કર્મ કરતાં નિર્લેપ રહેવાની જરૂર

ભગવાન કહે છે કે આ સંપૂર્ણ જગત મારાથી વ્યાપ્ત છે. જગતમાં બધે જ હું રહેલો છું. જે જ્ઞાની છે તે ભગવાનના આ શબ્દોનો અનુભવ કરે છે. જગતમાં તે બધે જ ભગવાનનું દર્શન કરે છે. તે જાણે છે કે જડ ને ચેતન બધે એક ભગવાન રહેલા છે. ભગવાન જગતની રચના કરે છે, છતાં સંસારનું કર્મ તેમને બાંધી શકતું નથી. કેમ કે તેમની અંદર કોઈ જાતનો અહંભાવ હોતો નથી. સંસારનું કર્મ તે સહજ ભાવે કરે છે. વળી મમતાથી રહિત થઈને કરે છે. જ્ઞાની પુરૂષે પણ એ રીતે સહજ ભાવે ને મમતાથી રહિત થઈને કર્મ કરવાનું છે. તો તે સંસારમાં લેપાઈ ના શકે. સાધારણ માણસો કર્મ કરે છે, પણ કર્મની અસરથી રંગાયા વિના રહી શકતા નથી. સારા કે નરસા કર્મની અસર તેમના પર જરૂર થાય છે. કર્મ પ્રમાણે તેમના મનનો રંગ બદલાયા કરે છે. આ વસ્તુ ઠીક નથી. ખૂબ સાવધ રહીને માણસે તેનો અંત લાવવો જોઈએ. કર્મ કરો પણ કર્મની સારી કે નરસી અસરથી દૂર રહો.

પહેલાના વખતમાં યુદ્ધો કેવાં થતાં તે ખબર છે ? યુદ્ધ વસ્તુ ખૂબ ભયંકર છે. તેનો આશ્રય લેનાર માણસ  ભલે થોડા વખત માટે, પણ ભયંકર બની જાય છે. છતાં પહેલાંના વખતમાં સાંજના વખતે જ્યારે લડાઈ બંધ પડતી, ત્યારે યોદ્ધાઓ પરસ્પર ભેગા મળતા, ને વિરાધી પક્ષોની છાવણીમાં જઈને ઘવાયેલાની સારવાર કરતા. કેટલી ઉદારતા ! માણસે એવી ઉદારતા કેળવવાની જરૂર છે. અત્યારે તો કોઈ સાધારણ વાતમાં મતભેદ પડે કે બોલચાલ થાય તો માણસો ગુસ્સે થઈ જાય છે, ને અબોલા લઈ લે છે. મતભેદ પડવાના કે બોલચાલ થવાના સાધારણ કામની કેટલી બધી ભારે અસર થાય છે ! આ વસ્તુ બરાબર નથી. માણસે સાગર જેવા ગંભીર ને ગહન બનવું જોઈએ. જેમ સાગરની અંદર મીઠા, ખારાં ને ખાટાં સર્વ પ્રકારનાં પાણી સમાઈ જાય છે, તેમ મીઠાં ને કડવા બધા અનુભવોને તેણે પોતાની અંદર સમાવી લેવા જોઈએ. તેનાથી તેની માનસિક શાંતિનો ભંગ થવો ના જોઈએ. જુદાં જુદાં કર્મોની અસર નીચે આવ્યા છતાં તેણે ભાન ભૂલવું ના જોઈએ. વિવેકને કાયમને માટે તાજો રાખીને તેણે બધાં કર્મ કરવા જોઈએ.

એવી રીતે કર્મ કરવાની જરૂર છે. શું તમે એવી રીતે કર્મ કરો છો ? શું કર્મનું પરીણામ ધાર્યા પ્રમાણે ને સારું આવે તો તમે અહંકારમાં આવી જાવ છો કે ફુલાઈને ભાન ભૂલી જાવ છો ? કર્મ કરો. પણ તેમાં જો ઈચ્છા પ્રમાણે સફળતા ના મળે તો શું તમને દુઃખ થાય છે ? ને એટલી હદ સુધી દુઃખ થાય છે કે છેવટે કર્મ કરવાનો વિચાર જ છોડી દો ? શું બધામાં એક પ્રભુ રહેલા છે એ વાત યાદ રાખીને તમે કર્મ કરો છો ? શું તમારી આંખમાં રાગ અને દ્વેષ ભરેલા છે ? કોઈને શત્રુ ને કોઈને મિત્ર તથા કોઈને પોતાના ને પરાયા માનીને તમે વ્યવહાર કરો છો ? આ બધા પ્રશ્નોના ઉત્તર જો હા માં આવતા હોય, તો નક્કી સમજજો કે તમારી કર્મ કરવાની પદ્ધતિમાં મોટો દોષ રહેલો છે, ને તે દૂર થયા વિના તમને કર્મનો આનંદ નહિ મળી શકે. કમલ જેમ કાદવમાં રહ્યા છતાં પણ નિર્મલ રહે છે, ને તલવારને ઢાલમાં રાખ્યા છતાં પણ તે ઢાલથી તદ્દન અલિપ્ત રહે છે, તેમ વ્યવહારમાં રહીને નિર્મલ ને અલિપ્ત રહેવા માટે કર્મની કળાને જાણી લેવાની જરૂર છે. કર્મની કળાને જાણી લો પછી કર્મ કરો તો જરા પણ હરકત ના આવે. કર્મ કર્યા વિના સંસારમાં કોઈને પણ ચાલતું નથી. કર્મ તો કરવાનું જ છે તો પછી ઉત્તમ કામો કેમ ના કરવા કે જે આપણો ઉદ્ધાર કરે ? આપણામાંના બધા જ પોતાનો ઉદ્ધાર ઈચ્છે છે. કોઈ પોતાના પતનની ઈચ્છા કરતું નથી. ભગવાને કર્મ વિષે જે ગુહ્યજ્ઞાન આપ્યું છે, તે જાણવાની જરૂર એટલા માટે જ છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.