Sunday, August 09, 2020

સંક્ષિપ્ત ગાયત્રીમંત્ર

હિમાલયનો પુણ્યપ્રદેશ. એમાં ગંગાના પ્રશાંત તટ પર વસેલું શાંત અને સુંદર સ્થળ હૃષિકેશ. ઈ. સ. ૧૯૪૩ની સાલ.

એ વખતે હૃષિકેશ આટલું બધું આધુનિક તેમજ વસતિવાળું ન હતું. એની અસાધારણ શાંતિ તથા પ્રાકૃતિક સુંદરતાથી મુસાફરો મંત્રમુગ્ધ બની જતા. જો કે આજે એની વસતી વધી છે, ને પ્રતિવર્ષ ભારતના બીજા પ્રદેશોની પેઠે વધતી જાય છે, છતાં લોકોનું આકર્ષણ એવું જ અબાધિત રહ્યું છે. લોકો એની અસાધારણતા જોઈ સ્તબ્ધ બને છે, ને ‘શું અવર્ણનીય સૌંદર્ય છે ! શું ઉંડી શાંતિ છે ! જાણે સ્વર્ગ જ જોઈ લો !’ એવા આશ્ચર્યજનક ઉદગાર કાઢે છે. એના વિશાળ ત્રિવેણીઘાટ, શાંત સમાધિ ધરીને ઉભા રહેલા માયાકુંડ, પ્રવાસીના શબ્દોના પ્રતિધ્વની પાડનારી વસુધારા, કાલી કમળીવાળાની સાધુસેવાનું વ્રત લઈને શરૂ થયેલી સંસ્થા સ્વર્ગાશ્રમ, ને લક્ષ્મણઝુલાનું નિરીક્ષણ કરીને આશ્ચર્ય અને આનંદમાં ગરકાવ બનેલો પ્રવાસી, એ પુણ્યપ્રદેશના પ્રવાસનું સદભાગ્ય સાંપડવા બદલ, પોતાની જાતને ધન્ય ને કૃતકૃત્ય માને છે અને ઘડી-બે ઘડી પરમાત્માની પરમ રહસ્યમયી લીલાનું સ્મરણ કરતો થઈ જાય છે.

જેણે એ પુણ્યપ્રદેશનો પ્રવાસ કર્યો હશે, તેને એની અજબ સંમોહનશક્તિનું સ્મરણ હશે જ.

એ પ્રશાંત પ્રદેશના મારા નિવાસ દરમ્યાન એક ઉચ્ચ કોટિના મહાત્મા પુરૂષે મને રોજના હજાર ગાયત્રી મંત્રના જપ કરવાની સુચના કરી. અમુક સંખ્યાના જપ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે એવું એમનું કહેવું હતું. એ દિવસોમાં મારે માનસિક શાંતિ તથા આત્મવિકાસના આગળના માર્ગદર્શનની આવશ્યકતા હતી, એટલે મહાત્મા પુરૂષની સુચનાને મેં સપ્રેમ વધાવી લીધી.

શ્રદ્ધા, ઉત્સાહ ને ભક્તિભાવથી પ્રેરાઈને થોડા વખતમાં જ મેં ગાયત્રીના જપ શરૂ કર્યા.

શાસ્ત્રોમાં ગાયત્રી વિશે તો ઘણુંઘણું કહેવામાં આવ્યું છે. એની જપવિધિ પણ બતાવવામાં આવી છે. જેને ગાયત્રીનું પુરશ્ચરણ કરવું હોય તેને માટે પથપ્રદર્શન પણ પુરું પાડવામાં આવ્યું છે. રોજના હજાર ગાયત્રીજપ કરનારના જીવનમાર્ગમાંથી મોટામાં મોટી મુશ્કેલીઓ પણ દુર થાય છે, અને એનો માર્ગ સરળ બની જાય છે, તથા એને સર્વ પ્રકારે સુખ, શાંતિ ને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, એવી અનુભવવાણી પણ ઉચ્ચારવામાં આવી છે. એનું પ્રયોજન સાધકોના દિલમાં પ્રેમ ને શ્રદ્ધાની અભિવૃદ્ધિ કરવાનું હોય છે. પરંતુ મને તો એ મંત્રના જપથી લાભ જ થયો. ત્રણેક મહિનામાં તો હું એની અસર અનુભવી શક્યો. મને શાંતિ મળી, પ્રકાશ જડ્યો અને આગળનો મારો સાધનામાર્ગ ખુલ્લો થયો. મારા અંતરમાં આનંદ ફરી વળ્યો.

