Friday, June 05, 2020

કૃષ્ણ ભગવાન વિશે

પ્રશ્ન: કૃષ્ણ ભગવાનની આટલી બધી પૂજા ને સ્તુતિ, આટલાં બધાં વરસો પછી પણ, કેમ થાય છે ?

ઉત્તર: હું તમારા પ્રશ્નના ઉત્તરમાં એવો જ એક બીજો પ્રશ્ન પૂછું કે કોઈ પણ વ્યક્તિની પૂજા ને સ્તુતિ, કોઈ પણ જાતના કારણ વિના કાંઈ વરસોનાં વરસો સુધી થયા કરે છે ? તેવી પૂજા ને સ્તુતિ ત્યારે જ થાય કે જ્યારે તે વ્યક્તિના નામની પાછળ કોઈ પ્રેરક બળ કામ કરી રહ્યું હોય, કોઈ અવિસ્મરણીય ઈતિહાસ હોય, અથવા તો તે વ્યક્તિએ દેશ કે દુનિયાના અભ્યુત્થાન માટે કોઈ મહત્વનો ફાળો આપ્યો હોય. શ્રીકૃષ્ણ ભગવાનના જીવનની સાથે એ ત્રણ મુદ્દા સંકળાયેલા છે. એથી જ આજે વરસો વહી ગયાં છે તો પણ, એમનું નામ ભારતીય પ્રજાના દિલમાં અમર છે, અને એમની પૂજા ને સ્તુતિ પણ ચાલુ છે.

પ્રશ્ન: ભગવાન શ્રીકૃષ્ણના નામની પાછળ કયું પ્રેરક બળ કામ કરી રહ્યું છે ?

ઉત્તર: કોઈ એક પ્રેરકબળ નહીં, પરંતુ કેટલાય પ્રેરક બળો કામ કરી રહ્યા છે. એમનામાં રહેલો પવિત્ર ને નિર્વ્યાજ પ્રેમ, એમની ગૌભક્તિ, દુષ્ટતાનું દમન કરવાની એમની તૈયારી, એમની અનાસક્તિ, ગુરુસેવા, ભારોભાર નમ્રતા, અને શરણાગતોની રક્ષા કરવાનો એમનો સ્વભાવ, તથા ભોગ અને ઐશ્વર્યની વચ્ચે રહેવા છતાં પણ એમણે વીતાવેલું યોગમય જીવન, એ બધું માનવ જાતિને વરસો સુધી પ્રેરણા આપવા માટે પૂરતું છે. વરસો થઈ ગયાં ને હજુ બીજાં કેટલાય વરસો થશે પરંતુ એમના જીવનનાં એ પ્રેરક બળો અજર અને અમર રહેશે. દેશ અને દુનિયાને એ પ્રેરણા પાતાં જ રહેશે.

પ્રશ્ન: કૃષ્ણ ભગવાને માનવજાતિને માટે બીજો કોઈ મહત્વનો ફાળો આપ્યો છે ?

ઉત્તર: કેમ નહીં ? ગીતાના રૂપમાં એમણે માનવજાતિને એક એવો વારસો આપ્યો છે, જેની સરખામણી હીરામાણેક કે મોતીના અમુલખ ભંડારોની સાથે પણ ન થઈ શકે. ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યમાં એનું સ્થાન અજોડ છે. જીવનનું કલ્યાણ કરનારી એ સંહિતા કેવળ ભારતમાં જ નહીં ભારતની બહાર પણ લોકપ્રિય થઈ પડી છે. કૃષ્ણે પોતાના જીવનમાં બીજું કાંઈ ન કર્યું હોત, ને એકલો ગીતાનો ઉપદેશ આપ્યો હોત, તો પણ એ અમર બની જાત.

પ્રશ્ન: કૃષ્ણ ભગવાનના નામ પાછળ કોઈ ઈતિહાસ છે ખરો ?

ઉત્તર: અવશ્ય છે. એ ઈતિહાસ ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોમાં જોવા મળે છે. કોઈ પણ એને વાંચી ને વિચારી શકે છે.

પ્રશ્ન: પરંતુ કેટલાક તો કહે છે કે કૃષ્ણ ભગવાન ઐતિહાસિક વ્યક્તિ ન હતા, પણ કાલ્પનિક હતા, એ બાબતમાં તમે શું માનો છો ?

ઉત્તર: હું એમને કાલ્પનિક નથી માનતો, પરંતુ ઐતિહાસિક કે વાસ્તવિક માનું છું. એમના જીવનની સાથે ક્યાંક ક્યાંક કોઈ વધારે પડતી વાતો વણાઈ ગઈ હોય તો તે ભલે, પણ એટલા જ પરથી એમ માની લેવું કે તે હતા જ નહીં, એ બરાબર નથી. એમ તો પછી બધા જ કાલ્પનિક થઈ જશે, ને કોઈનું યે અસ્તિત્વ નહીં રહે. એ પદ્ધતિ મને તો પસંદ નથી પડતી, તથા તંદુરસ્ત નથી લાગતી.

