સ્વર્ગ કરતાં પૃથ્વી ઉત્તમ છે

સ્વર્ગ મેળવવાની ઈચ્છાવાળા માણસે યજ્ઞ કરવો એમ કહેવામાં આવ્યું છે. ગીતામાતા કહે છે કે યજ્ઞ કરનારને જો તેની ઈચ્છા હોય તો સ્વર્ગ મળે છે. સ્વર્ગલોક મૃત્યુલોક કરતાં વધારે સુખમય છે, પણ મૃત્યુલોકથી ઉત્તમ નથી. સ્વર્ગલોક તો એક જાતની ભોગભૂમિ છે. તે ભૂમિના ભોગ પૂરાં થતાં જીવાત્માએ ફરી મૃત્યુલોકમાં આવવું પડે છે. મૃત્યુલોકમાં જો તે પ્રભુનું શરણ લે, ને જ્ઞાન, ભક્તિ કે યોગનો આધાર લે, તો તેને મુક્તિ મળે. ગીતામાતાના કહેવા પ્રમાણે મૃત્યુલોકનું મૂલ્ય ઘણું મોટું છે. આપણે બધા મૃત્યુલોકના માનવીઓ છીએ, પણ સ્વર્ગના દેવતા કરતાં આપણું સ્થાન જરા પણ ઉતરતું નથી. તેમના કરતાં આપણુ ભાગ્ય ઘણું મોટું છે, ફક્ત તે ભાગ્યનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણી અંદરની દાનવતાને દૂર કરી સાચા માનવ થવા કોશિષ કરવાની છે, ને પછી પ્રભુપરાયણ થઈને આપણે દેવતા બનવાનું છે. આ બધું કરવામાં આ મૃત્યુલોક જ ઉત્તમ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં તમે જેવું બી નાખશો તેવું ઊગી નીકળશે. માટે સારું બી નાખવા સદાય તૈયાર રહો.

કેટલાક માણસો કહે છે કે આ પૃથ્વી જેવી ગંદી જગા બીજા કોઈ નથી. આપણને તો સ્વર્ગમાં રહેવા મળ્યું હોત તો સારું. પણ તેવા માણસોએ પોતાની ભૂલ સમજી લેવી ઘટે છે. પૃથ્વી ગંદી જ છે એમ માની લેવાને કોઈ કારણ નથી. તળાવમાં કાદવ ને કમળ બંને છે. ચંદ્રમામાં પણ પ્રકાશ ને કાળાશ બે સાથે વસે છે. બદરીનાથના પ્રદેશમાં એક બાજુ બરફ જેવા ઠંડા પાણીવાળી અલકનંદા નદી વહી જાય છે. તેમાં આંગળી બોળો તો તે કળી પડે તેવું થાય. પછી ન્હાવાની હિંમત તો કોની ચાલે ? પણ અલકનંદાની બીજી બાજુ કિનારા પાસે જ, ઉકળતા પાણીના કુંડ છે. તેમાંથી વરાળ નીકળે છે. યાત્રી તેમાં સ્નાન કરે છે. પ્રભુની લીલા કેવી અજબ છે ! કુદરત કેટલી અજાયબીથી ભરેલી છે ! આપણી પૃથ્વીમાં પણ તે પ્રમાણે સારી ને નરસી બે જાતની વસ્તુઓ રહેલી છે. ભલા ને બુરા બંનેનો તેમાં વાસ છે, ને સુગંધ તથા દુર્ગંધ બંનેનું તેમાં દર્શન થાય છે. કૃષ્ણ ને કંસ ને રામ ને રાવણ બંનેનો તેમાં વાસ છે. ઈશ્વર ને શયતાન બંનેની તે ક્રીડાભૂમિ છે. તેનો તિરસ્કાર કરવાની જરૂર નથી.

તમારે શું જોઈએ છે તે તમે પસંદ કરી લો, પછી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પૃથ્વીનો તિરસ્કાર ને સ્વર્ગની ઈર્ષા કે આશા કરવાની જરૂર નથી. કેમ કે તેથી કોઈ હેતુ નહિ સરે. જે પૃથ્વી પર આપણે વસીએ છીએ, ને જેની સાથે આપણું ભાગ્ય જડાયેલું છે. તે પૃથ્વીને પ્રેમ કરવા, સુંદર કરવા ને તેનાથી લાભ ઊઠાવવા આપણે તૈયાર થવું જોઈએ. એમ કરવાથી આપણે પૃથ્વીને સ્વર્ગમય કરી શકીશું. પોતપોતાના જીવનને સુંદર બનાવવાનો જો બધા જ પ્રયાસ કરે તો પૃથ્વી વધારે સુંદર બને એમાં શંકા નથી. પૃથ્વીમાં કેટલીક ગંદકીને માણસે પોતે પોતાને હાથે ઊભી કરી છે, ને કેટલીક ગંદકી તે પોતે પોષે છે. તેને દૂર કરવાનો પ્રયાસ કરીને તે સંસારમાંથી નરકની નિશાની દૂર કરી શકે, ને સ્વર્ગનું સર્જન કરી શકે.

સ્વર્ગ કોઈ ઈર્ષા કરવા જેવી વસ્તુ નથી. સ્વર્ગમાં અપ્સરાઓ મળશે, આનંદ મળશે, પણ ભગવાનની પ્રાપ્તિ તો આ પૃથ્વી પર જ થઈ શકશે. પૂર્ણ જીવનની સાધના પણ આ પૃથ્વી પર ને આ પંચમહાભૂતના શરીર દ્વારા જ થઈ શકશે. માટે પૃથ્વીને પ્રેમ કરો, ને સ્વર્ગનાં નકામા સ્વપ્ના છોડી દો અથવા તમે જેવા સ્વર્ગની ઈચ્છા કરતા હો તેવા સ્વર્ગની રચના આ પૃથ્વી પર જ કરવાનો પુરૂષાર્થ કરો. પ્રભુ તમને જરૂર સફળ કરશે. સ્વર્ગ ગમે તેવું સારું હોય તો પણ શું ? તેના સ્વપ્નાં સેવવાથી શું વળશે ? આપણે તો પૃથ્વી પર જ રહેવાનું છે. એટલે આપણે તો પૃથ્વી સાથે જ કામ છે.

જે સતી છે તે પોતાના પતિને જ પ્રેમ કરે છે. તેને કહો કે બીજો પુરૂષ વધારે નિરોગી ને સુંદર છે, માટે તું તેને ભજ તો શું તમારી વાત તે માની લેશે ? તે તો તરત જવાબ દેશે કે હું તો સતી છું. મારાથી વેશ્યા થઈ શકાય નહિ. બીજો પુરૂષ ગમે તેવો કોડીલો કે કામણગારો હોય, અગ્નિની સાક્ષીએ હું જેની સાથે ફેરા ફરી છું, ને જેને મેં દીલ દીધું છે, તેનાથી સુંદર કે શ્રેષ્ઠ મારે મન બીજો કોઈ નથી. માટે હું તો તેની જ સેવા કરીશ ને તેને જ ભજીશ.

એક ગરીબની ઝૂંપડી સામે કોઈ શ્રીમંતે પોતાનો મહેલ ઊભો કરી દીધો. દેખીતી રીતે તે ઘણો જ સુંદર લાગે છે પણ તેથી શું ગરીબ માણસ પોતાની નાની સરખી ઝૂંપડીને તોડી પાડશે ? અથવા તો ઝૂંપડીમાં રહેવાનું બંધ કરશે ? પોતાના પરિવાર સાથે ઝૂંપડીમાં તેને જે નિર્દોષ આનંદ મળી રહ્યો છે, તેને લીધે ