Text Size

જ્ઞાન માટે જરૂરી વાતો

એ ઉત્તમ જ્ઞાન કેવી રીતે મળે ને કોની પાસેથી મળે ? ગીતા કહે છે કે જે જ્ઞાની ને તત્વદર્શી હોય તેની પાસેથી પરમાત્માનું પરમ જ્ઞાન મળી શકે. પરમાત્માની પાસે પહોંચવાનો માર્ગ પણ તેવા મહાપુરૂષો જ બતાવી શકે જેણે પરમાત્માની પાસે પહોંચવાનો પરિશ્રમ કર્યો હોય. પરમાત્માની પ્રાપ્તિ માટેની સાધના કરીને જેણે સફળતા ને શાંતિ મેળવી હોય, તે જ પરમાત્માને મેળવવાનો માર્ગ બતાવવા માટે વધારે લાયક ગણી શકાય. ગીતા કહે છે કે આત્મજ્ઞાન આપનાર માણસ કે ગુરૂ કેવળ જ્ઞાની ના હોવો જોઈએ, પણ સાથે સાથે તત્વદર્શી એટલે પરમાત્મતત્વનું દર્શન કરી ચૂકેલો હોવો જોઈએ. એવા ગુરૂનું જ્ઞાન કેવળ બુદ્ધિનું જ્ઞાન નહિ હોય. તેની પાછળ અનુભવ ને નક્કર અનુભવ હશે એટલે તે વધારે કિંમતી થઈ પડશે.

આજે જ્ઞાન કે વેદાંત ઘણે ઠેકાણે શીખવાય છે. ઘણા માણસો તે શીખે છે પણ ખરા. પણ વધારે ભાગે ગ્રંથ જ શીખવાય છે. આથી સાચી શાંતિ નથી મળતી. સાચી શાંતિ મેળવવા માટે ગ્રંથના જ્ઞાન દ્વારા જરૂરી સમાધાન મેળવીને માણસે પોતાની અંદર ઊંડા ઉતરવું જોઈએ, ને સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો જોઈએ. જેમણે ઈશ્વરનું દર્શન કર્યું હોય તેવા પુરૂષોની પાસે બેસીને પ્રેરણા મેળવવી જોઈએ. તો જ શાંતિ સાંપડી શકે. આજે તો જે માણસ ધર્મ કે તત્વજ્ઞાનનાં થોડાં પુસ્તકો વાંચી જાય, ને કેટલાંક પુસ્તકો વિશે બોલવાની કે લખવાની શક્તિ મેળવે, એટલે તે તત્વજ્ઞાની કહેવાય છે. પણ પુસ્તકોના જ્ઞાનથી કોઈ સાચો તત્વજ્ઞાની થઈ શકતો નથી. તત્વજ્ઞાની થવા માટે જ્ઞાન ઉપરાંત અનુભવની પણ જરૂર પડે છે. તે પ્રમાણે પોતાની અંદર ને સારાય સંસારમાં રહેલા પરમાત્મતત્વનું જે દર્શન કરે છે, તે જ સાચો તત્વજ્ઞાની છે, એ સમજી લેવાનું છે.

આવા તત્વજ્ઞાની મહાપુરૂષનો સમાગમ થઈ જાય તો આપણું કામ સહેલું થઈ જાય. જીવનની મુક્તિ ને પૂર્ણતાનો માર્ગ મોકળો થઈ જાય. આવા મહાપુરૂષની છાયામાં આપણી બધી જ શંકાઓ શાંત થઈ જાય, ચિંતા ટળી જાય, ને જીવનની સાધના સફળ થાય. અંતરમાં રહેલું જૂગજૂનું આવરણ હઠી જાય, ને જીવનમાં પ્રશાંતિ ને પ્રકાશ પથરાય. માટે તો આવા મહાપુરૂષને આપણે સદ્ ગુરૂનું સુંદર નામ આપીએ છીએ. તે આપણી કાયાપલટ કરી દે છે, આપણો નવો અવતાર કરી દે છે. એટલે તો આપણે તેના ગુણગાન ગાતાં થાકતાં નથી, ને તેને ઈશ્વરની હરોળમાં બેસાડીએ છીએ. તે મહાપરૂષને પોતાને કોઈ શંકા નથી, કોઈ મુંઝવણ નથી કે તૃષ્ણા નથી. જીવનનું ધ્યેય તેણે પૂરું કર્યું છે. ખરેખર, કેટલાય જન્મોના પુણ્યોદય ને ઈશ્વરની કૃપા વિના એવા મહાપુરૂષોનો મેળાપ નથી થતો.

પણ કોઈ રીતે તેમનો મેળાપ થઈ જાય તો તેમનો લાભ લેવા શું કરવું ? તેમની પાસે જે અનુભવસિદ્ધ જ્ઞાન છે, તેની પ્રાપ્તિ માટે કાંઈક તો કરવું પડશે ને ? ગીતા કહે છે કે પહેલાં તો તેવા મહાપુરૂષોના ચરણમાં પ્રણિપાત કરજો. શા માટે ? પ્રણામ કરીને આપણે તેમની પૂજા કરીએ છીએ, સાથે સાથે આપણી નમ્રતા પણ બતાવીએ છીએ. જે અહંકારથી ભારેખમ થયા છે ને સદાયે અક્કડ રહે છે તેમણે અહંકારનો ત્યાગ કરીને નમ્ર થવું જોઈએ ને તત્વજ્ઞ મહાપુરૂષોના ચરણમાં પડવું જોઈએ. માણસ સાધારણ હોય તો પણ તેને નમન કરવામાં નુકશાન કૈં જ નથી. શ્રી રામકૃષ્ણદેવ પોતાને કોઈ પ્રણામ કરે તે પહેલાં જ સૌને વંદન કરતા. તુલસીદાસ પણ લખે છે કે સારા સંસારને સીતા ને રામમય જાણીને બે હાથ જોડીને હું વંદન કરું છું. ખાસ કરીને દેવતા, ગુરૂ, વડીલ ને સંતને તો વંદન કરવા જ જોઈએ. બાહ્ય શિષ્ટાચારની જરૂર પણ કાંઈ ઓછી નથી.

સંતમહાત્મા કે મહાપુરૂષને વંદન કરીને બેસી રહેશો તેથી પણ શું વળશે ? તેવા મહાપુરૂષની સન્નિધિમાં શંકાનું સમાધાન આપોઆપ થઈ જશે એ સાચું છે. છતાં કોઈ વાતનો ખુલાસો મેળવવો હોય તો મહાપુરૂષો પાસેથી મેળવી લેવો જોઈએ. તે માટે પ્રશ્નો પણ પૂછવા જોઈએ. જ્યાં ને જ્યારે ઈચ્છા થઈ ત્યાં ને ત્યારે અર્જુને ભગવાનને પ્રશ્નો પૂછ્યા જ કર્યા છે. પરિણામે ભગવાને આટલું બધું અમૂલ્ય જ્ઞાન પીરસ્યું છે. તે પ્રમાણે જે ના સમજાય તે પૂછવું જોઈએ. કેટલાક માણસો મહાત્મા પુરૂષો પાસે જઈને શૂન્ય–મનસ્ક જેવા બેસી રહે છે. એવા માણસોને કાંઈ જાણવાનું નથી મળતું ત્યારે ટીકા પણ કરે છે કે અમને તો કાંઈ ના મળ્યું. પણ એવી ટીકા નકામી છે. મૂંગે મોઢે બેસી રહેવાથી પણ ઘણું મળે છે પણ માણસની અંદર તેને ગ્રહણ કરવાની શક્તિ હોવી જોઈએ. તેને એ રીતે કાંઈ ના મળે તો તેણે જે મેળવવું કે જાણવું હોય તે માટે પ્રશ્ન પૂછવા જોઈએ કે જિજ્ઞાસા બતાવવી જોઈએ. આવી ટેવ પાડવામાં આવે તો મહાપુરૂષોના દર્શનનો ફેરો અફળ નહિ જાય.

આ સાથે એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે. કેટલીક વાતો એવી છે જેની માહિતી મહાપુરૂષો પાસેથી થોડી જ વારમાં નહિ મળે. તે માટે તેમના દિલને પ્રસન્ન કરવું પડશે, ને તે માટે મન મૂકીને તેમની સેવા કરવી પડશે. સેવા પૈસાથી જ થાય છે એમ ના સમજતા. શરીરથી પણ સેવા થઈ શકે છે ને મહાપુરૂષોની શિક્ષા પ્રમાણે ચાલવું એ પણ એક જાતની સેવા જ છે. લાંબા વખત સુધી સેવા કરવાથી મહાપુરૂષો પ્રસન્ન થાય છે ને જીવનને ન્યાલ કરી દે છે. સેવાથી મેવા મળે છે એમ કહેવાય છે તે સાચું જ છે. માટે મહાપુરૂષોની સેવા કરવા સદાય તૈયાર રહેજો. સેવાથી પ્રસન્ન થઈને મહાપુરૂષો જ્ઞાન ને સાધનાનાં ઊંડા ને ગુપ્ત રહસ્યો પણ તમારી પાસે ખોલી દેશે. લાંબા વખત સુધી શ્રદ્ધા રાખીને સેવા કરવાથી મહાપુરૂષોની કૃપા મળી જાય છે એમાં શંકા નથી. ગીતાએ આ વાત તત્વજ્ઞ મહાપુરૂષોના સંબંધમાં કહી છે એ સાચું છે. છતાં જેમની પાસે આપણે કાંઈપણ શિક્ષણ મેળવવું છે, તેમના તરફ નમ્રતા ને આદરભાવ ધારણ કરવાની જરૂર છે. જે ઘમંડી ને અક્કડ છે તે શિક્ષણ મેળવવા માટે યોગ્ય ઉમેદવાર જ નથી.

મોટા ઘરોમાં કેટલીકવાર ગીતા-ભાગવત જેવા ગ્રંથોનો નિત્યપાઠ કરવા માટે બ્રાહ્મણ કે શાસ્ત્રી મહારાજને બોલાવવામાં આવે છે. એક શ્રીમંતને ઘેર એવી રીતે એક શાસ્ત્રી મહારાજ જાય છે ને રોજ ભાગવત વાંચે છે. ઘરની શેઠાણી તે સાંભળે છે, પણ કેવી રીતે તે ખબર છે ? શાસ્ત્રી મહારાજ બી.એ. ભણેલા છે. છતાં તે જમીન પર એક આસન પર બેસે છે ને શેઠાણી ઊંચે હીંચકા પર બેસીને ધીમા ધીમા હીંચકા ખાતાં ભાગવત સાંભળે  છે. આ વસ્તુ રોજિન્દી થઈ ગઈ છે. શેઠાણીની સમજમાં આવતું નથી કે ભાગવત સાંભળતાં પહેલાં સારી પેઠે બેસવાનો શિષ્ટાચાર શીખી લેવો જોઈએ. શાસ્ત્રી મહારાજના એક મિત્ર તેમની સાથે એક વાર આ શેઠાણીને બંગલે ગયા. તો આ વિચિત્ર દૃશ્ય જોઈને વિસ્મય પામ્યા. તે જરા સ્વમાની હતા. એટલે પોતાના શાસ્ત્રીમિત્રને પૂછ્યું કે શુકદેવે શું આવી રીતે ભાગવત સંભળાવ્યું હતું કે ? પરીક્ષિત ઊંચા આસન પર બેઠેલા કે શુકદેવ ? પરીક્ષિત તો સમ્રાટ હતા. છતાં જ્ઞાન મેળવવા તે બે હાથ જોડીને નમ્રભાવે શુકદેવની સામે બેઠા તો આ તો શેઠાણી છે. પરીક્ષિત કરતાં મોટી તો નથી જ છતાં તે હીંચકા પર ઝૂલે છે, ને તમે બેસીને કથા સંભળાવો છો તે શું શિષ્ટાચારને અનુકૂળ છે કે ? તમારી જગ્યાએ હું હોઉં તો એક દિવસ પણ આ રીતે કથા ના કરું.

તેના જવાબમાં શાસ્ત્રી મહારાજે કહ્યું કે શું થાય ? હું પણ જાણું છું કે આ રીતે કથા કરવી બરાબર નથી. છતાં પૈસા મળે છે એટલે એકાદ કલાક રોજ વાંચી જઉં છું. જોયું ? પૈસાની પાસે જ્ઞાન લાચાર થયું ને નમી પડ્યું ! પણ એટલી બધી લાચારી ભોગવવાની જરૂર નથી. પૈસા કરતાં જ્ઞાન ને સિદ્ધાંતને મહત્વના માનો. જેમના સમાગમમાં આવો તેને નીતિની મર્યાદા સમજાવો, ને તેના પાલનનો આગ્રહ રાખો. પૈસા કરતાં જ્ઞાનનો દરજ્જો અનેકગણો વધારે છે. કેટલાક શ્રીમંતોને શ્રીમંતાઈનો ને કોઈને સત્તા, પદવી ને પ્રતિષ્ઠાનો ગર્વ હોય છે. કોઈ શાસ્ત્રી કે સંતનું નામ સાંભળતાં તેમને પોતાની મુલાકાત માટે તે બોલાવે છે. કેટલાક શાસ્ત્રી ને સંતો  તેમની મુલાકાતે જાય છે પણ ખરા. પણ તે પદ્ધતિ સારી નથી. જેને દર્શન કરવાની કે કાંઈક જાણવાની ઈચ્છા છે તેમણે પોતે સંત કે વિદ્વાનની પાસે જવું જોઈએ. જેની પાસેથી કૈંક મેળવવાની ઈચ્છા છે, તેની પાસે જઈને ઊંચા આસન પર બેસવું પણ બરાબર નથી. તેમની પાસે તો નમ્રતાની મૂર્તિ થઈને જવું જોઈએ ને તે નમ્રતાની છાપ આપણા વ્યવહારનાં બધાં જ પાસામાં પડવી જોઈએ.

સ્કૂલ ને કોલેજોમાં જનારા વિદ્યાર્થી વર્ગે પણ આ વાતને યાદ રાખવી જોઈએ. વિદ્યાર્થીઓનું વર્તન ઉદ્ધતાઈભર્યું નહિ, પણ નમ્ર જોઈએ. કોલેજોમાં વિદ્યાર્થીઓ અધ્યાપકો સામે આંદોલનો ચલાવે છે, ને અધ્યાપકો વર્ગ લેવા આવે છે ત્યારે ઘોંઘાટ કરી મૂકે છે; તથા પગ પછાડીને ને કેટલીકવાર અધ્યાપકોની પીઠ પાછળ કાગળનાં વિમાન નાખીને ઉપહાસ કરે છે, એ બધું જંગલીપણું છે. તેને બદલે તેમણે શિષ્ટાચારી થવાની જરૂર છે. જ્ઞાન આપનાર ને લેનાર બન્ને આદર્શ હોવા જોઈએ. આપણે ત્યાં આ જમાનામાં પણ એવા કેટલાક શિક્ષકો છે જે બાળકો પર ધાકધમકી ને મારપીટના પ્રયોગો કરે છે. ભય ને ત્રાસથી ભરેલા એ શિક્ષકો શિક્ષણના ઉત્તમ કામને માટે બિલકુલ લાયક નથી. પોતાની પુરાણી રીતરસમોનો ત્યાગ કરીને તેમણે પ્રેમ ને સમજાવટ તથા મીઠાશથી કામ લેવું જોઈએ. પહેલાંના ગુરૂઓ પાસે જંગલનાં જનાવરો પણ શાંત થઈને બેસી રહેતાં. આજના કેટલાય ગુરૂઓ પાસે બાળકો ભયની લાગણી અનુભવે છે ને ગુરૂઓ પણ અશાંતિની મૂર્તિ બની તેમની સાથે જનાવર જેવો વ્યવહાર કરે છે. એ વસ્તુનો અંત આવવો જોઈએ.

- શ્રી યોગેશ્વરજી

Today's Quote

Wherever there is a human being, there is an opportunity for kindness. 
- Seneca (Roman Philosopher)

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok