ભગવાન ભક્તોનો યોગક્ષેમ ચલાવે છે

ગીતામાં ભગવાને કેટલીક બાંહેધરીઓ આપી છે અથવા કહો કે કેટલીક પ્રતિજ્ઞા કરી છે, એમાંની બે પ્રતિજ્ઞા ધ્યાન ખેંચનારી છે. ભગવાન કહે છે કે મારા ભક્તોનો કદી નાશ થતો નથી, મારા ભક્તોનું કદી અમંગલ થતું નથી. એ પ્રતિજ્ઞાનો વિચાર આપણે આગળ પણ કરી ગયા છીએ. આ અધ્યાયમાં બીજી મહાન પ્રતિજ્ઞા આવે છે. ભગવાન કહે છે કે જે લોકો મારૂં અનન્યભાવે સ્મરણ મનન કરે છે ને મારી ભક્તિ કરે છે, તેમના યોગ ને ક્ષેમની જવાબદારી હું ઉપાડી લઉં છું. યોગ એટલે જીવનની જરૂરતોની પ્રાપ્તિ ને ક્ષેમ એટલે ભક્તોની સંભાળ ને ઉન્નતિ. કેટલી સરસ પ્રતિજ્ઞા છે ? ભગવાનના પ્રેમમાં મસ્ત બનનારની બધી જ ચિંતા ભગવાન પોતે ઉપાડી લે છે. તેની ઉન્નતિ પણ તે જ કરે છે. પોતાનો ભક્ત જો કોઈ કારણથી સંસારના મોહમાં ફસાઈ જાય કે પ્રલોભનમાં પડી જાય, તો ભગવાન તેને તેમાંથી બહાર કાઢે છે. તેની રક્ષા કરવા માટે ભગવાન સદા તૈયાર રહે છે. તેના માર્ગને સાફ કરે છે, ને છેવટે પોતાનું દર્શન આપીને તેને ન્યાલ કરે છે. પોતાનો ભક્ત જો કોઈ કારણથી ગફલતમાં પડી જાય, ને સાચો રસ્તો ભૂલી જાય, તો ભગવાન તેને મદદ કરે છે, તેની વહારે આવે છે, ને તેને સાચો રસ્તો બતાવે છે.

પ્રભુની કૃપાથી સાધારણ માણસો પણ આ પ્રમાણે પોતાની જાતના કલ્યાણમાં પ્રભુની મદદ મેળવી શકે છે. તો પછી જે ભક્તો છે તેમને માટે તો કહેવું જ શું ? પ્રભુને દિવસરાત યાદ કરનારા ને પ્રભુને પોતાના જીવનનો ધ્રુવતારો બનાવી બેઠેલા માણસોની સંભાળ પ્રભુ ડગલે ને પગલે રાખે એમાં શી નવાઈ છે ? પોતાના ભક્તોને યોગ્ય ગુરૂ કે મહાપુરૂષોનો મેળાપ કરાવી દેવો એ પણ પ્રભુનું કામ છે. તેમને સાધનાના જુદા જુદા અનુભવો કરાવીને શાંતિ આપવાનું કામ પણ તે જ કરે છે. જે પ્રભુનું નિરંતર સ્મરણ કરે, ને પ્રભુની કૃપા મેળવવા મહેનત કરે છે, તેમની સમજમાં આ વાત સહેલાઈથી આવી શકશે.

જે ભક્તો હૃદયમાં રાગ ભરીને ભગવાનને ભજે છે, તેમને બીજી કયી વસ્તુની ઈચ્છા હોય ? મહાપુરૂષોના દર્શનના ને તેમની સાથે વાતચીત કરવાના જે અનુભવો તેમને થાય છે, તેથી તેમને આનંદ જરૂર થાય છે. પણ તેમનો સાચો આનંદ તો ભગવાનના દર્શનમાં રહેલો છે. કોઈ બાળકને ગમે તેટલા સારા વાતાવરણમાં મૂકો, ને તેને ખાવાપીવાના તથા રમવાના બધા જ સુંદર પદાર્થો પૂરા પાડો તેથી તેને આનંદ જરૂર થશે, પણ તે આનંદમાં તે પોતાની 'મા'ને ભૂલી જશે કે ? કદાચ થોડા વખત માટે ભૂલી જાય, પણ પછી તો તે 'મા'ને માટે રડવા માંડશે, ને 'મા'ને મળવા તલપાપડ બની જશે. કેમ કે 'મા'નો પ્રેમ તેના જીવન સાથે જડાયેલો છે. તે કદી દૂર થઈ શકે તેમ નથી. તમે હજારો ઉપાય કરો, પણ તેના દિલમાંથી 'મા'ના આસનને દૂર કરવામાં સફળ નહિ થઈ શકો. 'મા'ની પાસે તેને જે હૂંફ ને સુખ મળે છે, તે જુદી જ છે. તેની સરખામણી સંસારના કોઈયે સુખની સાથે થઈ શકે તેમ નથી.

ભક્તોની વાત તેવી જ છે. સાધનાના બીજા અનુભવો તેમને આનંદ જરૂર આપે છે પણ તેથી તેમને પૂરો આનંદ મળતો નથી. તેમનો પૂરો આનંદ તો ભગવાનના દર્શનમાં જ રહેલો છે. તે આનંદને અનુભવવા માટે તે તલપાપડ થઈ જાય છે. તેમનું હૃદય ભગવાનના દર્શનને માટે રડી ઊઠે છે, તેમની ભાવના ને ભક્તિ જોઈને ભગવાન તેમને સમય પાકતાં દર્શન આપે છે. તે દ્વારા આપણને ભગવાનની મહાન દયા, કરુણા ને ભક્તવત્સલતાનો પરિચય થાય છે. જે મારૂં અનન્ય ભાવે સ્મરણ કરે છે, તેમને હું મારો મેળાપ કરાવી આપું છું, ને તેમનું સર્વ પ્રકારે કલ્યાણ કરું છું, એ ભગવાનનું વચન ખરેખર સાચું છે. તેનો અનુભવ કરવાની છૂટ સૌ કોઈને છે. યોગ એટલે ભગવાનનો મેળાપ એવો અર્થ કરવાથી આ પ્રમાણે સમજી શકાય છે.

હિમાલયમાં ઉત્તરકાશી નામે સ્થાન છે. કેટલાંક વર્ષો પહેલાં ત્યાં એક મહાત્મા રહેતા હતા. તેમણે ત્યાગ કર્યા પછી ભારે પરિશ્રમ કર્યો હતો. સખત તપ, વ્રત ને અનુષ્ઠાન કર્યા હતાં પણ તે છતાં તેમને શાંતિ મળી ન હતી. છેવટે તેમને કંટાળો આવ્યો. શાંતિ વિનાનું જીવન તેમને સાલવા લાગ્યું. તેમણે વિચાર કર્યો કે શાંતિ ન મળે ત્યાં સુધી ચેન નહિ વળે. હવે તો આ શરીરને ફગાવી દેવું જોઈએ. કાં તો શરીર પડી જાય, કાં તો શાંતિ મળે. બાકી અશાંતિની આ દશામાં જીવવાનું જરા પણ ઠીક નથી.

ઉત્તરકાશીથી તે ગંગોત્રી ગયા, ને ગંગોત્રીથી લગભગ બે માઈલ દૂર એક ગુફામાં તેમણે આસન જમાવી દીધું. શાંતિ મળે કે પછી શરીર પડે પણ અન્નજલ ન લેવાં એવો નિર્ણય કરીને તે પ્રભુનું સ્મરણ કરતાં સમય પસાર કરવા માંડ્યા. સમય કોની રાહ જુએ છે ? તે તો ઝડપથી ચાલ્યો જ જાય છે. તમે તેને પસાર કરો કે તે તમને પસાર કરે. બાકી તે રાહ જોઈને રોકાઈ રહેવાનો તો નહિ જ. મહાત્માજીનો સમય પણ પસાર થવા માંડ્યો. ત્રણ દિવસ થઈ ગયા પણ શાંતિ ના મળી. મહાત્માજીની ચિંતા વધતી જતી હતી. શરીર છોડી જ દેવું હોય તો ક્યાં વાર લાગે એમ છે ? ગંગામાતામાં પડવાથી શરીર શાંત થઈ શકે એમ છે, પણ મહાત્માજીના મનમાં આશા હતી. ભગવાનની દયા પર તેમને વિશ્વાસ હતો. ભગવાન ને સંતોના શબ્દોમાં શ્રદ્ધા હતી-પોતાના ભક્તની રક્ષા કરવી ને બધી કામના પૂરી કરવી એ તો તેમનું વ્રત છે-એ વ્રતમાં તેમને શ્રદ્ધા હતી.

ને આખરે એ શ્રદ્ધા સાચી ઠરી. ચોથે દિવસે સવારે ગુફામાં પ્રકાશ થઈ રહ્યો. મહાત્માજીએ જરાક અચરજ ને આનંદ સાથે જોયું તો પોતાની સામે ભગવાન દત્તાત્રેય ઊભા હતા. તેમણે ભોજપત્રની કૌપીન પહેરી હતી. શરીર ખૂબ તેજોમય હતું. કેટલું સુંદર ને મંગલ દર્શન ! પણ તેથીયે વધારે મંગલ વાણીમાં તે બોલ્યા : બેટા, આ એકાંત જંગલની ગુફામાં આમ અન્નજલ છોડીને કેમ બેઠો છે ?

મહાત્માજીએ ઉત્તર આપ્યો કે ‘મારે શાંતિ જોઈએ છે.’

શાંતિ ? દૈવી પુરૂષે કહ્યું, તું શાંતિસ્વરૂપ જ છે. આ સ્થાનમાંથી તું જલદી નીચે ચાલ્યો જા, ને ઉત્તરકાશીમાં વાસ કર. તને શાંતિ જરૂર મળી જશે. ને એટલું કહીને તે અંતર્ધ્યાન થઈ ગયા.

મહાત્માજીની સાધના ફળી. તેમના આનંદની અવધિ ના રહી. ભગવાન દત્તાત્રેયની આજ્ઞા પ્રમાણે તે ઉત્તરકાશી આવ્યા. ત્યાં થોડા જ વખતમાં તેમને નિર્વિકલ્પ સમાધિ થઈ ને શાંતિ મળી. પરમશાંતિની મૂર્તિ બનીને તેમણે બાકીનું જીવન પૂરું કર્યું.

આ અનુભવ સાચો છે. આવા અનુભવ સાધકોમાંના ઘણાને થતા હશે. માણસો કહે છે કે અમે તો ઘણી ઈચ્છા રાખીએ છીએ પણ અમને તો કાંઈ જ મળતું નથી ને કોઈ ખાસ અનુભવ થતો નથી. એટલે આવી વાતો સાચી હોય તો પણ તેમાં શ્રદ્ધા નથી. મારે કહેવું પડે છે કે જે સૂર્યની દિશામાં જાય છે તેને પ્રકાશ મળે છે. તેવી રીતે ફૂલના બાગમાં જઈને બેસનારા માણસને ફૂલની ફોરમ પણ જરૂર મળે છે. તમે પણ જો અનુભવની ઈચ્છા કરતા હશો, ને તે માટે બરાબર પ્રયાસ કરતા હશો, તો તમને પણ અનુભવ થશે એ વાતમાં વિશ્વાસ રાખજો. બધા સાધકોને એક જાતના અનુભવ થતા નથી. બધાના અનુભવો કેટલીકવાર જુદા જુદા હોય છે. પણ તમારી ગાડી જો યોગ્ય પાટા પર ચાલતી હશે, તો એક કે બીજી જાતના અનુભવ તમને જરૂર થશે એમાં શંકા કરવાની જરૂર નથી. ઈચ્છા રાખવા છતાં અનુભવ ના થાય તો સાધનાને મૂકી ના દેતા. નિરાશ પણ ન થતા. ઈશ્વરમાં ને તમારી જાતમાં અશ્રદ્ધા ના કરતા. સાધનાની ગાડીને ચાલુ જ રાખો. તેને આગળ ને આગળ ધપાવ્યે જ રાખો. આવા બીજા પુરૂષોને થયેલા અનુભવોને નજર સામે રાખીને પ્રેરણાનું ભાથું ભરો ને ઉત્સાહ, આશા, હિંમત વધારો.

જે મહાત્મા પુરૂષની વાત આપણે કરી ગયા, તેમને શું એક જ દિવસમાં આવો દૈવી અનુભવ થયો હતો કે ? બાર વરસ તો તેમણે આકરી તપશ્ચર્યા કરી. કેટલોક વખત ફલાહારી તો કેટલોક વખત દૂધ પર રહ્યા. કેટલાં બધાં વ્રત ને અનુષ્ઠાન કર્યા. ત્યારે છેવટે શાંતિ માટે તેમનું હૃદય રોઈ ઊઠ્યું છે. તેમને આ રીતે શાંતિ મળી. માટે તમે કોઈયે સંજોગોમાં નિરાશ થશો નહિ. તમારૂં કામ સદાય ચાલુ રાખો. ઈશ્વર પોતાનું કામ જરૂર કરી લેશે, તે જરાય ગાફેલ નથી. તેના દરબારમાં તો પાઈએ પાઈનો હિસાબ છે. પોતાની પ્રતિજ્ઞા પણ તે જાણે છે. ભક્તોને માટે તેણે જે બાંહેધરી આપી છે, તેની તેને ખબર છે. સમય થતાં તે તમને જરૂર અનુભવ આપશે, ને તમારી સામે પ્રકટ થઈને તમને પરમ શાંતિમાં સ્નાન કરાવશે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.