ઈશ્વરનો અવતાર

આ અધ્યાયમાં ભગવાન કહે છે કે હે અર્જુન, તારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે. હું જો કે પરિપૂર્ણ છું છતાં પણ મારી ઈચ્છાથી ને મારી દૈવી શક્તિનો આશ્રય લઈને વારંવાર જન્મ ધારણ કરું છું. જન્માંતરની વાતને સિદ્ધ કરવા માટે ભગવાન આમ કોઈ તર્ક કે દલીલબાજીનો આધાર લેતા નથી, પણ પોતાના અનુભવની વાત કરે છે. ગીતાની આ એક મોટી ખૂબી છે. ગીતા એક રીતે કૃષ્ણ ભગવાનની જીવનપોથી છે. ભગવાને તેમાં પેતાના જીવનનો પડઘો પાડ્યો છે. પોતાના અનુભવની ભાષાને રજૂ કરી છે. કલ્પનાની પાંખે ઊડવાને બદલે કે કેવલ સૂકા વિચારોના વમળમાં વિહાર કરવાને બદલે ભગવાને તેમાં પોતાના અનુભવના આલાપ રજૂ કર્યા છે. અનુભવના આધાર પર જ તેમણે અર્જુનની સઘળી શંકાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે. તેથી તે પ્રયાસ સફળ થયો છે. ભગવાનની આ વિશેષતા છે.

સાચા ગુરૂ કે શિક્ષકમાં કેવી લાયકાત હોવી જોઈએ તે ભગવાન પોતાના દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. તે કહે છે કે તેણે અનુભવના આધાર પર ચાલવું જોઈએ. જે બોલે તે પાળવું જોઈએ, ને પાળેલું કહેવું જોઈએ. તો જ તેનો ઉપદેશ સાચો ને અસરકારક થઈ શકે. ગીતા કહે છે કે જીવનમાં તમારા આત્માને ને અનુભવને સદાય વફાદાર રહેજો ને સંસારની વિરૂદ્ધ જવું પડે તો પણ વિરૂદ્ધ જઈને અનુભવના આધાર પર બોલજો. ખાલી તર્કનો આધાર લેતા નહિ. ખાસ કરીને આત્મિક રહસ્યનો તાગ મેળવવા, આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ કરવા આની જરૂર છે. શાંતિનો આધાર તર્કપ્રધાન બુદ્ધિ પર નહિ, પણ અનુભવ પર રહે છે, એ નક્કી છે. અનુભવના આધાર પર અર્જુનની શંકાનું સમાધાન કરવા માટે ભગવાને પોતે શા માટે જન્મ લેવો પડે છે તે વાત કહે છે. સાધારણ માણસ તો કર્મના પાશથી જકડાયેલો હોય છે. તેની ઈચ્છા ના હોય તો પણ કર્મના પ્રભાવથી તેણે જન્મ લેવો જ પડે. જન્મ ને મરણના ચક્રમાં ફરવાની ટિકિટ કર્મની શરૂઆત કરીને તેણે લઈ જ લીધી છે એટલે જન્મ ને મરણની મુસાફરી કર્યા વિના તેને છૂટકો નથી. પણ ભગવાન તો સંસારના સ્વામી છે. તેમને કર્મનું બંધન નથી. તો પછી તે શા માટે જન્મ લે છે ? ગીતામાતા તેનો ઉત્તર આપતાં કહે છે કે જ્યારે જ્યારે ધર્મનો હ્રાસ થાય ને અધર્મનું જોર વધે, ત્યારે ભગવાન પ્રકટ થાય છે. પ્રકટ થઈને સજ્જનો ને ભક્તોની રક્ષા કરે છે, ને દુષ્ટ પ્રકૃતિના અધર્મી માણસોનો વિનાશ કરે છે.

ઈશ્વરને ઓળખીને ઈશ્વરમય થઈ ચૂકેલા સંતપુરૂષો ઈશ્વરના દૂતો છે; ને સંસારમાં ધર્મસ્થાપના જેવાં કામ વધારે ભાગે તેમને હાથે જ થાય છે અથવા કહો કે તેમની મારફત ઈશ્વર તેવા કામ કરે છે, આવા મહાપુરૂષો યુગપુરૂષ કે અવતારી પુરૂષો કહેવાય છે. એટલે ઈશ્વરમય થઈ ચૂકેલા સંતપુરૂષોમાં ઈશ્વરનો વિશેષ પ્રકાશ પથરાયેલો હોય છે. તે પ્રકાશનું દર્શન કરવાની જરૂર છે. ઈશ્વરમાં ને ઈશ્વરને પહોંચી ચૂકેલા સંતોમાં ભેદ નથી. ઉપનિષદ્ પણ એ વાતની સાક્ષી પૂરતાં કહે છે કે ब्रह्मविद् ब्रह्मेव भवति । બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ થઈ જાય છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.