Text Size

જ્ઞાનનો યજ્ઞ આવશ્યક છે

ઉત્તમ આચરણવાળા પંડિત કે જ્ઞાનીનાં બધાં કર્મો યજ્ઞની ભાવનાથી પ્રેરાઈને થતાં હોય છે. તેનું નાનામાં નાનું કર્મ પણ યજ્ઞની ભાવનાથી ભરેલું છે. ઈશ્વરની ને ઈશ્વરના સંસારની પ્રસન્નતા માટે તે કર્મ કરે છે. લોભ, લાલસા ને બીજાના અહિતની ભાવના વિનાનાં તેનાં કર્મો ખૂબ પવિત્ર હોય છે. વળી જે કર્મ કરે છે તે તેની ચિત્તશુદ્ધિમાં મદદરૂપ બને છે. કર્મ કરનારે ચિત્તની શુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપવું જોઈએ. જેમ સાબુથી મેલ દૂર થાય છે, તેમ મનની મલિનતા દૂર કરવા કર્મ કરવા જોઈએ. માણસો વધારે ને વધારે ચોખ્ખા કપડાં પહેરવાનો આગ્રહ રાખે છે, તેમાં કાંઈ ખોટું નથી. પણ તે જોઈને વિચાર થાય છે કે તેવી જ રીતે દરેક માણસ મનને વધારેમાં વધારે ચોખ્ખું રાખવાનો આગ્રહ રાખે તો ? તેની શોભા કેટલી બધી વધી જાય ! જે સેવાના કામમાં પડ્યા છે, ને વધારે કે ઓછા માણસોને દોરવાની જવાબદારી જેમના હાથમાં છે, તેવા માણસોએ ચારિત્ર્યની ચોક્ખાઈ તરફ વધારે ને વધારે ધ્યાન આપવું જોઈએ. સાધકોએ પણ મનની શુદ્ધિને મહત્વની માનવી જોઈએ કેમ કે મનની શુદ્ધિનું સ્થાન સાધનામાં ઘણું મહત્વનું છે; ને તે વિના કોઈ સાધના ભાગ્યે જ ફલવતી થઈ શકે છે.

પોતાની ને બીજાની સેવા તથા ઉન્નતિ માટે શુદ્ધિ ખૂબ જરૂરી છે. એ સદા યાદ રહેવું જોઈએ. આવી શુદ્ધિ માટે ગીતાએ કેટલાક વિશેષ કર્મ બતાવ્યાં છે. તેમને વિકર્મ કહેવામાં આવે છે. આ બધાં જુદાં જુદાં કર્મ કે કર્મમય યજ્ઞોનું વર્ણન ગીતા જરા અટપટી ભાષામાં કરે છે. તે કહે છે કે કેટલાક માણસો પ્રાણાયામ કરે છે, મૌન રાખે છે, મિતાહારી બને છે, કોઈ પણ શબ્દ ના સંભળાય એવા સ્થળમાં વાસ કરે છે, ને એમ જુદી જુદી રીતે પોતાની શુદ્ધિ ને ઉન્નતિ કરવા યજ્ઞનો આશ્રય લે છે. કેટલાક યજ્ઞો એવા છે કે જેમાં જુદાં જુદાં દ્રવ્યો એટલે સાધનોની જરૂર પડે છે. એમાંય આજે જે યજ્ઞો શરૂ થયા છે તે તો દ્રવ્ય એટલે પૈસા વિના થતા જ નથી. જે સંન્યાસી કે ત્યાગી છે તે પણ આ યજ્ઞ કરે છે, કરાવે છે, ને પૈસાની કોથળીઓ લઈને બ્રાહ્મણોને દક્ષિણા આપવા બેસે છે, એ બહુ વિચિત્ર જેવી વાત છે. વધારે આશ્ચર્ય તો એ છે કે આવા સંન્યાસી શાસ્ત્રોના આદેશને નામે યજ્ઞ કરે છે ને કરાવે છે. પણ કયા શાસ્ત્રે સંન્યાસીને ધનની વહેંચણી કરવાનો ને શ્રીમંતો પાસે તે ધનની માગણી કરવાનો આદેશ આપ્યો છે તે તેઓ કહી શકશે કે ? શાસ્ત્રોની આજ્ઞા પાળવી જ છે તો તેને પૂરેપૂરી પાળો. કેવળ સગવડિયા આજ્ઞા પાળવાનો અર્થ શો છે ? ત્યારે શું સંન્યાસી યજ્ઞ પણ ના કરી શકે ? જરૂર કરી શકે. પણ તે યજ્ઞ દ્રવ્યમય ના હોય, પૈસાની કોથળીઓ લઈને તેમાં પોતે વ્યાસપીઠે કે યજમાનપદે બેસવાનું ના હોય. તેમજ પૈસા માટે કોઈ શ્રીમંત પર આધાર રાખવાનો પણ ના હોય. તેનો યજ્ઞ તો જ્ઞાનયજ્ઞ છે. ને તે ઉત્તમ પ્રકારના યજ્ઞનો તેણે આધાર લેવો એવી ગીતામાતાની આજ્ઞા છે.

તે યજ્ઞનું ફળ શું છે ? પરમાત્માનો સાક્ષાત્કાર ને પરમાત્મામાં સદાની પ્રતિષ્ઠા. ગીતામાતા શેરો મારે છે કે દ્રવ્યયજ્ઞના કરતાં જ્ઞાનનો યજ્ઞ શ્રેષ્ઠ ને વધારે કલ્યાણકારક છે. માટે ડાહ્યા માણસે તેનો જ આશ્રય લેવો. મૌન રાખનાર ને પ્રાણાયામ ને મંત્રજાપ જેવી ક્રિયાઓ કરનારે પણ સદા ધ્યાનમાં રાખવું કે તે ક્રિયાઓ જડ કે યંત્રમય ના બની જાય. તેની પાછળ વિવેકનું પીઠબળ હોવું જોઈએ. તે ક્રિયાઓ સાધન છે એનું ધ્યાન રહેવું જોઈએ. તે શુદ્ધ ના બને, પણ તે દ્વારા જીવનશુદ્ધિ સાધી શકાય. આનંદની અનુભૂતિ થાય, ને પરમાત્માની પ્રાપ્તિ દ્વારા જીવન પૂર્ણ ને મુક્ત બને એનું સ્મરણ રહેવું જોઈએ. જ્ઞાની પુરૂષ પોતે જ યજ્ઞમય થઈ જાય છે. તેનું જીવન યજ્ઞની વેદી જેવું પવિત્ર બની જાય છે. વિવેક કે જ્ઞાનનો અગ્નિ તેમાં નિરંતર સળગ્યા જ કરે છે. તેને બીજા યજ્ઞોની જરૂર નથી. ગીતા કહે છે કે પ્રત્યેક પુરૂષે આવી રીતે યજ્ઞમય થઈ જવાનું છે. જીવનનાં નાનામોટા બધાં કર્મો જીવનની પૂર્ણતાના મહાન યજ્ઞની આહુતિ જેવાં બની રહેવાં જોઈએ. માનવના કર્મો ને માનવજીવનનું એ જ ધ્યેય છે કે તે દ્વારા તે પાતાની જાતને ઓળખી લે. પોતાની અંદર રહેલા ઈશ્વરને ઓળખી લે, ને સંસારના રહસ્યને જાણી લે. જુદાં જુદાં કર્મો, સાધના ને ઉપાસના આ મહાન ધ્યેયને સિદ્ધ કરવા માટે જ છે. પરમાત્માની અનુભૂતિ માટે જ જુદાં જુદાં સાધનો છે. જ્ઞાન એટલે કેવળ જાણવાનું નહિ, પણ અનુભવવાનું અથવા આચરણમાં ઉતારવાનું. પરમાત્માના દર્શન માટે અથવા સ્વરૂપની જાણ માટે જ આ જીવન ને જીવનધારી માનવની ઝંખના છે. તે ઝંખના પૂરી થતાં જીવનમાં શાંતિ છવાઈ જશે, પૂર્ણતા પથરાશે, ને પ્રકાશ પ્રકટી રહેશે.

- શ્રી યોગેશ્વરજી

Today's Quote

Fear knocked at my door. Faith opened that door and no one was there.
- Unknown

prabhu-handwriting

Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok