ભગવાનની કૃપા

પોતાનું અનન્ય ભાવે સ્મરણ કરનારા ભક્તોની સંભાળ રાખવા ભગવાન સદા તૈયાર રહે છે. પોતાના પ્રેમી માણસોના જીવનની જરૂરતો પૂરી પાડવાનું તેમનું વ્રત છે. યોગ ને ક્ષેમની વાતને એ રીતે પણ સમજી શકાય. ભગવાનને અનંત આંખવાળા કહ્યા છે. વળી તે અનંત પગ ને હાથવાળા છે એટલે સંસારના કોઈયે ખૂણામાં પડેલા ભક્તની દશાનું દર્શન કરીને તેને તે મદદ કરે છે. આ વાતમાં જો આપણે વિશ્વાસ કરતા થઈ જઈએ તો આપણી ચિંતા ઓછી થઈ જાય ને મુંઝવણ મટી જાય. સુખ ને દુઃખમાં તથા સારી ને નરસી દશામાં આપણી સંભાળ રાખનાર કોઈ છે એ વાત આપણી સમજમાં આવી જાય. જીવનને ચલાવવાની ચિંતા આપણને સતાવે નહિ તે વાત સાચી છે. ભક્તોને માથે ભગવાનનો વરદ હાથ કાયમને માટે મૂકાયેલો છે. પછી તેમને કોનો ભય છે ? ભગવાન જેવા સંરક્ષક છે, પછી ભક્તોને પોતાની રક્ષા માટે ભય શા માટે હોવો જોઈએ ?

સુદામાની દરિદ્રતા દૂર કરનાર, મીરાંને વિષ તથા સાપથી બચાવનાર ને નરસી ભગતની હૂંડી સ્વીકારનાર ભગવાન જવાબદારી ઉપાડી લેવા તૈયાર છે, પછી ભક્તોએ પોતાની ફિકર શા માટે કરવી જોઈએ ? પોતાની આજીવિકાની ચિંતા કરવાની પણ જરૂર નથી. આજીવિકા માટે કોઈ કામકાજ કરવું હોય તો ભક્તો ખુશીથી કરી શકે છે. પણ ઈશ્વરના સ્મરણ મનન વિના બીજું કામકાજ ન કરે તો કંઈ જ હરકત નથી. ઈશ્વર તેમની આજીવિકાની જવાબદારી ઉપાડી લેશે. આપણી બેન્કો કરતાં ઈશ્વરની કૃપાબેન્ક ઘણી જ સદ્ધર છે. ભક્તો ઈશ્વરનું સતત સ્મરણ કરે છે, ને તે બેન્કમાં તેને જમા કરે છે. બદલામાં તેમને ઈશ્વરની કૃપાનું પરમ ધન મળી જાય છે. આટલું જાણ્યા છતાં પણ આપણે ઈશ્વરનું સ્મરણ ન કરીએ તો આપણા જેવા અણસમજુ બીજા કોણ હોઈ શકે ? ભગવાનની કૃપાનો વિચાર કરી તથા ભગવાને આપેલી બાંહેધરીનો ખ્યાલ કરી, ભગવાનનું સતત સ્મરણ કરવા આપણે તૈયાર થવું જોઈએ, ને ભગવાનના ચરણસેવક બનવું જોઈએ.

પોતાના ભક્તોની જવાબદારી ભગવાન કેવી રીતે ઉપાડી લે છે ! જુદે જુદે વખતે તે જુદી જુદી લીલા કરે છે. જે સિદ્ધ કોટીના સંતો છે તે પણ પોતાના ભક્તોની સંભાળ રાખે છે. તેમને મદદ કરવા તે સદા તૈયાર રહે છે.

ઈ.સ. ૧૯૪૪ માં બદરી, કેદાર, ગંગોત્રી ને જન્મોત્રીની યાત્રા કરીને અમે ઋષિકેશ આવ્યા. ત્યાં આવ્યા પછી માતાજીને મરડો થયો. ઝાડામાં લોહી પણ પડવા માંડ્યું. તેથી થોડા વખતમાં તેમની નબળાઈ ઘણી વધી ગઈ. અમારી સાથેના મનુભાઈને કોલેરા લાગુ પડ્યો. કોઈ કામ માટે તે દહેરાદૂન ગયા, ને પછી ત્યાં જ બિમારીમાં પટકાઈ પડ્યા. માતાજીની દશા ઘણી ગંભીર થઈ ગઈ. પણ પ્રભુએ કૃપા કરી. લગભગ એકાદ માસની ભયંકર બિમારી પછી તેમને એક રાતે ભગવાન રામના તેજોમય સ્વરૂપનું દર્શન થયું, ને તે દિવસથી તેમને આરામ થવા માંડ્યો. જરાક ભોજન લેવાનું પણ શરૂ થયું. પછી તો એક દિવસ તેમને જલેબી ખાવાની ઈચ્છા થઈ. પણ લાચારી હતી. સાધારણ ભોજન કરવા જેટલા પૈસાની કમી હતી, ત્યાં વળી જલેબી લાવવાના પૈસા ક્યાંથી કાઢવા ? માતાજીને મેં મારી તકલીફ જણાવી. તે સમજી ગયાં.

તે જ દિવસે લગભગ અગીયારેક વાગ્યાના સુમારે, અમે રહેતા હતા તે ધર્મશાળામાં એક બાઈ આવી પહોંચી. ધર્મશાળામાં બધે ફરતાં ફરતાં પૂછવા માડી કે અહીં એક ગુજરાતી બ્રહ્મચારી રહે છે તેમની ઓરડી ક્યાં છે ? કોઈ માણસે તેમને અમારી ઓરડી બતાવી. ઓરડીની અંદર આવીને તેણે મારી સામે થાળી ધરી, ને તેમાંનું ભોજન લઈ લેવાનું કહ્યું. મને ખૂબ આશ્ચર્ય થયું. બાઈ ઘણી સ્વરૂપવાન હતી. તેણે સુંદર વસ્ત્રો પહેર્યાં હતા, ઘરેણાં પણ ઘણા પહેર્યાં હતા. તેમની આકૃતિ પરથી તે કોઈ મારવાડી બાઈ હોય તેમ લાગતું હતું. મેં તેનું ભોજન લેવાની ઘણી આનાકાની કરી. પણ તેનો આગ્રહ જોઈને છેવટે તે લઈ લીધું. અજાણી બાઈ મારી પાસે ક્યાંથી ને કેવી રીતે આવી હશે તે વિશે વિચાર કરતાં મેં તેની પ્રસાદી લીધી. ખોલીને જોયું તો મને વધારે આશ્ચર્ય થયું. બાઈએ અમારે માટે ગરમ પુરી, શાક ને જલેબી આણી હતી.. જલેબી જોઈને માતાજીને પણ આનંદ થયો. પ્રભુની કૃપા ને તેની લીલા વિના આમાં બીજું શું હોઈ શકે, એમ માનીને અમે સમાધાન કર્યુ. બાઈ તો તરત જ રવાના થઈ. તે ક્યાં ગઈ તેની ખબર ના પડી. પછી તે દેખાઈ જ નહિ. આવા પ્રસંગથી ઈશ્વરની કૃપામાં અમારી શ્રદ્ધા વધે એ દેખીતું હતું.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.