સર્વકાળમાં યોગી થવાની જરૂર

શું ભગવાનનો આ વિશે કશો જ ચોક્કસ અભિપ્રાય નથી ? આપણે કહીશું કે છે, જરૂર છે. ભગવાન પોતાનો ખાસ અભિપ્રાય આપતા કહે છે કે હે અર્જુન, આ બે જાતની ગતિની વિચારસરણીને જાણનાર યોગી કે મહાપુરૂષ કોઈ વાર મોહમાં પડતો નથી, તેને ભ્રમ થતો નથી. માટે હે અર્જુન, તું બધા જ કાળમાં યોગમુક્ત થઈ જા, યોગી થઈ જા. જોયું ? ભગવાનના કથનનો ભાવાર્થ એવો છે કે સાધક કે મહાપુરૂષે બે જાતની ગતિની વાત સાંભળીને મોહમાં પડવાનું નથી. અમુક જ સમયે શરીર છોડવા માટે તેણે આગ્રહ રાખવાનો નથી. તેણે તો યોગી થઈ જવાનું છે. ઈશ્વર સાથે યોગ કરવાનો છે. પછી ગમે તે વખતે શરીર પડે તો પણ તેને હરકત નહિ આવે.

સ્ટેશન પર બેઠેલા માણસો શું કરે છે ? એન્જિન દેખાતાં તે ઊભા થઈ જાય છે, ને સામાન સંભાળવા માંડે છે. પછી ગાડી આવતાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય છે. જીવનના પ્રવાસનું પણ એવું જ છે. શરીરનો છેલ્લો સમય ક્યારે આવશે તેની કોને ખબર છે ? જે જ્ઞાની ને યોગી છે તેણે તો પ્રત્યેક પળે તૈયાર રહેવાનું છે. સાધારણ માણસે પણ આભાસ છોડીને પરમાત્મા સાથે યોગ સાધી લેવાનો છે. પછી શરીર ભલે ને ગમે ત્યારે પડે ! રાતે જ નહિ પણ મધરાતે પડે તો પણ શું ? કૃષ્ણપક્ષ ને ઉત્તરાયણ કે દક્ષિણાયાનમાં પડે તો પણ શું ? પરમાત્મા સાથે એકતા સાધીને જે જીવતાં જ ઉત્તમ પદની પ્રાપ્તિ કરી ચૂક્યો છે તેને શરીર છોડ્યા પછી બીજા કયા પદની પ્રાપ્તિ કરવાની છે કે તેણે વળી શરીર છોડવા માટે મુહૂર્ત જોવું પડે ને અમુક જ કાળની રાહ જોવી પડે ?

એટલે સાચા સાધકે કાળની ચિંતા કરવાની જરૂર નથી. તેણે તો વહેલામાં વહેલી તકે ઈશ્વરનું દર્શન જ કરી લેવું. તેની બધી જ ચિંતા મટી જશે. મારી સમજ પ્રમાણે સંસારમાં બે જ જાતની ગતિ છે. ઈશ્વરને પામેલા માણસોની ગતિ ને બીજી ઈશ્વરને ના પામેલાની ગતિ. જે ઈશ્વરને મેળવી ચૂક્યા છે તે તો ખરેખર મુક્ત ને કૃતાર્થ થયા છે ને જે ઈશ્વરથી દૂર છે, વાસના ને વિકારના દાસ છે, તે જન્મમરણમાં ફરવાવાળા જ છે. તે ચાહશે તો પણ તેમાંથી તેમને મુક્તિ નહિ મળી શકે. ભલે ને તે દિવસે શુકલ પક્ષમાં કે ઉત્તરાયણમાં શરીર છોડે. તેથી તે પરમાત્માની પ્રાપ્તિ નહિ કરી શકે. માણસની યોગ્યતા પરથી જ તેની ગતિ નક્કી થઈ શકે છે.

ભગવાને અર્જુનને અને આપણને યોગી થવા આદેશ આપ્યો. પણ સંસારના અટપટા વાતાવરણમાં રહીને યોગી થવાનું કામ શું સહેલું છે ? સંતપુરૂષો કહે છે કે સહેલું જરાય નથી. પણ જો માણસ ધારે તો સાવધ રહીને તેને સહેલું કરી શકે છે. લાંબા વખતના એકધારા અભ્યાસથી ગમે તેવું કઠિન કામ પણ સહેલું બની શકે છે. જુઓને, નદીના પ્રખર વેગે વહી જતા પાણીમાં આ માણસો તરવા પડ્યા છે તે કેવા સહેલાઈથી તરી રહ્યા છે ? આપણને કહેવામાં આવે તો આપણે શું એટલી સહેલાઈથી તરી શકીશું ? આપણામાં જે તરવાની કળા જાણતા હશે તે તો તરી શકશે પણ બીજાને જરૂર મુશ્કેલી પડશે. નદીમાં તરનારા આ બધા માણસો પણ શું આજે ને આજે જ તરતાં શીખી ગયા છે ? આજ સુધી તેમને કેટલીય મહેનત કરવી પડી હશે, કેટલાય પ્રયોગ કરવા પડ્યા હશે, કેટલીકવાર નાસીપાસ પણ થવું પડ્યું હશે. ત્યારે આખરે તે તરવામાં પાવરધા થયા હશે. તે પ્રમાણે આપણે પણ શીખીએ ને પ્રયોગ કરીએ તો એક દિવસ સફળ તરનારા થઈ જઈએ. સંસારના વિરાટ સાગરને તરનારા યોગી થવા માટે પણ કેટલીક સતત તાલીમ લેવાની જરૂર પડે છે. સંસારના અટપટા વાતાવરણમાં રહીને જો તાલીમ લઈએ તો પ્રભુના પ્યારા યોગી જરૂર થઈ શકીએ.

આવી તાલીમમાં સત્સંગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સારા ગ્રંથો ને પુરૂષોનો સંગ જીવનને પલટાવી દેવામાં ને પ્રાણમય બનાવવામાં અજબ મદદ કરે છે. આપણે ત્યાં એક વાત જાણીતી છે. કહે છે કે જંગલમાં સાપ ને નોળિયાની લડાઈ થાય છે. લડતાં લડતાં નોળિયાને ઝેર ચઢે છે, ત્યારે તે જંગલમાં દોડી જાય છે, ને નોળવેલ સુંઘી લે છે. તેથી તેનું ઝેર ઉતરી જાય છે, ને સાપ સાથે લડવા તે ફરી પાછો તૈયાર થાય છે. વળી લડાઈ થાય છે ને ઝેર ચઢતાં વળી તે નોળવેલ સુંઘી લાવે છે. છેવટે સાપને મારી નાખીને તે ઝંપે છે. સંસારના અટપટા વાતાવરણમાં ને વ્યવહારમા પડેલા માણસોને માટે સત્સંગ નોળવેલની ગરજ સારે છે. સારા ગ્રંથ ને સંતના સમાગમથી તેમને ચઢેલું ઝેર ઓછું થઈ જાય છે ને તેમને સ્થિરતા ને શાંતિ તથા નવજીવનની પ્રાપ્તિ થાય છે. સારા સ્થળોનો સંગ પણ એવું જ ઉત્તમ પરિણામ લાવે છે. યોગી થવાની તાલીમ આપવામાં સત્સંગ બહુ મહત્વનો ભાગ ભજવે છે. તેથી તો આપણે ત્યાં સત્સંગનો મહિમા આટલા બધા પ્રબળ પ્રમાણમાં ગાવામાં આવ્યો છે. સત્સંગ તો સંજીવની બુટી છે. જડ જેવો માણસ પણ તેથી ચેતન મેળવે છે, ને શક્તિશાળી બને છે. સદ્ ગુણી માણસોને માટે તો તે પરમ હિતકારક સાબિત થાય છે. પણ જે દુર્ગુણવાળા, કુકર્મી ને પાપી છે. તેમને માટે પણ તે રસાયન થઈ જાય છે. તેમને પણ તે નવો અવતાર આપે છે.

મહાપુરૂષોનો પ્રભાવ અજબ હોય છે. માણસના હૃદયને પલટાવી નાંખવામાં તે સફળ થાય છે. આપણે પણ મહાપુરૂષોનો સંગ કરવાની જરૂર છે. તેમના સમાગમમાં આનંદ લેતા થવાની જરૂર છે. તો આપણું જીવન પણ પલટાઈ જાય. તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાથી આપણને પણ લાભ થાય અને આપણો નવો અવતાર થાય. તેમની કૃપાથી આપણે પ્રભુના પ્યારા યોગી બનીને સંસારના સાગરને સહેલાઈથી તરી શકીએ.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.