મહાપુરુષો સદા ભગવાનને ભજે છે

આ જીવન ટૂંકું છે. જ્ઞાનીઓ તેને પાણીના પરપોટા જેવું કહે છે. પરપોટો પાણીમાં જન્મે છે ને ફુટી જાય છે. જીવનનું પણ તેવું જ સમજવાનું છે. પરપોટાની પેઠે તે આજે છે ને કાલે ફુટી જશે, અરે, કાલે શું કામ ? એક ઘડી પછી આ જીવનનું શું થશે તેની કોને ખબર છે ? તાપ ને છાયાની જેમ જીવનના રંગો બદલાયા જ કરે છે. જે કાલે હતો તે આજે નથી, ને આજે છે તે કાલે નહિ હોય. આવા જીવનનો વિશ્વાસ શો ? જે મહાપુરૂષો છે તે તો આ જીવનમાં વહેલામાં વહેલી તકે પરમાત્માની કૃપા મેળવવાનો નિરધાર કરે છે સાધારણ માણસો પરમાત્માની પ્રાપ્તિ કરવાના કામને મુલતવી રાખે છે ને બીજા સાંસારિક કામ પહેલાં કરે છે. પણ મહાપુરૂષોની વાત જુદી છે. પોતાની પૂર્ણતાના જરૂરી કામને મુલતવી રાખવાનું તેમને પસંદ નથી. તે કહે છે કે માણસો ખાવાનું, પીવાનું ને સુવાનું તથા લગ્નાદિ કરવાનું મુલતવી નથી રાખતા તો પછી પરમાત્માની પ્રાપ્તિના કામને કેવી રીતે મુલતવી રખાય ? પોતાની જાતના ઉદ્ધારના કિંમતી કામમાં આળસુ બનીને બેસી કેમ રહેવાય ? તે કામ તો વહેલામાં વહેલી તકે કરી લેવું જોઈએ. તેમાં આળસ કરવી એટલે પોતાને માટે મૃત્યુ નોતરવું; અથવા પતનની ખાઈ ખોદવી. માટે તેવા મહાપુરૂષો એકેક ક્ષણનો હિસાબ રાખે છે, ને પોતાના ઉદ્ધારના કામમાં લાગી જાય છે. આ જીવન પૂરું થાય તે પહેલાં જ પરમાત્માને મેળવી લેવાનો તે પ્રયાસ કરે છે. જીવન અનંત છે. આકાશમાં ટમટમતા તારાઓ જેમ ગણ્યા ગણાય નહિ તેટલા હોય છે, તેમ જીવનનો હિસાબ પણ કોઈથી કરી શકાય તેમ નથી, છતાં પણ પોતાના વિકાસની વાતને બીજા જીવન પર મુલતવી રાખવાનું ઠીક નથી. એમ સમજીને મહાપુરૂષો આ જ જીવનમાં ને વહેલામાં વહેલી તકે પૂર્ણતા મેળવવા તલપાપડ થઈ જાય છે.

ઈશ્વરને માટે જેના દિલમાં લગની લાગે છે, તેમની વાત એવી જ છે. તે તો વાત મુલતવી રાખીને એક ઈશ્વરના જ દર્શન માટે અધીરા બને છે. પોતાના દિલમાં ઈશ્વરની મંગલ મૂર્તિની પધરામણી કરીને ઈશ્વરના કૃપાપાત્ર થવા માટે તે સદા તૈયાર રહે છે. ઈશ્વર વિના બીજા કોઈનોયે રાગ તેમના હૃદયમાં રહેતો નથી. ઈશ્વરના પ્રેમસંગીતથી તેમનું રોમેરોમ રસાળ બની જાય છે. ભાવવિભોર હૃદયથી તે ઈશ્વરને ભજે છે; ઈશ્વરની આરાધનામાં મસ્ત બને છે; ને ઈશ્વરની યાદમાં ચકચુર થઈ જાય છે. ઈશ્વરનું સ્મરણ તેમને માટે પરમસુખ ને શાંતિનું સ્થાન થઈ જાય છે. ઈશ્વર વિના તેમને કાંઈ રુચતું નથી, ને તેમનું મન કશામાં લાગતું નથી. ઈશ્વરને મેળવવા માટે તે જુદી જુદી જાતનાં તપ ને વ્રત કરે છે, ને સાધના તથા પ્રાર્થનામાં સમય પસાર કરે છે. સંસારના સઘળા પદાર્થોમાં ઈશ્વર રહેલો છે. એમ માનીને સૌમાં રહેલાં ઈશ્વરને વંદન કરે છે.

આપણે ત્યાં નમસ્કાર કરવાનો રિવાજ છે તે શું બતાવે છે ? આપણે કોઈને નમસ્કાર કરીએ છીએ એટલે કાંઈ તેના સ્થૂળ શરીરને નમતા નથી; પંચમહાભૂતના પુતળાને હાથ જોડવાનો આપણો આશય નથી હોતો. આપણે તો તેની અંદર રહેલા ઈશ્વરને નમીએ છીએ. સામેનો માણસ આપણને હાથ જોડે છે કે નમે છે એટલે તે પણ આપણી અંદરના ઈશ્વરને નમે છે. આ મહાન ભાવનાને સમજી લઈએ તો આપણે સૌને પ્રેમ કરતાં શીખી જઈએ; સૌના પ્રત્યે મીઠું વર્તન કરીએ, ને કોઈની હિંસા ના કરીએ, કોઈનું બુરૂં ના કરીએ કે તાકીએ, કે કોઈને દગો ના દઈએ. નમસ્કાર કરવાની ટેવ રોજીંદી થઈ પડી છે પણ તેની પાછળની ભાવના મરી પરવારી છે. માટે તો માણસો જેને નમસ્કાર કરે છે તેને જ પાછળથી ગાળો દે છે; તેની નિંદા કરે છે ને તેનું બુરૂં તાકે છે. એટલે નમસ્કાર કરવાની ઉત્તમ ક્રિયાની પાછળની ભાવનાને જીવતી કરવાની ને અમલી બનાવવાની જરૂર છે. મહાપુરૂષો ને ઈશ્વરના પ્યારા ભક્તોના હૃદયમાં એ ભાવના સદાય જીવતી હોય છે. તેમના નાનામોટા દરેક કર્મમાં તે ભાવના ટપકતી  હોય છે. સારી સૃષ્ટિને તે વંદન કરે છે ને સારી સૃષ્ટિનું મંગલ ઈચ્છે છે.

આ તો ભક્તોની વાત થઈ. પણ જે જ્ઞાની છે તે પણ બધે પ્રભુનું દર્શન કરે છે ને સૌનું મંગલ ચાહે છે. પરમાત્માનો અનુભવ કરીને કૃતાર્થ થવા માટે તે પણ સદા તલસ્યા કરે છે. ટમકતા તારામાં ને ચમકતી ચપલામાં, સાગરનાં મોજાં ને નદીના નીરમાં, ફૂલની ફોરમમાં ને આકાશની અનંતતામાં, બધે તેને એક ઈશ્વરનો અનુભવ થાય છે. સારા કે નરસા બધા પદાર્થો તેને મન પ્રભુની પ્રતિમા જેવા બની જાય છે. સાધારણ માણસને સંસાર વિના બીજું કશું દેખાતું નથી, પણ જ્ઞાનીની વાત જુદી છે. જ્ઞાનીને પૂછો તો તે તરત બોલી ઉઠશે કે મને ઈશ્વર વિના કાંઈ જ દેખાતું નથી. ઈશ્વર નથી એમ કહો છો ? ઈશ્વર વિના બીજું શું છે એ જ કહેશો ? તમારી દૃષ્ટિમાં દોષ છે તે દૂર કરો. એટલે તમને પણ મારા જેવો જ અનુભવ થશે, ને મારા કથનની ખાત્રી થશે. એવા ભક્ત ને જ્ઞાનીની મહાન દશાએ આપણે પહોંચી જઈએ તો કેટલો આનંદ થશે ? એ વિના જીવનમાં સાચો આનંદ ખરેખર નથી જ. પ્રભુની કૃપાથી આપણને એ દશા વહેલામાં વહેલી તકે મળે; કહો કે સૌને મળે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.