Friday, June 05, 2020

મર્યાદા પુરુષોત્તમ એટલે શું ?

 

પ્રશ્ન : શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ શા માટે કહેવામાં આવે છે ? મર્યાદા પુરુષોત્તમનો કોઈ વિશેષ અર્થ છે ? કે પછી કહેવાને ખાતર, એક પ્રકારની રૂઢ પરિપાટીને વશ થઈને, એવું કહેવામાં આવે છે ?

ઉત્તર : મર્યાદા પુરુષોત્તમનો કોઈ વિશેષ અર્થ નથી એવું થોડું છે ? મર્યાદા પુરુષોત્તમમાં બે ભાવો સમાયેલા છે. એક ભાવ તો મર્યાદાનો છે અને બીજો પુરુષોત્તમનો છે. શ્રી રામને ઈશ્વરના અવતાર માનવામાં આવે છે. તેમને કોઈ સાધારણ વ્યક્તિ કે પુરુષ નહિ, પરંતુ વ્યક્તિવિશેષ અને એથી પણ આગળ વધીને, પુરુષોત્તમ કહે છે. અને અવતાર ધારણ કરીને ભગવાન શ્રી રામે જે લીલા કરી છે, તે ધર્મ નીતિ અથવા તો માનવતાની મર્યાદામાં રહીને કરી છે. માટે તેમને એકલા પુરુષોત્તમ નહિ, પરંતુ મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે.

પ્રશ્ન : પરંતુ એવી રીતે તો ઈશ્વરના બધા જ અવતારો ધર્મ, નીતિ, ને માનવતાની મર્યાદામાં રહીને જ લીલા કરી ગયા ને ? તો પછી ફક્ત શ્રીરામને જ શા માટે, બધા જ અવતારી પુરુષોને મર્યાદા પુરુષોત્તમ ના કહી શકાય ?

ઉત્તર : મર્યાદા પુરુષોત્તમ શબ્દ એકલા રામચંદ્રજીના સંબંધમાં જ રૂઢ થયેલો છે, તેનું કારણ કેવળ ભાવુકતા, પરંપરા, અંધશ્રદ્ધા કે રૂઢિચુસ્તતા નથી. એની પાછળ શુદ્ધ તર્ક અથવા તો વિવેક રહેલો છે. બીજા બધા અવતારી પુરુષોના જીવન જોઈએ તો તેમની અંદર કેટલાંક ઈશ્વરીય અથવા તો અતિમાનવીય ભાવો કે કર્મોનું દર્શન થાય છે. ક્યાંક ધર્મ ને નીતિની મર્યાદા સંબંધમાં સંદેહ પણ થાય છે. પરંતુ ભગવાન શ્રીરામના સંબંધમાં એવું નથી. શ્રીરામ તો ઈશ્વરાવતાર હોવા છતાં, એક આદર્શ મનુષ્યને છાજે તેવી રીતે લીલા કરી ગયા છે. ઈશ્વરાવતાર હોવા છતાં તે માનવ મટી જતા નથી, એ જ એમની વિશેષતા છે. એ વિશેષતાને લીધે ભારતવાસીઓના હૃદયમાં તે સ્થાન કરી ગયા છે, અને વરસોથી એ સ્થાનને ટકાવી રહ્યા છે. આ વસ્તુને તમે સમજી શકો છો ? જો સમજી શકતા હશો તો, રામ એકલા જ મર્યાદા પુરુષોત્તમ શા માટે કહેવાય છે તે પણ સમજી શકશો. જીવનની માતાપિતા પ્રત્યેની, સ્ત્રી પ્રત્યેની, ભાઈઓ પ્રત્યેની, બીજાં કુટુંબીઓ પ્રત્યેની, સમાજ પ્રત્યેની કે પ્રજાજનો પ્રત્યેની જે ફરજો કે જવાબદારીઓ છે, તે ફરજો તથા જવાબદારીઓ તેમણે સહેજ પણ ઉપેક્ષાભાવથી જોયા વગર, યથાયોગ્ય રીતે પાળી બતાવી છે. એમના ધર્મયુક્ત પાલનમાં પોતાના ગમા અથવા અણગમાને વચ્ચે નથી લાવ્યા. ધર્મની મર્યાદાનું જ એમણે હંમેશા ધ્યાન રાખ્યું છે. એ મર્યાદા વિશેની માન્યતાઓમાં ક્યાંક મતભેદ હોઈ શકે તે બનવાજોગ છે : અને એવા મતભેદ તો ઓછાવત્તા પ્રમાણમાં સદા રહેવાના જ, છતાં પણ જે વખતે જે પગલું ભર્યું, તે તેમણે પોતાની માન્યતા પ્રમાણે, ધર્મ ને નીતિની મર્યાદામાં રહીને ને ધર્મ તથા નીતિની મર્યાદાઓને જાળવવા માટે જ ભર્યું હતું. ભારતવાસી એમને એટલા માટે જ મર્યાદા પુરુષોત્તમ કહે છે.

પ્રશ્ન : રામને તમે ઈશ્વર કે ઈશ્વરના અવતાર માનો છો ? કે પછી એક આદર્શ મુષ્ય તરીકે ઓળખો છો ?

ઉત્તર : ઈશ્વરના અવતાર પણ માનું છું અને આદર્શ મનુષ્ય તરીકે પણ ઓળખું છું. છતાં પણ, મારી દૃષ્ટિએ એ સવાલ બહુ મહત્વનો નથી. મહત્વનો સવાલ તો એ જ છે કે શ્રીરામની અસરને તમે સમજી શકો છો ? આજે હજારો વર્ષો થઈ ગયાં છે તો પણ ભારતીય જનતાના હૃદયમાં શ્રી રામચંદ્રજી બિરાજમાન છે. ભારતની પ્રજા એમના જીવનને યાદ કરે છે. એમના ગુણગાન ગાય છે, અને એમના જીવનમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયાસ કરે છે. એક સાધારણ કે અસાધારણ લોકનેતાનું સ્થાન પણ અમુક વખત પછી ડગી જાય છે. લોકો એની સ્મૃતિને ભૂલી જાય છે ને કાળના પ્રવાહમાં એ ક્યાં સમાઈ જાય છે તેની ખબર નથી પડતી. તો રામ આજે વરસોથી જીવી રહ્યા છે. ભારતીય પ્રજાના સર્વસત્તાધીશ બની ગયા છે. અવતારી પુરુષ બીજું શું કરે છે ? ઈતિહાસને સર્જે છે, ઘડે છે, તથા ધર્મ અને સંસ્કૃતિનું જતન કરે છે. શ્રીરામે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ જ કર્યું છે. એ આજે ભારતીય જીવનથી જુદા પડી ગયા છે. પરંતુ ભારતના આરાધ્યદેવ તો રહ્યા છે જ. એમની એ સેવા કાંઈ ઓછી નથી. એમને જીવનમાં વણી લઈએ તો ઘણો ઘણો લાભ થાય. એ દૃષ્ટિએ અવતાર છે અને અવતાર રહેશે.

 

Today's Quote

Prayer is the key of the morning and the bolt of the evening.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok