જન્મમરણથી છૂટવાનો ઉપાય

જન્મ ને મરણના ચક્રમાંથી છૂટવું હોય, તો પ્રભુની પ્રાપ્તિ કર્યા વિના કોઈ ઉપાય નથી. દુઃખના દરિયા જેવા સંસારને તરીને સહીસલામત રીતે પાર ઉતરવું હોય તો પરમાત્માના દર્શન વિના બીજો કોઈ માર્ગ નથી. બધાં જ દુઃખ ને બંધનમાંથી મુક્ત થવા માટે પ્રભુની કૃપા મેળવ્યા વિના છુટકો નથી. જન્મ ને મરણના ચક્રનો ભય સંસારના પ્રત્યેક પ્રાણીના માથા પર ભમ્યા કરે છે. એ ભયથી મુક્ત હોય તેવું પ્રાણી ત્રિલોકમાં પણ કોઈ નથી. સ્વર્ગના દેવો પણ તેમાં સપડાયેલા છે. જન્મને મરણનું મહાચક્ર તેમને માથે પણ ફર્યા કરે છે. સ્વર્ગના ભોગો ભલે ભારે હોય; ત્યાંનું જીવન ભલે વિલાસી ને સુખમય હોય, પણ અમરતા તો ત્યાં પણ નથી. ત્યાંના નિવાસી દેવતાઓને મૃત્યુના ગુલામ બનવું પડે છે ને ફરી જનમવું પડે છે. બ્રહ્માનું આયુષ્ય પણ કેટલું મોટું છે ! શાસ્ત્રો કહે છે કે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર ને કળિયુગ હજાર વાર પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય છે. હવે વિચાર કરો કે એ હિસાબ જો સાચો હોય, તો બ્રહ્માનું એકંદર આયુષ્ય કેટલું મોટું હશે ! પણ તેવા મોટા જીવનને અંતે પણ મરણ તો નક્કી જ છે.

હિરણ્યકશિપુ કેટલો ચતુર હતો ! મરણનો ભય તેને ખૂબ ભારે હતો. તેણે ભયંકર તપ કર્યું ને ખૂબ ચતુરાઈ વાપરીને એવું વરદાન માગી લીધું કે જેથી મરવું જ ના પડે. કાયમ માટે અમર રહેવાનો ને મરણના ચક્રમાંથી છૂટવાનો તેણે જાણે કે દસ્તાવેજ કરાવી લીધો. જુઓ તો ખરા, કોઈ કુશળ વકીલની જેમ દસ્તાવેજમાં તેણે કેવી અટપટી શરતો મૂકી છે ! ભગવાન પાસે શરતો રજુ કરતાં તે કહે છે કે દિવસે ના મરું, રાતે ના મરું; ઘરમાં ના મરું, ઘરની બહાર ના મરું; માણસથી ના મરું ને પશુ કે પ્રાણીથી પણ ના મરું. કેટલા ગૌરવથી તેણે આ માંગણી રજૂ કરી છે ! પણ એ માંગણીમાં જ તેના મરણની છાયા પડેલી છે. મૃત્યુએ તેમાંથી પણ માર્ગ કર્યો, ને પ્રહ લાદની રક્ષા માટે નૃસિંહ ભગવાનની સાથે આવી હિરણ્યકશિપુનો નાશ કર્યો. મોટા મોટા મહારથી ને વીર પુરૂષોની જ્યારે આવી દશા છે, તો પછી સાધારણ પ્રાણીઓનું તો કહેવું જ શું ?

દુર્વાસા મુનિએ સુદર્શન ચક્રના ભયમાંથી છૂટવા માટે ભગવાનનું ને ભગવાનના ભક્તનું શરણ લીધું, તેમ તમે પણ ભગવાનનું ને ભગવાનના સાચા ભક્તોનું શરણ લો. સંતોની ને ભગવાનની દયા માગો. તેમની સેવા કરો. એ વિના જન્મ ને મરણના ચક્રમાંથી છૂટવાનો બીજો કોઈ જ ઉપાય નથી. ભગવાનની કૃપા વિના આવાગમનમાંથી કોઈયે છૂટી શકે તેમ નથી. પરમાત્માની પાસે પહોંચ્યા વિના કોઈને પણ અમરપદ મળી શકે તેમ નથી, ને જન્મ ને મરણની રમતમાંથી કોઈ છૂટી શકે તેમ નથી.

કેટલાક માણસો એમ પણ કહેતા જોવામાં આવે છે કે જન્મ ને મરણના ચક્રમાં ફરે છે કોણ ? આત્મા તો અજર ને અજન્મા તથા અમર છે. જન્મ ને મરણ તો શરીરના થાય છે. પછી જન્મ ને મરણનો શો ભય છે ? તેમને આપણે કહીશું કે ભાઈઓ તમારી દશા જરા નિરોગી છે. ગીતામાતાએ બીજા અધ્યાયમાં આ જ વાત કહી છે, તે તમારા ધ્યાનમાં હશે. તે વાત યાદ રાખો ને તે પ્રમાણે ચાલો તો તો સારું. પણ વખત આવતાં માણસ એ વાત ભૂલી જાય છે. ડાહ્યા પુરૂષોનો એવો અનુભવ છે.

જુઓને, જે વિદ્વાન છે, તેમને મરણનો શોક થાય છે. આત્મા મરતો નથી એ વાત તે ભૂલી જાય છે. તેમને સમજાવો તો પણ તે સમજતા નથી. આ ચલાયમાન સંસારમાંથી કોઈ સ્નેહી કે સ્વજનનું મરણ થાય ત્યારે આત્માની અમરતાની વાત ભૂલી જઈને તે શોકમાં પડે છે, ને રોકવા છતાં પણ રોતાં રોકાતાં નથી. તેમને પોતાને સંસારમાંથી વિદાય થવાથી વાત ગમતી નથી. તેનું કારણ જીવન તરફનો તેમનો પક્ષપાત કે રાગ નહિ તો બીજું શું છે ? એક કીડીને પણ પોતાના જીવનનો આટલો રાગ છે. તે જમીન પરથી જતી હોય, ત્યારે તેને પકડવાનો પ્રયાસ કરો જોઈએ. જરાક સ્પર્શ થતાં દોડાદોડ કરી મૂકે છે. ઝડપથી નાસવા માંડે છે. જીવનનો રાગ આમ બધા જીવોમાં છે. મરણનો શોક પણ બધા જીવોને છે. આત્માની અમરતાની ફિલસૂફીને જાણી લેવા માત્રથી કે તેને ગોખવાથી તેનો રાગ ને શોક નહિ ટળે. ભૂખ્યા માણસ પાસે પકવાનની વાતો કરવાથી તેના મોંમા પાણી છૂટે, પણ તેનું પેટ ના ભરાય. પેટ ભરવા માટે તો તેણે ખાવું જ પડે. તે પ્રમાણે કેવલ વાતોથી, સમજવાથી કે બુદ્ધિથી જન્મ ને મરણમાં તટસ્થ રહેવાની શક્તિ નહિ મળે, તેવી શક્તિ માટે તો ખાવું પડશે. એટલે મહાન પુરૂષોએ બતાવેલા માર્ગે ચાલીને સાધના કરવી પડશે. મન ને અંતરને ચોખ્ખાં કરીને પરમાત્માનું શરણ લેવું પડશે ને પરમાત્માની આરાધના કરવી પડશે. છેવટે પરમાત્માનું દર્શન કરવું પડશે.

પરમાત્માની પાસે પહોંચો એટલે જીવનનો સાચો આનંદ મળી રહેશે, ને મરણ પણ મંગલમય થઈ જશે. જન્મમરણ પછી તેમને ડરાવી નહિ શકે. તે તો તમારે માટે રમત થઈ રહેશે. સંસારના રંગમંચ પર વારંવાર આવવાનું થશે તો પણ પછી તમને આનંદ જ આનંદ રહેશે.

પણ પરમાત્માની પાસે પહોંચવું કેવી રીતે ? પરમાત્માનું દર્શન થાય કેવી રીતે ? પરમાત્માને મેળવવાનો માર્ગ કયો ? આપણે જોઈએ છીએ કે જેને જે વસ્તુની લગની લાગે છે, તેને તે વસ્તુ મળી રહે છે. તે વસ્તુના વિચાર તેને રાતદિવસ આવ્યા કરે છે. તેને માટે તે કુરબાની કરે છે, મહેનત કરે છે, ને છેવટે તે વસ્તુ મેળવીને જ જંપે છે સંસારમાં વિજ્ઞાનની જે મોટી મોટી શોધો થઈ છે તે આ જ રીતે થઈ છે. શોધ કરનારા વૈજ્ઞાનિકો પોતાની પ્રયોગશાળામાં દિવસો સુધી પૂરાઈ રહ્યા હતા; પોતાના પ્રયાસમાં ગુલતાન થઈ ગયા હતા ને શોધ કર્યા પછી જ શાંતિનો શ્વાસ લઈને બહાર નીકળ્યા હતા. ધર્મ ને તત્વજ્ઞાનનાં રહસ્યોની શોધ કરનારા સંતો ને વિચારકો પણ દિલમાં લગન લઈને એકાંતમાં રહ્યા હતા, ને વરસો સુધી મુસીબતોની વચ્ચે પણ અડગ રહ્યા હતા. નવા નવા પ્રદેશો શોધવાની લગનવાળા માણસો કેટલા બધા પ્રદેશોને ખુંદી વળે છે ! ભૂખ ને તરસ, સુખ ને દુઃખ, તાપ ને છાયાની પરવા કર્યા વિના તે પોતાનો પ્રવાસ ચાલુ જ રાખે છે. પરમાત્માનું દર્શન કરવા માટે પણ એવી લગનીની જરૂર પડે છે. પરમાત્માની પાસે પહોંચવા માટે એવી ઉત્કટ ઈચ્છા ને તલ્લીનતાની જરૂર પડે છે. પોતાનું સર્વ કાંઈ કુરબાન કરી દેવું પડે છે. તલસવું ને પ્રાર્થવું પડે છે. એ લગની, તલસાટ, તલ્લીનતા ને ઉત્કટ ઈચ્છા તથા કુરબાનીને ભક્તિ કહેવામાં આવે છે, તેને પ્રેમ પણ કહે છે. જેના દિલમાં એ પ્રેમ જાગી જાય, એ ભક્તિનો જેના દિલમાં વાસ થઈ જાય, તેને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. પરમાત્માની પ્રાપ્તિનો સાચો ઉપાય એમાં જ સમાયેલો છે. એ ઉપાયની અજમાયશથી આજ સુધી અનેકને પરમાત્મા મળી ગયા છે ને અનેકનાં જીવન ઉજળાં થયાં છે. પરમાત્માને ત્યાં ભેદભાવ નથી. પક્ષાપક્ષી પણ જરાય નથી. જે ઈચ્છા કરશે, તે બધા જ તેમને પામી શકશે. જેના દિલમાં ભૂખ લાગશે, ને પ્રભુને માટે જે તરસ્યા ને તપેલા થઈ જશે, તેમને પ્રભુનું દર્શન જરૂર થઈ જશે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.