જીવન સતત છે

સંસારના સારા મનાતા સઘળા ધર્મો પૂર્વજન્મ કે જીવનની સતતતાનો સ્વિકાર કરે છે. જે ધર્મો  એમાં નહોતાં માનતા, તેમણે પણ હવે પોતાનો સૂર બદલ્યો છે. મુસલમાન ને ખ્રિસ્તી ધર્મમાં કયામતના દિવસ કે ઈન્સાફના દિવસની કલ્પના વજુદ વિનાની છે એમ હવે સમજુ માણસોને સમજાવવા માંડ્યું છે. ભારતીય ધર્મે તો જીવનની સતતતાના સિદ્ધાંતો શરૂઆતથી જ રજૂ કર્યા છે. હવે દુનિયાના બીજા સારા ધર્મોએ ભારતીય ધર્મની આ વિશેષતાને પોતાની અંદર સમાવી લેવાનો પ્રયાસ કરવા માંડ્યો છે. જીવનની સતતતાનો આ સિદ્ધાંત સાચો છે. ભારતના સાધારણ પ્રજાજનોને પણ તેવી સમજ છે. આ સિદ્ધાંત કલ્પના નથી પણ વાસ્તવિક્તા છે. તે અનુભવના આધાર પર ઘડાયેલો ને સિદ્ધ થયેલો છે, એ સમજવાની જરૂર છે.

આ જીવન શાને માટે છે ? જીવનની પાછળ કોઈ હેતુ છે કે કેમ ? ડાહ્યા માણસો તરત કહી ઊઠશે કે જીવનનો હેતુ જરૂર છે. આ સંસારની દરેક વસ્તુની પાછળ કાંઈ ને કાંઈ રહસ્ય રહેલું છે. દરેક વસ્તુનો કાંઈ ને કાંઈ ઉપયોગ છે. પછી જીવનનો ઉપયોગ ના હોય એવું કેમ બને ? આટલા મોટા ને મૂલ્યવાન જીવનની પાછળ કોઈ હેતુ ના હોય, અથવા તો આવા સુંદર જીવનનો કોઈ આદર્શ ના હોય, એવું બને જ નહિ. વિચાર કરતાં જણાય છે કે જીવન નિરંતર ગતિ કર્યા કરે છે; વિકાસ કરે છે. જીવનધારી માનવ સુખ, શાંતિ, સમૃદ્ધિ ને જ્ઞાનની ઈચ્છાથી કર્મ કરે છે, ને જીવે છે. પુરૂષાર્થ કરીને તે વિકાસ પણ કરે છે ને સુખ, શાંતિ, જ્ઞાન ને સમૃદ્ધિ તથા શક્તિની ઈચ્છા કરે છે. એ ઈચ્છા ક્યારે શમશે ? તે પૂર્ણ બને ત્યારે. જીવનનો વિકાસ પૂરો થતાં શાંતિ, સમજ ને શક્તિની શોધ પણ પૂરી થશે, ને ત્યારે જીવનના ધ્યેયનો અંત આવશે. એ ધ્યેયની પ્રાપ્તિ આજ સુધી કેટલાય માનવોએ કરેલી છે. અને આપણે સૌ એ ધ્યેય તરફ ધીરે ધીરે, જાણમાં, કે અણજાણમાં ગતિ કરી રહ્યા છીએ. એ ધ્યેયને કોઈ પૂર્ણતા કહે છે તો કોઈ મુક્તિ કહે છે. કોઈ આત્મદર્શન તો કોઈ પરમાત્માની પ્રાપ્તિ કહીને તેનો ખ્યાલ આપે છે. કોઈ પરમશાંતિ કે નિર્વાણ પણ કહે છે. ગીતાએ બ્રાહ્મી સ્થિતિના નવા શબ્દનો પ્રયોગ કરીને તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે, ને તે સ્થિતિએ પહોંચેલા પુરૂષને માટે સ્થિતપ્રજ્ઞનું સુંદર નામ રજૂ કર્યું છે. આપણને નામની સાથે કોઈ વિખવાદ નથી. જુદાં જુદાં નામો દ્વારા આપણે યાદ રાખવા જેવી વાત એ છે કે જીવન વિકાસ કરવા માટે છે; વિકાસ કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરવા માટે છે ને પૂર્ણતાની પ્રાપ્તિ કરી શકાય છે. માનવજીવનનો મહાન હેતુ એ જ છે. એ જ જીવનનું ધ્યેય છે.

ને જીવનનું ધ્યેય સ્વીકારી લઈએ, તો પછી તે ધ્યેય પૂરું થાય નહિ, ત્યાં સુધી જીવન પૂરું થાય નહિ એ વાત પણ સ્વીકારવી જ જોઈએ. જીવન પૂર્ણતા માટે હોય, કે પરમશાંતિ ને મુક્તિને મેળવવા માટે હોય, તો તે ના મળે ત્યાં સુધી જીવન ચાલુ જ રહેવું જોઈએ. એ વાત પણ સહેજે સમજી શકાય છે. સાગરના પાણીની વરાળ થઈને તેનાં વાદળ બંધાય છે, ને છેવટે વરસાદ વરસે છે. સાગર પાસે ઊભો રહેલો માણસ આ વાત જાણે છે. છતાં તે એક જ પળમાં વરાળ ને વરસાદની માંગણી કરે તો ? તેને નિરાશ થવું પડે. વરાળનો વરસાદ થાય છે તેની ના નહિ, પણ તેને માટે તેણે ધીરજ ધારણ કરવી જોઈએ. કેમકે વરાળમાંથી વરસાદ થાય તે દરમ્યાન કેટલાક બીજા ફેરફારની જરૂર હોય છે. જીવન પણ પૂર્ણતા માટે છે એ સાચું. પણ તે પૂર્ણતા આ એક જ જીવનમાં મળી જશે એમ નથી. તેને માટે એક જીવન પણ બસ થાય ને આવાં અનેક જીવન પણ ધારણ કરવાં પડે. તે સંબંધી કોઈ બાંહેધારી આપી શકાય તેમ નથી. જીવનની વહેતી નદી કોણ જાણે કેટલાય જીવનના કિનારાને સ્પર્શ કરીને આ પ્રમાણે વહ્યા કરશે ને વિકાસ કરશે. પણ તે પૂર્ણતાના સાગરને મળશે એ નક્કી છે. જ્યાં સુધી પૂર્ણતા નહિ મળે, ત્યાં સુધી જીવન પર જીવન ચાલુ જ રહેશે.

એટલે જન્માંતરનો સિદ્ધાંત આપોઆપ ફલિત થાય છે, ને સાચો ઠરે છે. બીજી રીતે પણ એને ટેકો મળે છે. જીવનનો વિચાર કરતાં જણાશે કે માણસો જીવનમાં સારાં નરસાં કર્મ કર્યા કરે છે તે સૌને પોતાનાં કર્મનું ફલ ચાલુ જીવનમાં મળે છે જ એમ નથી દેખાતું. કેટલાય માણસો સારાં કર્મો કરે છે છતાં તે જીવનભર વધારે ભાગે દુઃખી થાય છે. બીજા ખરાબ કામ કરનાર ને અધર્મનો આશ્રય લેનારા માણસો આનંદ કરે છે. ખરાબ કામનું ખરાબ ફળ તેમને આ જીવનમાં મળતું નથી. સારા કામને માટે મહેનત કરનાર માણસની મહેનત અધુરી રહી જાય છે. જન્માંતરને માનીએ તો જ આનું સુખદ સમાધાન મળી શકે છે. એટલે જન્માંતરના આદર્શની પાછળ વ્યવસ્થા રહેલી છે. કરેલું કર્મ નિષ્ફળ જતું નથી એ શ્રદ્ધા જન્માંતરના આદર્શથી વધારે મજબૂત બને છે છતાં વધારે મજબૂત ને ચોક્કસ પુરાવા તો પોતાના ને બીજાના પહેલાંના જન્મોનું જ્ઞાન ધરાવનારા મહામાનવોના છે. કેમકે તે પુરાવાની પાછળ કેવલ તર્ક નથી, પણ અનુભવ  છે. અનુભવથી સિદ્ધ થયેલી વસ્તુની સત્યતા વધારે સંગીન રીતે સાબિત થાય છે. એવો અનુભવ કરવા માટે માનવ માત્ર સ્વતંત્ર છે. ઈશ્વરની કૃપા થશે તો એવો અનુભવ મળી શકશે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.