શરીર છોડવાની વિધિ

આ તો સાધારણ માણસોની વાત થઈ જે વ્યવહારમાં રહે છે, ને સંસારના જંગમાં ઉતરેલા છે. તેમને માટે સૂચના થઈ. પણ ત્યાગી ને એકાંતવાસી માણસોને માટે પણ આ સૂચના કામની છે. તેવા માણસોને માટે પણ આ વાત ધ્યાનમાં રાખવાની છે. તેવા માણસોએ પણ એવી ટેવ પાડવાની છે કે અંતકાળે મન પરમાત્મામાં જોડાયલું રહે. આજે પણ કેટલાક યોગીઓ શરીરનો ત્યાગ કરતી વખતે પોતાની યોગશક્તિનો ઉપયોગ કરે છે, ને પરમાત્મા સાથે એક થઈ જાય છે. યોગશક્તિના એવા બે પ્રકારોનું ભગવાન અહીં વર્ણન કરે છે. તેમાંનો પહેલો પ્રકાર પ્રસિદ્ધ જ છે. એ પ્રકાર પ્રમાણે શરીર છોડનારા યોગી પુરૂષો અંતકાળે પદ્માસન જેવું કોઈ આસન વાળીને બેસે છે ને બન્ને ભ્રમર વચ્ચે પ્રાણને સ્થિર કરી, સૃષ્ટિના સ્વામી પરમાત્મામાં મન પરોવી દે છે. ને પછી શરીરનો કાંચળીની પેઠે ત્યાગ કરે છે. શરીરનો ત્યાગ કરવાની આ કળા સાધારણ પુરૂષો કે સાધકોને સિદ્ધ નથી હોતી. સાધારણ માણસો તો શરીરમાં બંધાયેલા હોય છે. જેમ શરીરથી કપડાંને અલગ અનુભવાય છે તેમ આત્માથી શરીરને અલગ અનુભવવાનું તેમને માટે મુશ્કેલ હોય છે. એવા માણસો યોગની પદ્ધતિ પ્રમાણે શરીર છોડી શકતા નથી. તે પદ્ધતિ પ્રમાણે શરીર છોડવા માટે પુષ્કળ સાધનાની જરૂર પડે છે. એવા અભ્યાસ માટે મહાન મનોબળની જરૂર પડે છે. સંયમ ને નિયમ પણ પાળવા પડે છે. સાધારણ માણસો તેમાં પાછા પડે છે. કોઈ વીરલા પુરૂષો જ તે માર્ગે પ્રયાણ કરે છે. તેવા માણસોને પોતાના પ્રયાણકાળની પહેલેથી જ ખબર પડી જાય છે. તે પ્રમાણે બીજાને સૂચના આપીને તે શરીર છોડી દે છે. દેવપ્રયાગ પાસે થોડાં વરસો પહેલાં એક બંગાલી મહાત્માએ તે પ્રમાણે શરીર છોડી દીધું હતું. ભારતમાં એવા મહાન સંતો ઘણા થઈ ગયા છે.

શરીર છોડવાની એવી જ એક બીજી વિધિનો ભગવાન ઉલ્લેખ કરે છે. તે પ્રમાણે યોગીપુરૂષ મન, બુદ્ધિ ને શરીરનો કાબૂ કરે છે, મસ્તકમાં પ્રાણને સ્થિર કરે છે ને ॐકારનો ઉચ્ચાર તથા પ્રભુનું સ્મરણ કરતાં શરીર છોડી દે છે. તેવો યોગી પણ પરમાત્મામાં એક થઈ જાય છે. પણ મેં આગળ કહ્યું તેમ સતત સાધના વિના આ રીતે પણ શરીર છોડવાનું કામ સહેલું નથી.

ને પૂર્ણપુરૂષને શરીર છોડતી વખતે એવી વિધિની જરૂર છે જ એમ મને નથી લાગતું. હા, જેમને તેવી વિધિનો આશ્રય લેવો હોય તે લઈ શકે છે, પણ બધા જ પૂર્ણ પુરૂષોએ તેવી વિધિ કરવી જ જોઈએ એવો આગ્રહ નકામો છે. પૂર્ણ પુરૂષ તો જીવતાં જ પ્રભુને પામી ચૂક્યો ને પ્રભુમય બની ચૂક્યો છે. શરીરમાં રહીને પણ તે પ્રભુ સાથેની એકતાનો અનુભવ કરી ચૂક્યો છે. તેને પ્રભુમય થવા માટે અંતકાળે કોઈ વિશેષ વિધિ કરવાની જરૂર નથી. કોઈને તેવી વિધિની ઈચ્છા હોય તો તે ભલે કરે; બાકી તેની જરૂર છે જ એમ માનવાનું કોઈ કારણ નથી. જેણે જીવતાં જ પ્રભુનું દર્શન કર્યું છે. ને પરમગતિ મેળવી લીધી છે, તે પુરૂષ ઊભા ઊભા, ચાલતા ચાલતા ને સૂતા રહીને શરીર છોડે તો પણ શું ? તેવી રીતે શરીર છૂટવાથી પણ તેની ગતિમાં કોઈ જ ફેર પડવાનો નથી. પૂર્ણ કે પ્રભુને પામેલો પુરૂષ ઉઘાડી આંખે ને પ્રાણને ભ્રમરની વચ્ચે કે મસ્તકમાં રોક્યા વિના જે દશામાં હોય તે સહજ દશામાં જ શરીર છોડે તો પણ શું ? કાશી, કેદાર કે પ્રયાગ જેવા તીર્થસ્થાનમાં શરીર છોડવાને બદલે કોઈ સાધારણ સ્થાનમાં શરીર છોડે તો પણ શું ? તેને હવે કયા વિશેષ પુણ્યની ને કયી વિશેષ ગતિની ઈચ્છા છે ? માનો તો બધાં સ્થળો કાશી, કેદાર ને પ્રયાગ જેવાં પવિત્ર છે, કેમ કે બધે પ્રભુનો વાસ છે. સંસારના પ્રત્યેક પરમાણુમાં તેને પ્રભુના પ્રકાશનું દર્શન થાય છે. ઉચ્ચ ને નીચના ભેદ તેના દિલમાંથી દૂર થયા છે. તે પ્રમાણે બધી જ ક્રિયાઓ તેને માટે પ્રભુમય ને તેથી અલૌકિક થઈ ગઈ છે. કોઈ પણ કામ કરતાં તેનું અંતર પ્રભુ સાથે જ જોડાયેલું રહે છે. તેને વળી સાધનાની, કોઈ વિશેષ ક્રિયાની પણ ક્યાં જરૂર છે ? કોઈ કહેશે કે જરૂર ના હોવા છતાં ટેવ કે પરિપાટીને વશ થઈને યોગીપુરૂષો સાધનાની વિશેષ ક્રિયા કરતાં કરતાં શરીર છોડે છે. તેમની વાત આપણે જરૂર ધ્યાનમાં લઈશું. પણ તેમને વધારામાં કહીશું કે બધાએ તેવી ક્રિયા કરવાની જરૂર છે જ એમ માનવું ભૂલભરેલું છે. આ બાબત માટે ભગવાન બુદ્ધનો પ્રસંગ ખૂબ વિચારવા જેવો છે.

બુદ્ધ ભગવાને શરીર છોડતી વખતે તેમના શિષ્ય આનંદને જરૂરી સલાહ આપી, ને પછી પોતે સૂતાં સૂતાં જ શરીરનો ત્યાગ કર્યો. બુદ્ધ ભગવાને કેટલીય વાતોની જેમ આ વાત પર પણ એ રીતે નવો પ્રકાશ ફેંક્યો છે. ભગવાન ઈશુનો પ્રસંગ પણ વિચારવા જેવો છે. તેમણે વધસ્થંભ પર શરીરે ખીલાં ઠોકાતા હતા ત્યારે શરીરનો ત્યાગ કર્યો. તેમને માટે વધસ્થંભ ઉત્તમ આસન થઈ પડ્યું. એટલે પૂર્ણ પુરૂષોને કોઈ બહારની વિધિ કરવાની જરૂર નથી. તે ગમે તે રીતે શરીર છોડી શકે છે. હા, યોગમાર્ગના સાધકોએ ગીતામાતાએ કહેલી વિધિ ખાસ ધ્યાનમાં લેવાની છે. કેમ કે મુખ્યત્વે તે તેમને માટે છે. તે પ્રમાણે શરીર છોડવાથી તેમને પ્રભુની પ્રાપ્તિ થઈ શકશે, ને અંતકાળે પણ પરમગતિ મળી રહેશે. ભક્તિમાર્ગના સાધકો અંતકાળે પ્રભુના નામ ને રૂપમાં મન જોડવાથી જે દશામાં હશે તે દશામાં રહીને પણ પ્રભુપ્રાપ્તિ કરી શકશે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.