છતાં મને એટલું તો લાગ્યું જ કે ગાયત્રીમંત્ર પ્રમાણમાં વધારે લાંબો છે, ને જપનારની ધીરજની કસોટી કરે એવો છે. મને થયું - કોઈ ટુંકો મંત્ર કેવી રીતે મળે ? પહેલાંના ઋષિઓ મંત્રદૃષ્ટા કહેવાતા; કારણ તેમને પરમાત્માની કૃપાથી સમાધિમાં મંત્રોનું દર્શન થતું. એ કાળ તો ચાલ્યો ગયો. હવે કાંઈ એવું બની શકે ? એવા ઋષિ અને એવા લોકોત્તર અનુભવો કાંઈ આ જમાનામાં હોય ?

એવો વિચાર કરી રહ્યો હતો ત્યાં તો એક ધન્ય દિવસે એક વિલક્ષણ અનુભવ થયો.

સમાધિની અલૌકિક અવસ્થામાં મને કોઈ સિદ્ધપુરૂષોની મંડળી દેખાઈ. સિદ્ધપુરુષોમાંના કેટલાકના હાથમાં ઢોલક ને કરતાલ તથા મંજીરા હતાં. તે બધા ચૈતન્ય મહાપ્રભુની જેમ સમુહનૃત્ય કરતા ધીરેધીરે આગળ આવ્યા, ને સંવાદી સુધામય સ્વરમાં ગાવા માંડ્યા. એમનો સ્વર અત્યંત આહલાદક, મધુર ને સ્પષ્ટ હતો :

ૐ ભુભુર્વઃ સ્વઃ

ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયોયોનઃ ।

ૐ ભુભુર્વઃ સ્વઃ

ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયોયોનઃ ।

એ રીતે અવિરામ રીતે, એ ઉપરાઉપરી ગાયે જતા હતા. એમનું સંગીત સાંભળી કાન અમૃતમય બન્યા, જીવન ધન્ય થયું.

લગભગ વીસથી પચીસ મિનિટ એ અનુભવ ચાલુ રહ્યો. પછી મારી સમાધિ દશાનોય અંત આવ્યો, મને ભાન આવ્યું. હંમેશના નિયમ મુજબ મેં એ અનુભવ નોંધપોથીમાં લખી લીધો.

એ સંક્ષિપ્ત ગાયત્રીમંત્રના જપ એ પછી મેં અનેકવાર કર્યાં છે. એથી મને લાભ પણ થયો છે, કોઈ પ્રકારનું નુકશાન તો નથી થયું.

વૈદિક કાળના પ્રાતઃસ્મરણીય ઋષિવરોને અતિન્દ્રીય અવસ્થામાં જે અવનવા મંત્રો મળતા, તે આવી રીતે મળતા હશે તેની મને ખાતરી થઈ. એ મંત્રોની પ્રાપ્તિ કે ઉપલબ્ધિના બીજા પણ કેટલાક પ્રકાર છે, એવું અનુભવના અંતે જણાયું છે, પરંતુ આ પણ એક પ્રકાર છે એ ચોક્કસ છે.

એ સિદ્ધપુરૂષો કોણ હશે તે તો ઈશ્વર જાણે; પરંતુ એમણે મને દર્શન દઈ એક અવિસ્મરણીય, અમુલખ વસ્તુની ભેટ આપી એ માટે એમનો આભારી છું.

જેમની પણ ઈચ્છા હોય તે આ સંક્ષિપ્ત ગાયત્રીમંત્રનો લાભ લઈ મદદ મેળવી શકે છે. આ સ્વાનુભવ પ્રસંગના રહસ્યોદઘાટન પાછળનો હેતુ છે - બીજાને મદદરૂપ થવાનો.

  - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

When you judge another, you do not define them, you define yourself.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok