અંતઃકાળ પર આધાર રાખવાનું છોડી દો

રોજ પ્રભુસ્મરણ કરો. રોજના કર્મો વિચાર કરીને ને પવિત્ર રીતે કરો. રોજના જીવનને ચોખ્ખું કરો; ચોખ્ખું રાખો ને અંતકાળ પર આધાર રાખવાનું છોડી દો. જીવનમાં વહેલામાં વહેલી તકે સદ્ ગતિ મેળવી લો. મરણ પછી સદ્ ગતિ મેળવવાની આશા રાખીને બેસી રહેવું નકામું છે. જે મેળવવું હોય તે મરણ પહેલાં જ મેળવી લો. પ્રત્યેક પળને કિંમતી સમજો ને પ્રત્યેક પળે પ્રભુની કૃપા મેળવવા તૈયાર થાવ.

મરણ સૌને માથે ભમ્યા કરે છે. આ સંસારમાં કોઈ અમર નથી, છતાં માણસ એ વાતને ભૂલી જાય છે ને સંસારમાં લપટાય છે એ મોટું આશ્ચર્ય છે. એક દિવસ આ ભાડૂતી ઘરને ખાલી કરીને વિદાય થવાનું છે, એ વાત યાદ રાખીને માણસે વહેલામાં વહેલી તકે પોતાના હિતનું કામ કરી લેવા તૈયાર થવું જોઈએ. મૃત્યુનો કાંઈ ભરોસો થોડો જ છે ? માણસો હાલતાં ચાલતાં ને વાતચીત કરતાં પણ શાંત થઈ જાય છે. આજે જે તદ્દન સાજા દેખાતા હોય તે કાલે સમાપ્ત થઈ જાય છે. સાધારણ માણસો તો શું પણ મોટા મોટા વિદ્વાનો ને સંતોને માટે પણ આ સાચું છે.

એક સંતપુરૂષે જીવનનો પાછલો સમય શાંતિથી પસાર કરવા માટે એક તીર્થસ્થાનમાં વાસ કર્યો. વીસેક વરસ થઈ ગયાં પણ જીવન તો લંબાતું જ ચાલ્યું. એકવાર કોઈ સત્સંગી પુરૂષે તેમને પોતાને ત્યાં બોલાવ્યા. તેમનું આમંત્રણ સ્વીકારીને તેમણે તીર્થસ્થાન છોડ્યું. પોતાના ભક્તો પાસેથી થોડી આર્થિક મદદ મેળવીને એક આશ્રમ બનાવવાની તેમની ઈચ્છા હતી. પણ ઈશ્વરની ઈચ્છા જુદી જ હતી. તે સંતપુરૂષ પોતાના સત્સંગી ભક્તને ત્યાં પહોંચ્યા તે જ દિવસે માંદા પડ્યા, ને ત્રણેક દિવસમાં તેમનું શરીર શાંત થઈ ગયું. મરણ કેટલું અનિશ્ચિત છે તેની ખાત્રી માટે તેમના ભક્તોને આ પ્રસંગ પૂરતો થઈ પડ્યો. જો કે મરણનો વખત તો નક્કી જ છે પણ તેનું જ્ઞાન નહિ હોવાથી તે એકાએક આવી પડતું હોય એવું લાગે છે. પણ મરણને નક્કી માનીને માણસે જાગવાની જરૂર છે. જીવનને પ્રભુમય કરી દેવા માટે પ્રયાસ કરવાની જરૂર છે. તે માટે બાળપણથી જ સારા સંસ્કાર ને સારી ટેવો પાડવાનો પ્રયાસ કરવો જોઈએ.

બાળક ખાવાપીવાની, રમવાની ને કોઈવાર લગ્ન કરવાની રૂચિ બતાવે, તો કોઈને નવાઈ લાગતી નથી. માબાપ તે રૂચિને પૂરી કરવા તૈયાર થાય છે. પણ સંતસમાગમની, ઈશ્વરને મેળવવાની, જીવનભર કુંવારા રહીને બીજાની ભલાઈનાં કામ કરવાની ને યોગ જેવી કોઈ સાધના કરવાની ઈચ્છા બતાવે, તો તેમને નવાઈ લાગે છે. મોટા મોટા માણસોને પણ નવાઈ લાગે છે ને કેટલીકવાર તે ઈચ્છાને દાબી દેવા માટે પ્રયાસ પણ કરવામાં આવે છે. પોતાનાં બાળકો બીજાની જેમ કોઈની મશ્કરી કરે, કોઈને ડરાવે, ધમકાવે, દબાવે, ને ગમે તેમ કરીને ધન મેળવવાની કળામાં પાવરધા બને, તે પછી એકાદ સ્ત્રી ને થોડાંક સંતાનોનો કાફલો લઈને સંસારની યાત્રા કરે, એવી ઈચ્છાવાળા માબાપ વધારે હોય છે. પણ બાળકો સંસારથી ઉપરામ થઈને પ્રભુપરાયણ થવાની તાલીમ લેવાની વાતો કરે, એ તેમને ભાગ્યે જ પસંદ પડે છે.

બાળક જો કોઈ સંતનું જીવન વાંચે કે ગીતા, ભાગવત કે રામાયણ જેવો ગ્રંથ લઈને બેસે, તો માબાપ કે વડીલો મોં મચકોડશે, ને તરત બોલી ઊઠશે કે આ શું ? અત્યારથી ગીતા-ભાગવત ? અરે, ભાઈ ગીતા-ભાગવત તો હજી અમે પણ નથી વાંચતા ! એ તો બધું નવરા ને સંસાર છોડીને એકલા ફરનારા માણસોને માટે છે. આપણે વળી ગીતા-ભાગવત શું ? કોઈ સંતપુરૂષના દર્શને જવાની રૂચિ બતાવે તો પણ બાળકને એવો જ ઉત્તર આપવામાં આવે છે. તેમાં વળી કોઈ સંતપુરૂષના સમાગમમાં તે વારંવાર આવવા માંડે તો તો જાણે આભ તૂટી  પડવાનું હોય તેમ માબાપ ને વડીલવર્ગ ચિંતાતુર થઈ જાય છે. બાળક માળા લઈને બેસે તે પણ તેમને ગમતું નથી. ભજન ગાય તે પણ તેમને ભાગ્યે જ પસંદ પડે છે, ને જો તે કુંવારા રહેવાની વાત કરે તો તો પૂછવું જ શું ? બ્રહ્માની જવાબદારી જાણે પોતે જ ઉપાડતા હોય તેમ તે ભારેખમ બની જાય છે, ને પોતાનો ને સંસારનો વંશ નહિ રહે તો શું થશે એની મૂંઝવણમાં પડી જાય છે.

નાના હતા ત્યારે અમે પણ કોઈની પાસે સાંભળેલું કે રામ રામ બોલીએ એટલે ભૂત ને ભય બંને ભાગે છે. આ ઈલાજ અમારે માટે અકસીર થઈ પડ્યો. પહેલાં રાતે બહાર પેશાબ કરવા જતાં જરા બીક લાગતી. પણ આ ઈલાજ જાણ્યા પછી રામરામ કરતાં બહાર નીકળવા માંડ્યું, ને માનવા માંડ્યુ કે રામ દેખાતા નથી પણ સૌની રક્ષા કરવા તૈયાર છે. એથી ભય ભાગી ગયો. બાળપણના સંસ્કાર મોટી ઉંમરમાં ઘણા મજબૂત થઈ જાય છે. એ વાતની ખાત્રી કરવા નામદેવનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. ભગવાન વિઠ્ઠલને દૂધ પાવાનો નામદેવે આગ્રહ કર્યો, કેમ કે ભગવાન દૂધ પીએ છે તે વાત તેમના મગજમાં ઠસી ગઈ હતી. પાછળથી તે એક મહાન ભક્ત થઈ ગયા.

એટલે પ્રભુના સ્મરણની ટેવ પણ બાળપણથી જ પાડવી જોઈએ. ઘડપણમાં ગોવિંદના ગુણ ગાવાની વૃત્તિ છોડી દેવી જોઈએ. પ્રભુસ્મરણ તો સમસ્ત જીવનને માટે જરૂરી છે. તે કાંઈ ઘડપણનો જ ઈજારો નથી. ઘડપણમાં તો સરકારી નોકરીમાંથી પણ માણસોને છૂટા કરવામાં આવે છે, કેમકે તેમની શક્તિઓ ઘસાઈ જાય છે. તો પછી ઈશ્વરની સેવા ને તપશ્ચર્યા તો તેથી પણ વધારે શક્તિ માગી લે છે. ઘડપણમાં જ્યારે બધી શક્તિ સૂકાઈ જશે, ત્યારે સેવા, તપ કે સાધના કેવી રીતે થઈ શકશે, ને ઘડપણ આવશે એ ક્યાં નક્કી છે ? આ ચંચલ ને ક્ષણે ક્ષણે પલટાતા સંસારમાં કોણ માણસ અમર છે, ને કાલની કોને ખબર છે ? આ સંસારમાં માણસ ઘડપણ સુધી જીવશે જ એની જરા પણ ખાત્રી ક્યાં છે ? ને ખાત્રી હોય તો પણ પ્રભુપ્રાપ્તિ જેવા મહત્વના કામને માટે પ્રમાદ સેવીને ઘડપણ પર આધાર રાખીને બેસી રહેવાનું શું બરાબર છે ? પોતાની જાતના ઉદ્ધારનું કલ્યાણકારક કામ તો માણસે વહેલામાં વહેલી તકે કરી લેવું જોઈએ. તેમાં ઢીલ કરવી ઠીક નથી. જીવનની દરેક ક્ષણે પ્રભુનું અનુસંધાન સાધી ને પ્રભુની પરમ કૃપા મેળવવા સમજુ માણસે તૈયાર થવું જોઈએ. ને આ જ જીવનમાં વહેલામાં વહેલી તકે ઉત્તમમાં ઉત્તમ ગતિ કે પદ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. રોજના જીવનમાં શુદ્ધ રહેવાની ને પ્રભુસ્મરણ કરવાની ટેવવાળો માણસ અંતકાળે પ્રભુની સહેલાઈથી યાદ કરી શકશે, ને પ્રભુને મેળવી પણ લેશે. માટે જ ભગવાન કહે છે કે હે અર્જુન, જીવનની હરેક ક્ષણે તું મારૂં સ્મરણ કર ને જીવનનું આવી પડેલું યુદ્ધ કર. અર્જુનને અપાયેલા એ સંદેશામાં દરેકનો સંદેશો સમાયેલો છે. જીવનના જંગમાં ઉતરેલા માણસે વીરતાપૂર્વક લડવાનું છે, ને રાક્ષસી વૃત્તિ તથા વાસનાઓને મારવાની છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.