Saturday, August 15, 2020

વિભીષણ અને રામ

વિભીષણ રહેતો હતો લંકામાં, પણ એનું મન શ્રીરામના ચરણોમાં રમતું હતું. લંકા રાક્ષસોની નગરી હતી, અને ત્યાંની પ્રજામાં તમોગુણ સિવાય બીજું કાંઈ ન હતું. છતાં એવા ઘોર તમોગુણ વચ્ચે પણ, વિભીષણે પોતાના સત્વગુણને સાચવી રાખ્યો હતો. લંકા જેવી નગરીમાં વિભીષણ જેવા ભક્તનો વાસ એક મોટું આશ્ચર્ય હતું. હનુમાનજી પહેલી વાર વિભીષણને મળ્યા, ત્યારે એમણે એ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

એવા વિભીષણને સીતાનું હરણ કેવી રીતે ગમે ? રાવણને એણે ઘણો સમજાવ્યો - સીતાને છોડી દેવા ને રામનું શરણ લેવા. પરંતુ રાવણ એકનો બે ન થયો. રાવણ પોતે પણ ક્યાં ઓછું સમજતો હતો ? એ તો પંડિત હતો - પરંતુ એની આંખ આગળ પડદો હોવાથી એ અધર્મ કરી રહ્યો હતો. વિભીષણે રાજસભામાં એને સાચી સલાહ આપી. પણ એ સલાહ એને કડવી લાગી. એથી એ ભારે ક્રોધાયમાન થઈ ગયો. ક્રોધમાં એણે વિભીષણને લાત મારીને કહ્યું :

‘મારું ખાઈ મને વગોવે છે ? મારે લીધે તો તારું જીવન ટકી રહ્યું છે, ને તું મને જ સલાહ આપે છે ? તને શરમ નથી આવતી ? રામ પર તને આટલો બધો પ્રેમ હોય તો તું રામનું જ શરણ લે. મને હવે ભુલેચુકેય તારું મોઢું ન બતાવતો.’

વિભીષણને એ શબ્દો બાણ જેવા વાગ્યા. સભામાંથી એ બહાર નીકળી ગયો. એણે નિશ્ચય કર્યો : ‘હવે તો શ્રીરામનું જ શરણ લેવું. શ્રીરામની પાસે જવાથી જ શાંતિ મળશે.’ અને એ ચાલી નીકળ્યો.

રામચંદ્રજીના દર્શનથી એને અત્યંત આનંદ થયો. જન્મોજન્મના દરિદ્રીને જેમ પારસમણી મળતાં એ બડભાગી બની જાય, તેમ ભગવાન શ્રીરામનાં દર્શનથી એ બડભાગી બની નાચી ઉઠ્યો. એનું હૃદય બોલી ઉઠ્યું :

‘કુટુંબ તજી શરણ રામ તેરી આયો.

તજી ગઢ લંકા મહલ ઔર મંદિર, નામ સુનત ઉઠ ધાયો;

કુટુંબ તજી શરણ રામ તેરી આયો.’

શ્રીરામના ચરણમાં એણે મસ્તક મુક્યું ત્યારે એને કેટલી બધી શાંતિ મળી ? એને સ્વર્ગસુખ મળ્યું. આંખમાં આંસુ ભરીને એ ભગવાન શ્રીરામ સામે જોઈ રહ્યો. રામચંદ્રજીએ સ્મિત કરી એના શરીર પર હાથ મુક્યો. સામેના સાગરનું પાણી મંગાવ્યું ને વિભીષણને કપાળે તિલક કરી કહ્યું :

‘તને આજે મેં લંકેશ કર્યો. લંકાનું રાજ્ય મેં તને આજે અર્પણ કર્યું.’

રામની વાણી સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા.

‘પ્રભુ ! હજુ તો રાવણને જીતવાનો બાકી છે. લંકા પર તો હજુ રાવણનું રાજ્ય ચાલે છે અને તમે તો વિભીષણને લંકેશ કહો છો, તો તે લંકેશ કેવી રીતે બનશે ? રાવણનો નાશ નહીં થાય તો ? તો તમારાં વચન મિથ્યા નહીં થાય ?’

રામચંદ્રજીએ સ્મિત કરી કહ્યું :

‘રાવણનો નાશ નહીં થાય તેવી શંકા કરવાની જરૂર નથી. એનો નાશ તો નક્કી છે. છતાં ધારો કે એનો નાશ નહીં થાય તો પણ વનવાસ પુરો થશે એટલે મને અયોધ્યાનું રાજ્ય મળવાનું છે ને ? એ રાજ્ય હું વિભીષણને આપી દઈશ - પરંતુ વિભીષણને રાજા જરૂર બનાવીશ. મારા સંકલ્પમાં કોઈ જાતનો ફેરફાર નહીં જ થાય.’

રામચંદ્રજીની ઉદારતા જોઈને બધાને આનંદ થયો. કેટલી ઉદારતા તથા શરણાગતવત્સલતા ?

એ વાતને આજે વરસો વીતી ગયાં છે. પરંતુ આજે પણ એની સ્મૃતિ કાયમ છે. માનવ-મનને એ આખોયે પ્રસંગ પ્રેરણા આપે છે કે હે માનવ ! તું રાવણને છોડી રામનું શરણ લે. આસુરી સંપત્તિનો ત્યાગ કરી દૈવી સંપત્તિનો સ્વામી બન. અનીતિ, અધર્મ અને અનાચારનો ત્યાગ કરી જીવનને સદાચારની સૌરભથી મહેકતું કરી દે. અસત્યનો નહીં, પણ સત્યનો આધાર લે. દાનવનો નહીં, દેવતાનો સાથી બની જા. એમ કરવાથી તારું જીવન સુખી બની જશે, શાંતિમય થઈ જશે ને મંગલમય બની રહેશે. પરમાત્માનું શરણ, પરમાત્માની પ્રસન્નતા માટેનો પુરૂષાર્થ, ને પરમાત્મા પ્રાપ્ત થતાં લંકા, અયોધ્યા કે કોઈ બહારના રાજ્યોનો નહીં, પણ તારી પોતાની અંદરના રાજ્યનો તું અધિષ્ઠાતા બની જઈશ, ને જીવનને કૃતાર્થ કરીશ. રામાયણયુગનો એ સંદેશ આજે પણ એવો જ અજર અને અમર છે.

 

Add comment

Security code
Refresh

Today's Quote

There are only two ways of spreading light - to be the candle or the mirror that reflects it.
- Edith Wharton

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok