કર્મયોગની પુરાણી પરંપરા

હવે આપણે આગળ ચાલીએ. ભગવાન કહે છે કે હે અર્જુન, જે કર્મયોગ વિશે હું તને કહી રહ્યો છું તે કર્મયોગ સૌથી પહેલાં તને જ કહી રહ્યો છું એમ ના સમજીશ. આ કર્મયોગ ઘણો પ્રાચીન છે. સૌથી પહેલાં મેં આ યોગનું જ્ઞાન સૂર્યદેવતાને આપ્યું હતું. સૂર્યે મનુને ને મનુએ ઈક્ષ્વાકુને તે જ્ઞાન આપ્યું. એ પ્રમાણે કેટલાય કાળથી ચાલતો આવેલો તે યોગ વખત જતાં જરા ભૂલાઈ ગયો હતો. આજે તેનું જ્ઞાન હું તને ફરી આપું છું. તું મારો પ્રેમી, ભક્ત ને સખા છે. તેથી કર્મયોગનું ઉત્તમ રહસ્ય તારી આગળ ખુલ્લું કરું છું.

આ શબ્દો જરા મનન કરવા જેવા છે. ભગવાને સૌથી પહેલાં કર્મના રહસ્યનું જ્ઞાન કોને આપ્યું ? સૂર્યને. તેનો અર્થ શું ? આપણે માટે તેનો ઉપયોગી અર્થ એ જ છે કે આ સંસારમાં કર્મયોગના રહસ્યને સમજનાર ને સમજાવી શકનાર જો કોઈપણ હોય તો તે સૂર્ય છે. સૂર્યનો વિચાર કરવાથી કર્મયોગની જરૂરી દીક્ષા મળી જાય છે. સૂર્ય આખો દિવસ કામ કરે છે.  છતાં તેને થાક નથી. કોઈ દિવસ થાકી કે કંટાળી જઈને તેણે પોતાનું કામ મૂકી દીધું એમ થયું નથી. તેની પાસે જાવ તો બળી મરો. એટલો બધો તેનો પ્રતાપ છે. સાધારણ ગરમીથી આપણે કંટાળી જઈએ છીએ ને દુઃખી થઈએ છીએ. પણ પ્રચંડ ગરમીની વચ્ચે વાસ કરનાર સૂર્ય કેટલી બધી શાંતિ જાળવે છે ! ધીરજને ધારણ કરીને સહનશીલતાની મૂર્તિ બની બીજાને તે કેવો પ્રકાશ ધરે છે ! આવેશમાં આવી જઈને કે કંટાળી જઈને તે પોતાનું કામ મૂકી દે તો ? અર્જુનની જેમ ક્ષેત્રસંન્યાસ લેવાનું નક્કી કરીને તે નહિ લડું કે નહિ પ્રકાશું એમ કહીને નિષ્ક્રિય બનીને રથમાં બેસી જાય તો ? સંસારની દશા કેવી થાય ? સંસાર પર અંધકારના ઓળા ઉતરી પડે, ને વનસ્પતિ, પંખી, પશુને પ્રાણીની દશા કફોડી થાય. એટલે તો સારું છે કે તે બધે પ્રકટ્યા કરે છે, ને જગતને જીવન ધરે છે.

હવે લગભગ બધે અઠવાડિયામાં એક દિવસ રજા પડે છે પણ સુરજદેવતાની સતત ક્રિયાશીલતાનો તો વિચાર કરો. તે રજાને માટે જરાય આંદોલન કર્યા વિના પોતાનું કામ કર્યે જાય છે. વખાણવા જેવી વાત તો એ છે કે પોતાના દ્વારા સંસારનું જે હિત થાય છે તે માટે તેના દિલમાં જરાય અભિમાન થતું નથી. તે તો નમ્રતાની મૂર્તિ બનીને પોતાનું કામ કર્યે જ જાય છે. એ કામ પણ તેને માટે સહજ કે સ્વાભાવિક બની ગયું છે. સાધારણ માણસો કોઈની સેવા કરે છે તો બદલામાં સ્તુતિ ને માનમરતબાની ઈચ્છા રાખે છે પણ સૂર્યની નિઃસ્પૃહતા તો જુઓ. પોતાના કામ માટે તેને માનની જરૂર નથી. સેવાના ક્ષેત્રમાં કોઈયે લાંબો વખત જીવન ગાળ્યું હોય તેને માનપત્ર આપવામાં આવે છે, ને સમાજ તરફથી તેમની સેવાની કદર કરીને થેલી પણ અર્પણ થાય છે. આથી સેવા કરનાર માણસો ખુશ પણ થાય છે. સેવકોને જો માન આપવામાં ના આવે, ને તેમની ઈચ્છા પ્રમાણે ઊંચું ને આગળ પડતું આસન ના મળે, તો તે તરત બબડી ઊઠે છે કે કામની કદર નથી. પણ સૂર્યને એ પ્રમાણે બબડાટ કરતાં કોઈ સાંભળે છે કે ?