પ્રશ્ન: ભાગવતના કૃષ્ણ ને વેદના કૃષ્ણ એ બંને એક જ છે કે એમનામાં કોઈ તફાવત છે ? આ પ્રશ્ન મારા મનમાં કેટલાય વખતથી ઘોળાયા કરે છે. માટે પૂછું છું. એની પાછળ કોઈ વિતંડાવાદનો ભાવ નથી, પરંતુ એક પ્રકારની નિર્ભેળ જિજ્ઞાસા છે. તો મારી શંકાનું સમાધાન કરવા વિનંતિ કરું છું.

ઉત્તર: તમારી જીજ્ઞાસા જરા જુદી જાતની છે, પરંતુ તેના ઉત્તરમાં મારે કહેવું જોઈએ કે વેદના કૃષ્ણ અને ભાગવતના કૃષ્ણ બંને વસ્તુતઃ તો એક જ છે. બંને પરમાત્માના વાચક છે, ફેર માત્ર એટલો જ છે કે વેદમાં જે કૃષ્ણનું વર્ણન કરેલું છે તે કૃષ્ણ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્માના પ્રતીક છે, જ્યારે ભાગવતના દસમા સ્કંધમાં જે કૃષ્ણની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તે કૃષ્ણ એ જ પરબ્રહ્મ પરમાત્મા હોવા છતાં વાસુદેવ ને દેવકીના પુત્ર થઈને જગતના મંગળને માટે અવતરેલા છે. એ રીતે જોઈએ કે વિચારીએ તો ભાગવતના કૃષ્ણ એ વેદના કૃષ્ણના સાકાર સ્વરૂપ છે એમ કહી શકાય. તત્વતઃ એ બંનેમાં કશો જ ભેદ નથી. પરંતુ પૂર્ણ અભેદ છે.

પ્રશ્ન: એવા આ અભેદ ભાવનો પડઘો ભાગવતમાં પડેલો છે ખરો ? કે જેથી વેદના કૃષ્ણ અને ભાગવતના કૃષ્ણની વચ્ચેની એક વાક્યતા સમજાઈ શકે ? કે પછી તમે તમારી સમજશક્તિથી આ પ્રમાણે કહી બતાવો છો ?

ઉત્તર: મારી સમજશક્તિનો આશ્રય લઈને હું આ પ્રમાણે નથી કહેતો, પરંતુ વેદ અને ભાગવત બંનેનો આધાર લઈને નક્કર હકીકતોની મદદથી કહી બતાવું છું.

પ્રશ્ન: કઈ નક્કર હકીકતો ?

ઉત્તર: તમે નથી જાણતા કે વેદમાં પરમાત્માના અવતારોનું પ્રતિપાદન કરેલું છે ? ધર્મની સ્થાપના માટે તથા અધર્મના અંત માટે પરમાત્મા અવતાર લે છે એવું એમાં વિધાન છે. કૃષ્ણના રૂપમાં એ જ પરમાત્મા પ્રગટ થયા હતા એવો ભાગવતકારનો નિર્દેશ છે. એવા નિર્દેશો ભાગવતના દશમ સ્કંધમાં ઠેર ઠેર મળે છે. શ્રીકૃષ્ણનો જન્મ થાય છે તે પ્રસંગ જુઓને. ભગવાન શ્રીકૃષ્ણ સૌથી પહેલાં દેવકી અને વસુદેવને પોતાના અલૌકિક પરમાત્મ સ્વરૂપનું દર્શન કરાવે છે. તે જોઈને દેવકી અને વસુદેવ બંને આશ્ચર્યચકિત બની જાય છે. તે પછી પરમાત્મા પોતાના અસલ સ્વરૂપને અંતર્હિત કરીને, શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ ધારણ કરે છે. દસમા સ્કંધમાં ગોપીગીતમાં જ્ઞાનમયી ગોપીઓએ પણ સ્પષ્ટ કહ્યું છે કે અમે તમને ગોપીના પુત્ર નથી સમજતી. પરંતુ અખિલ વિશ્વના અંતરાત્મારૂપે માનીએ છીએ. તમે બ્રહ્માની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે અવતાર ધારણ કરીને યાદવ કુળમાં પ્રગટ થયા છો એવો અમારો દ્રઢ વિશ્વાસ છે. મહર્ષિ વ્યાસે પણ કૃષ્ણ તો સ્વયં ભગવાન છે, એમ કહીને એ વાતનો પડઘો પાડી બતાવ્યો છે. એટલે વેદ અને ભાગવતના કૃષ્ણ એક જ છે. એક જ ચૈતન્ય તત્વના આર્વિભાવ.

પ્રશ્ન: કૃષ્ણનો મૂળ અર્થ શું થાય ?

ઉત્તર: કૃષ એટલે ખેંચવું. એના પરથી કૃષ્ણ શબ્દ થયેલો છે. જે સમસ્ત બ્રહ્માંડને પોતાની તરફ આકર્ષે છે કે ખેંચે છે તેને પરમાત્મા કૃષ્ણ કહે છે. જીવ પણ એ પરમાત્માને પ્રેમના બળથી પોતાની તરફ ખેંચી શકે છે. માટે પણ તે કૃષ્ણ છે.

Today's Quote

There is no pillow so soft as a clear conscience.
- French Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok