ॐકારથી પરમગતિ મળે છે

ઓમ્ કારનો ઉચ્ચાર કરતાં જે શરીર છોડે છે તે પરમ ગતિ મેળવે છે, અથવા તો પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. ગીતામાતાનો એ સંદેશ છે. શરીર છોડ્યા પછી પરમગતિ કે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે ગીતામાતાએ કેટલો સહેલો ને સીધો ઉપાય બતાવ્યો છે ! મા જેમ બાળકની સંભાળ રાખે છે, ને તેને માટે જુદી જુદી વાનગીઓ બનાવે છે, તેમ ગીતામાતા પોતાના બાળકોની રૂચિ જોઈને તેમના પોષણ માટે જુદી જુદી વાનગીઓ પીરસે છે; જીવનના કલ્યાણનાં નવાં નવાં સાધન બતાવે છે. સાધનાની એક જ પવિત્ર નદી પર ગીતામાતાએ સાધકોની સગવડ સારું જુદા જુદા આરા કે ઘાટ બાંધી દીધા છે. તેમાંના કોઈયે ઘાટ પર પહોંચીને સાધક સાધનાનો આનંદ મેળવી શકે છે, ને પ્રભુની કૃપાના પાણીમાં સ્નાન તથા આચમન કરી શકે છે. અમૃતના ભાગ પાડીને તેને જુદા જુદા પ્યાલામાં ભરવામાં આવે; તેમાંથી કોઈયે પ્યાલાને પી લેવાથી અમૃતમય થઈ જવાય છે, તેમ જીવનના કલ્યાણનો અમૃતરસ ગીતામાતાએ જુદા જુદા પ્યાલામાં ઠાલવી દીધો છે. તે માટેનાં જુદા જુદા સાધન બતાવ્યાં છે. તેમાંથી કોઈ પણ એક કે વધારે સાધનનો આધાર લઈને જીવનનું કલ્યાણ કરી શકાય છે, ને પરમશાંતિ, મુક્તિ ને પરમાત્માને પામી શકાય છે. તેમાંય આ સાધન તો અજબ છે. શરીર છૂટે તે વખતે ઓમ્ કારનું ઉચ્ચારણ કરો એટલે પરમપદ ને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. જીવનના મંગલને માટે કેટલો સહેલો ઉપાય છે ? આટલો સહેલો ઉપાય છે છતાં તમારે તેનો આધાર ના લેવો હોય તો તમે જાણો. પછી ભગવાનનો, સંતનો કે શાસ્ત્રોનો દોષ કાઢશો નહિ. તેમણે તો તમારી જીવનયાત્રાનો સરલ માર્ગ બતાવી દીધો છે, તે પર ચાલવું કે નહિ તે તમારે પસંદ કરવાનું છે.

કોઈ કહેશે કે અમને ઓમ્ કાર પર એટલો પ્રેમ નથી. છતાં પણ અમારે તેનો આધાર લેવો જ જોઈએ ? ઓમ્ કાર વિના શું ગતિ ના થાય ? ભગવાને ઓમ્ કાર પર એટલો બધો ભાર કેમ મૂક્યો છે ? શું આ નકામો પક્ષપાત નથી ? આપણે તેમને જવાબ આપીશું કે ભાઈઓ, ગીતામાં ભગવાને જે સંગીત પીરસ્યું છે, તેની ખૂબી જ એ છે કે તે ઉદાર છે. પક્ષપાત કે સંકુચિતતાનો કડવો સૂર તેમાં એક પણ નથી. ભગવાને ઓમ્ કાર વિષે જે કહ્યું છે તે જ બીજાં નામને લાગુ પડે છે. ભગવાને કહ્યું છે કે અંતકાળે મારૂં સ્મરણ કરીને શરીર છોડી દો એટલે પરમગતિ નક્કી છે. એનો અર્થ એ થયો કે અંતકાળે ભગવાનના નામમાં મન લગાડવું જોઈએ. ને ભગવાનનું કોઈ એક જ નામ થોડું છે ? ઓમ્ કાર સિવાય પણ બીજાં કેટલાંય નામ છે. માટે તો ભગવાનને હજારો નામવાળા–सहस्त्रनाम्ने– કહીને પ્રાર્થના કરાય છે. એ બધાં જ નામ સરખી શક્તિવાળા છે. તેને અંતરમાં ઉતારો, ને અંતકાળે પણ તેને યાદ કરો. તો પ્રભુની કૃપા નક્કી છે.

અંતકાળે ભગવાનનું નામ લો તો ઉત્તમ ગતિ જરૂર મળે. ગીતામાતાએ તો સહેલામાં સહેલી વાત કહી દીધી છે. પણ તેવા ને તેથી પણ સહેલા ઉપાયના કેફમાં તમે ના પડતા. કાંઈ પણ મહેનત કર્યા વગર, અંતકાળે ભગવાનનું નામ લઈને સહેલાઈથી પ્રભુના ધામમાં પહોંચી જવાના મનસૂબા ના કરતા. જીવનની છેલ્લી ક્ષણમાં પ્રભુનામના આધારે વૈકુંઠના વિમાનને ઘેર ઉતારવાની ને તેમાં ચઢી જઈને સીધા વૈકુંઠમાં જવાની આશા ના રાખતા. ભગવાનના નામમાં ને કામમાં વાલ્મિકી ને શબરીની જેમ એકાકાર બની જજો. તેમના પ્રેમમાં બને તેટલા વધારે ને વધારે ડૂબી જજો. પ્રભુના પ્રેમરસથી તન, મન ને અંતરને સારી રીતે રંગી દેજો. પ્રભુની કૃપાના ચાતક બનજો, ને પ્રેમના મહાન યોગી બની જજો. પ્રેમના પ્રભાવથી તમારૂં રોમરોમ પલટાઈ જશે. તમારા અંતરમાં અનેરો આનંદ છવાઈ જશે, ને તમારૂં મુખ પવિત્રતા ને શાંતિથી સુશોભિત બનશે. ઈશ્વરના અનન્ય ચિંતનથી તમારો નવો અવતાર થઈ જશે.

આજની પ્રજા માટે આ સંદેશ ખૂબ જરૂરી છે. આજે પુસ્તકો લાખોની સંખ્યામાં છપાતાં જાય છે, ને વાંચનારા પણ લાખોની સંખ્યામાં વધતાં જાય છે. વિજ્ઞાનની નવી શોધો થતી જાય છે, ને બહારના સુખની ઈચ્છા માણસના દિલમાં વધતી જાય છે. નવી નવી સંસ્થાઓ ને પ્રવૃત્તિઓ શરૂ થાય છે પણ માણસ હજી ખાસ આગળ વધ્યો નથી. તે તો જ્યાં હતો ત્યાંનો ત્યાં જ રહ્યો છે. દુર્ગુણ, દૈન્ય, સ્વાર્થ, ભુખમરો, વાસનાઓ ને વિકારો તેને ઘેરી વળ્યાં છે. સંસારમાં આજે બધે જ અસમાનતા દેખાય છે. ગરીબ ને તવંગર ને મોટા-નાનાના ભેદભાવ વધતા જાય છે. માણસે હજી જીવનના ધ્યેયને જાણ્યું નથી, ને તેને જાણીને સિદ્ધ કરવા માટે પુરૂષાર્થ કર્યો નથી. આ દશામાં તેને શાંતિ કેવી રીતે મળી શકે ? સંસાર પણ શાંતિમય કેવી રીતે થઈ શકે ? માણસે પોતે શાંતિ મેળવવી હોય ને સંસારને શાંતિમય કરવો હોય તો પોતાની કાયાપલટ કર્યા વિના ચાલવાનું નથી. પોતાની ભૂમિકાને બદલીને પોતાનો સુધારો કર્યા વિના ચાલવાનું નથી. પોતાની દૃષ્ટિ બદલવાની છે ને બહારના સંસારમાં રસ લેવાની સાથે સાથે પોતાની અંદરના સંસારમાં રસ લેવાનો છે. તેણે સાચા માનવ થવાનું છે, ને સાચા માનવ થઈને જીવવાનું છે. એ વિના જીવવાની શાંતિ, સિદ્ધિ કે સદ્ ગતિ સંભવી શકે તેમ નથી. આ મુદ્દાની વાતને ધ્યાનમાં નહિ લે ત્યાં લગી પોતાના કે બીજાના ઉદ્ધારના બધા જ પ્રયોગો માણસને હાથે નકામાં જ જવાના, ને બધી જાતના સુધારાનું ફળ નહીં જેવું જ આવવાનું.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.