સૂર્યની સેવા કોઈયે સેવક કરતાં જૂની ને મોટી છે. કોઈ ના કરી શકે તેવું ને સારી સૃષ્ટિના મંગલનું કામ તે કરે છે છતાં તેણે કોઈવાર માનપત્રની માગણી કરી ? આપોઆપ તેને ઉચ્ચોચ્ચ સ્થાનની પ્રાપ્તિ થઈ છે; તેને શ્રેષ્ઠ આસન મળ્યું છે. સુખ ને દુઃખ, હર્ષ ને શોક, શંકા ને સમાધાન તથા રાગ ને દ્વેષ, બધાની પાર પહોંચ્યો હોય તેમ કશાથી ચંચલ થયા વિના ને ડગ્યા વિના તે પોતાનું કામ કર્યે જાય છે. આ દશા તેને માટે સ્વાભાવિક બની ગઈ છે. આથી વિરૂદ્ધ દશાની તેને કલ્પના પણ નથી. સૂર્યનું દર્શન આપણે વારંવાર કરીએ છીએ. સૂર્યને અંજલિ આપીએ છીએ ને પૂજા પણ કરીએ છીએ; પરંતુ આ રહસ્યનો વિચાર ભાગ્યે જ કરીએ છીએ. નહિ તો આપણને સૂર્ય પાસેથી ઘણું શીખવાનું મળે. ને જીવનના ઘડતરમાં તે કામ લાગે તે શિક્ષામાંથી બોધપાઠ લઈને આપણે સાચા કર્મયોગી થઈ શકીએ.

જેમ સૂર્ય પાસે અંધારૂં ટકતું નથી, તેમ આપણી પાસે પણ અજ્ઞાન ને અવગુણોનો અંધકાર ટકે નહિ; જો સૂર્યની જેમ આપણે પણ કોઈપણ જાતના બદલાની ઈચ્છા વિના સહજભાવે કર્મ કર્યા કરીએ. કર્મનો અહંકાર આપણને અડે નહિ. પ્રતિષ્ઠા, પૈસા ને પદની લાલસાથી આપણે દૂર રહીને કામ કરીએ, પણ કરારની આશા છોડી દઈએ. કામ કરીને કોઈના પર ઉપકાર કરીએ છીએ એવા મિથ્યા અભિમાનનો અંત આણીએ. કામના બદલામાં કોઈ નિંદા કરે કે સ્તુતિ સંભળાવે, સુખી કે દુઃખી થયા વિના આપણું કામ કર્યા જ કરીએ. હર્ષ ને શોક, સુખ ને દુઃખ ને માન ને અપમાનમાં દૃઢ ને અડગ રહીએ. આપણી શાંતિ કદી તૂટે નહિ, પ્રસન્નતા ખૂટે નહિ, ને સેવાની સહજ ધૂન છૂટે નહિ. સૂર્યની શક્તિ અનંત છે, તેનો પ્રકાશ ભારે છે. પણ તે બીજાને ત્રાસરૂપ નથી, મદદરૂપ છે. સંસારનો નાશ કરવાની શક્તિ હોવા છતાં તે સંસારની રક્ષા કરે છે તે પ્રમાણે આપણી સમગ્ર શક્તિ બીજાના હિત માટે વપરાવી જોઈએ. તેનાથી ભૂલેચૂકે પણ કોઈનું બુરૂં ના થાય તેનું ધ્યાન રહેવું જોઈએ. સંસારને માટે સૂર્ય શાપરૂપ નહિ, આશીર્વાદ રૂપ બને, ને આપણા વિચાર ને કર્મો કોઈયે સંજોગોમાં શાપરૂપ તો ના જ બને એ સારી પેઠે યાદ રાખવું જોઈએ. કર્મ આપણો સ્વભાવ થવો જોઈએ. કર્મ આપણે કરીએ નહિ, પણ આપણા દ્વારા સ્વભાવિકરૂપે થયા કરે, એવી દશા કેળવવી જોઈએ, કર્મનો કંટાળો તો કોઈયે કાળે ના આવે. કર્મનો થાક પણ ના લાગે, એ માટે આપણે સાવધ રહેવું જોઈએ. કર્મના પ્રભાવથી આપણી શાંતિ વધવી જોઈએ, ને આપણો ઉત્સાહ દ્વિગુણિત થવો જોઈએ.

આટલી વાત પછી હવે તમે જ વિચાર કરો કે સંસારમાં સૂર્યના જેવો કર્મયોગી બીજો કોઈ છે ? સૂર્યદેવતા દ્વારા કર્મયોગનું રહસ્ય બીજા કોને મળ્યું ? મનુને. મનુ ને શતરૂપા સંસારના બે મૂળ આદિ માતાપિતા ગણાય છે. આજે જે સૃષ્ટિ છે તે તેમની જ છે. કર્મનું રહસ્ય મેળવીને તેમણે સંસારનો વિસ્તાર કર્યો ને માનવજાતિ કલાપૂર્વક જીવી શકે, ને પરસ્પર પ્રેમ ને વ્યવસ્થા જાળવી શકે, તે માટે તેમણે ધાર્મિક ને સામાજિક કોડ તૈયાર કર્યો. તેને જ આપણે મનુસ્મૃતિ કહીએ છીએ. મનુ ભગવાનને લાગ્યું કે માનવજાતિ જંગલી દશામાં જીવે તે ઠીક નહિ. તેથી તેમણે ઉત્તમ જીવનના આદર્શ રજૂ કર્યા, ને નીતિ, રાજકારણ, કેળવણી, ધર્મ જેવાં જીવનનાં બધાં જ જરૂરી અંગો વિશે સિદ્ધાંતો ઘડ્યા. મનુ ભગવાન આ પ્રમાણે મહાન મનન કરનારા હતા. તેમણે તે વખતના રાજાને પણ કર્મયોગનું જ્ઞાન આપ્યું. તેનો ઉપયોગ કરીને રાજાઓ પોતાની સાથે પોતાની પ્રજાનું પણ મંગલ કરવા માંડ્યા. આજે તે મહાપુરૂષો નથી, પણ મનન કરવાનો સ્વભાવ માણસની અંદર રહેલો છે. તે સ્વભાવનો વિકાસ કરીને માણસ આજે પણ કર્મયોગી બની શકે છે, ને મનુ જેવો મહાન થઈ શકે છે. અર્જુન એવો જ મહાન બને એવી ભગવાનની ઈચ્છા છે તેથી જ ભગવાન તેને આ બધી પ્રેરક વાતો કહી રહ્યા છે તેથી અર્જુનને જરૂર આનંદ થતો હશે એમ કલ્પી શકાય છે. આપણને પણ આનંદ થાય છે. ને કોને ના થાય ? ભગવાનની પાસે ઊભા રહીને તેમનો દૈવી ઉપદેશ સાંભળવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયેલું નથી. છતાં તેમની દૈવી વાણીનો લાભ ઊઠાવવા આપણે આજે પણ સ્વતંત્ર છીએ. તે લાભ ગંગાના સ્નાનના કે અમૃતના પાનના લાભથી જરા પણ ઉતરતો નથી. તે લાભ લેતી વખતે આનંદ ના થાય એવા ફુટેલા હૃદયના માણસો બહુ ઓછા મળશે. જો કે એવા ફુટેલા હૃદયના માનવો સંસારમાં કેટલાય પ્રમાણમાં મળી આવશે; પણ જડતામાં જીવી રહેલા તેમને ‘માનવ’ની માનદ સંજ્ઞાથી સંબોધિત કરવા તે શું યોગ્ય છે કે ? વિચારોના દૈવી ને શીતલ સ્નાનથી જેમને આનંદ ના આવે, તેમને માનવ કરતાં પશુ જેવી કોઈ બીજી સૂચિમાં મૂકવાનું જ વધારે ડહાપણભર્યુ ગણાશે. અર્જુન તો સાચો માનવ છે; નરનો અવતાર છે; ને ઉત્તમ માનવ બનવાની તેની ઈચ્છા છે માટે જ ભગવાનની વાણી તેને આનંદ આપે છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.