સ્વભાવનો સુધાર

કેટલાક માણસો એવા હોય છે કે સાકાર રૂપમાં કોઈ કામના પૂરી કરવા માટે ઈશ્વરની ઉપાસના કરે છે. તે સંકુચિત હૃદયના ને કટ્ટર હોય છે, એટલે ઈશ્વરના  જે રૂપને માને છે તેને જ સૌથી શ્રેષ્ઠ ગણે છે. આટલાથી અટકતા હોત તો તો સારું, પણ વધારામાં ઈશ્વરનું દર્શન કરતા નથી. આવા માણસોને જ્ઞાની કે વિવેકી ના કહી શકાય, પોતાને ગમે તે ઈશ્વરના રૂપને માનવાની ને ભજવાની સૌને છૂટ છે પણ બીજાના રૂપને સાધારણ કે હલકું સમજવાની છૂટ કોઈને પણ ના હોઈ શકે. ધારો કે કોઈ રામને માને છે અથવા તો ઈશ્વરનું રામરૂપ તેને વધારે ગમે છે, તો તે રામને ભલે માને ને ભજે. પણ કૃષ્ણ, શંકર, માતા, ક્રાઈસ્ટ, મહમ્મદ કે બુદ્ધને તેણે સાધારણ કે હલકા માનવા ના જોઈએ. તેણે તો તેમને પણ પ્રિય સમજવા જોઈએ, તેમના ભક્તોને પણ તેણે માનની નજરે જોવા જોઈએ. તેને બદલે જો તે તેમની ટીકા, ઉપેક્ષા કે નિંદા કરવા માંડે, તો તે અવિવેકી છે એમ જ સમજી લેવું. ઈશ્વર કોઈ એક જ ધર્મ કે સંપ્રદાયે ખરીદી લીધો છે, ને કોઈ એક જ સ્વરૂપના માળખામાં સમાયલો છે, એમ માનવાની જરૂર નથી. તેના પર તો બધા જ ધર્મોનો સરખો અધિકાર છે. તેના રૂપ પણ અનંત છે. માટે એ બાબતમાં ખૂબ જ ઉદાર થવાની જરૂર છે. બુદ્ધ, ઈશુ, મહમ્મદ, રામ, કૃષ્ણ, શક્તિ ને શંકર બધાં એક જ ઈશ્વરનાં જુદા જુદા રૂપ છે ને ઈશ્વરનાં બીજા હજારો રૂપ થઈ શકે છે. એ સૌને વંદન કરવા આપણે તૈયાર રહેવું જોઈએ. એ બાબત કોઈ જાતની કટ્ટરતા સેવવાની જરૂર નથી. જે વિવેકી છે, તે પોતાને પસંદ ઈશ્વરી સ્વરૂપની ઉપાસના તો કરે જ છે; પણ બીજાં સ્વરૂપોમાં પણ ઈશ્વરનું દર્શન કરે છે. સૌને સરખા માનપાત્ર સમજે છે.

બીજી વાત એ છે કે પોતાના ઉપાસ્ય ઈશ્વરી સ્વરૂપનું તે બધે જ દર્શન કરે છે. રામને ભજનાર ભક્ત જડ ને ચેતનમાં બધે જ શ્રી રામનો મહિમા અનુભવે છે ને કૃષ્ણનો ભક્ત ચરાચરમાં શ્રી કૃષ્ણનું દર્શન કરે છે. એ રીતે સૌનું સમજી લેવાનું છે. માણસ ગમે તે રૂપની ઉપાસના કરે પણ જેની ઉપાસના કરે તેની ઝાંખી તેણે જગતના નાના મોટા બધા જ પદાર્થોમાં કરવી જોઈએ. એ વસ્તુ મહત્વની છે.

કોઈ કોઈ ભક્તો ભગવાનનું કીર્તન કરે છે, ધ્યાન ધરે છે, ને ભગવાનના સ્મરણ મનનમાં મસ્ત રહે છે. પણ પારકાંની પીડા તેમને સ્પર્શી શકતી નથી. બીજાનું દુઃખ જોઈને તેમનું દિલ દ્રવી ઊઠતું નથી, તેમને માટે શું સમજવું ? એ જ કે તેમની ભક્તિ એકાંગી છે. ભગવાન પ્રત્યેની તેમની ભાવના અધૂરી છે. તેમની દૃષ્ટિમાં દોષ છે, તેથી તે બીજાની અંદર રહેલા ઈશ્વરને જોઈ શકતા નથી. ઈશ્વર સૌની અંદર વાસ કરે છે. એ સત્યને જે સમજે છે તે તો સૌમાં રહેલાં ઈશ્વરને અનુભવે છે. તે પારકાની પીડા જોઈને દ્રવી ના ઊઠે તે બને જ કેમ ? પારકાની પીડા જોઈને તે કઠોર કેવી રીતે રહી શકે ? એવા મહાન ભક્તને માટે નરસૈંયાએ કહ્યું છે કે ‘તે પીડ પરાઈ જાણે રે’, ખરી વાત છે. સખત તાપને લીધે પથ્થર પણ તપી જાય છે, ને કઠણ લોખંડ પણ જો તપાવવામાં આવે તો કોમળ થઈ જાય છે, તો પછી જેનામાં માનવતા છે તે તો બીજાનું દુઃખ જોઈને દ્રવી જાય, એમાં આશ્ચર્ય શું છે ? ભક્તિ કે કોઈયે જાતની ઉત્તમ સાધના માણસને માણસાઈથી છૂટાછેડા લેવાનું કદી પણ શીખવતી નથી. તે તો તેને વધારે મહાન બનાવે છે ને માણસાઈની મૂર્તિ કરે છે. જે વ્યક્તિ ભક્ત, જ્ઞાની કે સાધક હોવાનો દાવો કરે, તે બીજા પ્રત્યે નિષ્ઠુર કેવી રીતે હોઈ શકે ? આપણે જેવા ઉત્તમ વ્યવહારની આશા આપણે માટે રાખીએ છીએ, તેવી આશા બીજા પણ રાખે છે એમ સમજીને બીજા પ્રત્યે આપણે ઉત્તમ વ્યવહાર કરતાં શીખવું જોઈએ. દંભ, કપટ, દ્વેષ ને કઠોરતાનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે તે વિના ગમે તેવા ભક્ત, જ્ઞાની કે સાધકની શોભા નથી.

થોડાં વરસો પહેલાં અમે ઈડર પ્રદેશના એક ગામમાં ગયા હતા. ત્યાં એક ભક્તરાજ આવતા હતા. તે વખતે તે ભક્તરાજ ત્યાં હાજર હતા. તેમના તરફથી રાતે રોજ કીર્તન ભજન થતાં. કીર્તનનો સમય પણ રાતનો. રાતે દસેક વાગે નિરાંતે બધાં ભેગાં થાય ને ભજન ગવાતા જાય. કેટલીક વાર તો ભજન ઠેઠ મળસ્કા સુધી ચાલે. પણ જરા નવાઈની વાત એ જોઈ કે એક પણ પુરૂષ તે ભજનમાં સામેલ થતો નહિ. સ્ત્રીઓની તો ઠઠ જામતી, સ્ત્રીઓ પણ કેવી ? કેટલીક તો ભજનમંડળીમાં સરદાર જેવી ગણાતી. તે સ્ત્રીઓ કેટલીકવાર ભજન ગવડાવે, ને વધારે મસ્તીમાં આવી જતાં નાચવા ને કૂદવા પણ માંડે. કેટલીકવાર કોઈ કોઈ સ્ત્રી સાચી કે ખોટી બેહોશ પણ બની જાય. તેવી સ્ત્રીઓનો દરજ્જો જરા વધારે ઊંચો ગણાતો. બધી સ્ત્રીઓ વધારે ભાગે વિધવા જ હતી. એ બાજુ વિધવા સ્ત્રીઓ વધારે હોય છે.

એક વાર અમારે બાજુના ગામમાં જવાનું થયું. અમારી સાથે બીજા પણ ભાઈ હતા. તેમની કોઈ કુટુંબી બેન એમને પોતાને ઘેર લઈ ગઈ. ઘરમાં તે બેનનાં સાસુમા બેઠાં હતાં. તેમણે અમને જોઈને મોં મચકોડ્યું. અમને બોલાવ્યા પણ નહિ. બેન હિંમતવાળી હતી. હિંમત કરીને તેણે અમને દૂધ વગેરે પાયું ને અમારી સાથે કેટલીક વાતો કરી. થોડીવાર વાતો કરીને છેવટે અમે ઊભા થયા. છતાં બેનનાં સાસુમા તો ખાસ કાંઈ જ બોલ્યાં નહિ ! તેમના કંઠમાં માળા લટકતી હતી. કપાળે જરા ભસ્મ હતી. તેથી અમને તેમના વિશે કાંઈક માહિતી મેળવવાનું મન થયું. બેને માહિતી આપતાં કહ્યું કે પેલા ભક્તરાજનાં તે અનન્ય શિષ્યા હતાં. ભક્તરાજની મંડળીના તે સરદાર હતાં, ને ભજનો ગાવા–ગવડાવવામાં ખૂબ કુશળતા ધરાવતાં હતાં. ભજનો ગાતાં તે નાચવા માંડતાં ત્યારે કોઈવાર તેમને સમાધિ પણ થઈ જતી. ભક્ત સ્ત્રીઓના મંડળમાં તે કેટલીક સ્ત્રીઓનાં ગુરૂ પણ થઈ પડ્યાં હતાં. છતાં અમારા જેવા સાધારણ અતિથિ તરફ તેમણે જે વર્તાવ કરી બતાવ્યો તે શું તેમના ગૌરવને અનુરૂપ હતો ? કદાપિ નહિ. જેટલો વખત અમે તેમના ઘરમાં રહ્યા તેટલો વખત તેમનું મોઢું ગંભીર અને કઠોર જ રહ્યું-જાણે દીવેલ પીધું હોય તેમ. તેના પર આનંદ કે ઉત્સાહની છાયા પણ ન હતી. મીઠાશનો છાંટો પણ તેમની આંખમાં નહોતો દેખાતો.

વધારે ઊંડા ઉતરતાં જણાયું કે તે પોતાના દીકરાની વહુ પ્રત્યે ખૂબ કઠોર હતાં. તેને પૂરું ને સારું ખાવાનું પણ ના આપતાં. તેની સાથે વાત ના કરતાં ને તેને ત્રાસ આપતાં. કારણ ગમે તે હશે પણ આ જાતનો વર્તાવ ને સ્વભાવ તેમને માટે જરા પણ સારો ના ગણાય. કોઈનેય માટે સારો ના ગણાય. ગળામાં માળા લટકાવીને ભજન ગાવાથી જ કોઈ ભગત થઈ જતું નથી. કપાળે ભસ્મ લગાડવાથી કે મરજાદી થવાથી પણ ભગત, જ્ઞાની કે સાધકમાં ખપાતું નથી. કીર્તન કરતાં કરતાં નાચવાથી ને સાચા કે ખોટા બેહોશ થઈને પડી જવાથી કે વેશપલટો કરવાથી પણ ભગવાનના પ્યારા થઈ શકાતું નથી. જ્યાં સુધી માણસનું હૃદય પલળે નહિ, તેનો સ્વભાવ સુધરે નહિ, ને તે વધારે ને વધારે સદ્ ગુણી બને નહિ, ત્યાં સુધી તે સાધક જ્ઞાની, ભક્ત કે સજ્જન થઈ શકે નહિ. માણસની મુખ્ય મિલકત માણસાઈ છે. તે જળવાય ને વધે તો જ તે મહાન ગણાય. તેની ઉપેક્ષા કોઈયે કારણસર ને કોઈયે સંજોગોમાં બરાબર નથી. ભક્તિ કે સાધના કોઈ નશો નથી. તે તો એક ઔષધિ છે, જે તેનું સેવન કરે છે તેનું સમસ્ત જીવન પલટાઈ જાય, ને તેનો સ્વભાવ શુદ્ધ બને છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.