કર્મયોગનું રહસ્ય

ગાંડીવધારી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને સારથિ કરીને કૌરવો સામે લડવા માટે આવે છે. તે નહિ લડું એમ કહીને રથમાં બેસી જાય છે. તેને લડવા માટે ફરીથી તૈયાર કરવાનું માથાભારે કામ ભગવાનને માથે આવી પડે છે. તે કામની શરૂઆત કરતાં કરતાં વચ્ચે અનેક જાતના બીજા પ્રશ્નોની ચર્ચા થાય છે. અર્જુન લડવા માટે આવ્યો છે એ સાચું પણ ભગવાન તેને નવા જ યોદ્ધાઓની સાથે લડવાનું કહે છે. કામ ને ક્રોધના આ યોદ્ધા માણસની અંદર છે. બુદ્ધિ, મન ને ઈન્દ્રિયો તેમનાં આશ્રયસ્થાન છે. તે સ્થાનમાં તે તંબુ તાણીને બેઠા છે. તે યોદ્ધાઓની તાકાત વિશે ગફલતમાં ના રહેતા એમ ભગવાન આપણને શીખવે છે. અર્જુનને પણ તે એ જ સંદેશ આપે છે. બહારના યોદ્ધાઓ ને ભીમકાય પહેલવાનો કે મલ્લોની સામે લડવું સહેલું છે. પણ આ અંદરના યોદ્ધાનો સામનો કરવાનું મુશ્કેલ છે. અર્જુન ફક્ત બલવાન ને જંગલી થઈને જગતમાં જીવે એ તેમને મંજૂર ન હતું. અર્જુન મહામાનવ બને, એવી તેમની ઈચ્છા હતી. કર્મ કરનાર કોઈ યંત્રની જેમ જીવવાને બદલે વિવેકવાળો કર્મયોગી થઈને તે જીવે એવી તેમની ઈચ્છા હતી. તેથી જ તેમણે અર્જુનને અંદરના નવા શત્રુનો પરિચય કરાવ્યો. અર્જુન લડે એવી તેમની ઈચ્છા જરૂર હતી પણ આંખો મીંચીને લડે એ તેમને પસંદ ન હતું. એ કર્મયોગીની પેઠે ને કુનેહ કે કુશળતાથી લડે એ તેમની ઈચ્છા હતી. તે માટે તૈયારી કરવા તેમણે આજ્ઞા કરી છે. એ આજ્ઞા દરેક માણસને માટે ને દરેક સ્થળકાળ પૂરતી સાચી છે. જીવનને ઉજ્જવલ બનાવવું હોય તો માણસે કુનેહ કેળવવી જોઈએ. કામ ને ક્રોધ જીતવા જોઈએ. અહંકાર ને મમતા ને રાગ ને દ્વેષને હણવા જોઈએ. એમ કરવાથી માણસ કર્મયોગી બની જાય છે ને નાનામાં નાનું કામ પણ તેને માટે મંગલ ને ઉન્નતિકારક થઈ પડે છે.

અમે ઋષિકેશમાં રહેતાં હતાં. ત્યાં માતાજીએ એક શીખ દરજીની દુકાનમાં કબજો સીવડાવા આપ્યો. દરજી વૃદ્ધ હતો. માતાજીને તેની સાથે થોડો પરિચય હતો એટલે તે સારું સીવશે એવી ખાત્રી હતી. થોડા દિવસ પછી માતાજી કબજો પાછો લેવા ગયાં. કબજો તૈયાર થઈ ગયો હતો પણ બરાબર ન હતો. ઉતાવળ ને બેદરકારીમાં દરજીએ તેને ગમે તેમ સીવી નાંખ્યો હતો. માતાજીએ સાધારણ ઠપકો આપ્યો ને બેદરકારીનું કારણ પૂછ્યું, તો તેણે પોતાની ભૂલ થઈ એમ કહેવાને બદલે કહ્યું કે તમે તો મહાત્માજીની સાથે રહો છો. તમારે તો ગમે તેવું ચાલે ! જોયો આ જવાબ ? આ જવાબ આ દરજી જેવા ઘણા માણસોનું માનસ રજૂ કરે છે. કેટલાક માણસો એમ જ માની બેઠા છે કે સાધુ મહાત્મા તો જેવું તેવું ખાય, જેવું તેવું પહેરે, ને જેવા તેવા સ્થળમાં રહે. તેમને વળી સારી વસ્તુની જરૂર જ શું ? આવા લોકો સાધુ મહાત્માને ગંદા ને ગંદકીના ઉપાસક માનતા લાગે છે પણ તેમની માન્યતા ખોટી છે. ઈશ્વર તો પવિત્રતાનું પ્રતીક છે. તેમને શરણે જનાર ને પૂજનાર પુરૂષો પણ પવિત્ર જ હોય ને પવિત્રતાનો જ આગ્રહ રાખે. તેમને ગંદકી, બહારની કે અંદરની કોઈ યે જાતની ગંદકી ગમે જ કેમ ? ઈશ્વરની દુનિયા પણ ચોક્કસ નિયમોના આધાર પર, સંપૂર્ણ વ્યવસ્થા પ્રમાણે ચાલે છે. તે દુનિયાના મહાત્મા પુરૂષોને પછી ગડબડ ને બેદરકારી કે અવ્યવસ્થા કેવી રીતે ગમે ? સંતપુરૂષ સદાયે સત્ય, શિવ ને સુંદરનો ઉપાસક છે; પવિત્રતાનો પક્ષપાતી છે ને નિયમ તથા વ્યવસ્થાનો સમર્થક છે. જે વખતે જેવું મળે તેનાથી તે ચલાવી જરૂર લે; પણ તેનો અર્થ એમ નથી કરવાનો કે તે પ્રમાદ ને બેદરકારી તથા અવ્યવસ્થાનો પોષક છે.

સાધારણ માણસે પણ પ્રત્યેક કામને ખૂબ ધ્યાનપૂર્વક કરવાનું છે. વધારેમાં વધારે સુંદર, પ્રાણવાન ને રસિક બનવાનું છે. કર્મની કુશળતાનો આ સિદ્ધાંત કર્મયોગમાં ઘણો મહત્વનો છે. ભગવાન અર્જુનને ફક્ત કામ કરનારો માણસ નહિ; પરંતુ કર્મયોગી બનાવવા ચાહે છે. એટલે જ છેલ્લા અધ્યાયમાં તેનું ધ્યાન કેટલીક બીજી વાતો તરફ દોરે છે. ચોથા અધ્યાયની શરૂઆતમાં આટલી સમજ જરૂરી છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.