ્ન: સાંઈબાબા કયા ગામમાં જન્મ્યા હતા ?

ઉત્તર: તે વિશે કશી ચોક્કસ માહિતી નથી મળતી. તેમણે પોતે પણ એ વિશે કહ્યું નથી. એટલે એ સંબંધી કશું નિર્ણયાત્મક નથી કહી શકાય તેમ. હૈદરાબાદ જિલ્લાના ઔરંગાબાદ તાલુકામાં પાથરી નામના ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં તે જન્મેલા, એવું તેમના જીવનચરિત્રના સસ્તું સાહિત્યે પ્રકટ કરેલા પુસ્તકમાં વાંચવા મળે છે. પરંતુ એ હકીકત પ્રમાણભૂત છે એવું નક્કી નથી થયું. એથી ઊલટું, કેટલાક એમ પણ માને છે કે એ જન્મ્યા ન હતા, પરંતુ સ્વયંભૂની પેઠે પ્રકટ થયા હતા.

પ્રશ્ન: એવી વાત બની શકે ખરી ?

ઉત્તર: ઈશ્વરની દુનિયામાં કશું જ અસંભવ નથી. ખાસ કરીને સિદ્ધ પુરુષોને માટે. તે ધારે ત્યારે ને ધારે તેવું સ્વરૂપ લઈ શકે છે. એવું પાતંજલ યોગદર્શનમાં પણ કહેલું છે.

પ્રશ્ન: એમના માતાપિતાનું નામ શું ?

ઉત્તર: માતાપિતા વિશે કોઈ એમને પૂછતું તો એ હસીને ઉત્તર આપતા કે, બ્રહ્મા મારા પિતા છે, ને પ્રકૃતિ મારી માતા છે. એથી વિશેષ એમણે કાંઈ કહ્યું નથી.

પ્રશ્ન: એમનો ધર્મ શું ?

ઉત્તર: એમનો ઘર્મ જીવમાત્રમાં ઈશ્વરને જોઈને, જીવમાત્રની જેટલી બને તેટલી સેવા કરી છૂટવાનો હતો. એ કોઈ વિશેષ સંપ્રદાયના ન હતા. છતાં પણ બધા ઘર્મ કે સંપ્રદાય તરફ માનની નજરે જોતા. માનવધર્મને એ બધા ધર્મોના મૂલાધારરૂપ માનતા, તથા માનવને સાચા અર્થમાં માનવ થવાનું શીખવતા.

પ્રશ્ન: એમની ફિલસૂફીનું કોઈ સાહિત્ય છે ?

ઉત્તર: એમની કોઈ આગવી કે વિશેષ ફિલસૂફી નથી. છતાં, એમના જીવન અને ઉપદેશો વિશે જુદી જુદી ભાષામાં ઘણું સાહિત્ય લખાયું છે. તે વાંચવાથી એમના વિચારો વિશે ઘણી માહિતી મેળવી શકાય તેમ છે.

પ્રશ્ન: એમ કહેવાય છે કે જગતે એમને જીવતા જાણ્યા ન હતા તે સાચું છે ?

ઉત્તર: એવું ના કહી શકાય. જીવન દરમ્યાન પણ એમના કેટલાય ભક્તો ને પ્રશંસકો હતા, એમનો યશ સારા પ્રમાણમાં ફેલાયેલો હતો. છેલ્લા કેટલાંક વરસોમાં એની માત્રા વધી છે, એટલું જ. બાકી જીવન દરમ્યાન એમને કોઈ જાણતું કે માનતું ન હતું એવું ન હતું.

પ્રશ્ન: દેહાવસાન બાદ લોકોએ એમને ચમત્કારોથી જાણ્યા એ સાચું છે ?

ઉત્તર: બિલકુલ નહિ. લોકોમાંના કેટલાકને એમની કોઈપણ જાતના દંભ કે ડોળ વિનાની સાચી ને સરળ ઉપદેશવાણી ગમી ગઈ. કેટલાકને એમની મારફત નાની મોટી મદદ મળી. કેટલાક એમના જીવમાત્ર પ્રત્યેના પ્રેમ ને સેવાભાવથી આકર્ષાયા, ને કેટલાકને એમનું શરણ, મનન કે સ્મરણ, શાંતિનું સાધન થઈ પડ્યું. કેવળ ચમત્કારોનાં બળ પર લોકોના હૃદય પર કોઈ લાંબા વખત લગી શાસન નથી કરી શકતું. ચમત્કાર તો જાદુગર પણ ક્યાં નથી કરી બતાવતા ? સાંઈબાબા એવા કોઈ જાદુગર ન હતા. પણ સંત હતા. જ્ઞાની, યોગી ને મહાપુરુષ હતા. જે શક્તિનું એમનામાં દર્શન થતું હતું, તે તો ફૂલમાં સુગંધ પેઠે એમનામાં સ્વાભાવિક રીતે જ પ્રકટ થઈને ભળી ગઈ હતી. એ શક્તિ ઉપરાંત, એમની અંદર એક આદર્શ પુરુષના ઉત્તમોત્તમ ગુણો હતાં. દયા, પ્રેમ, સાદાઈ, સેવાભાવ અને નમ્રતા તથા અપરિગ્રહ જેવા ગુણો એમનામાં પરાકાષ્ઠાએ પહોંચ્યા હતાં. એ ગુણો બીજાને મુગ્ધ કરતા. એની સાથે ભૂત ને ભાવિનું એમનું જ્ઞાન અને એમની અલૌકિક શક્તિ એ બધું જોઈને સૌને લાગતું કે એ ઈશ્વર જ છે. એટલે એ કેવળ ચમત્કારો કરી બતાવવાથી જ જાણીતા થયા છે એમ માનવું ભૂલભરેલું છે. 

Today's Quote

Change your thoughts and you change your world.
- Norman Vincent Peale

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok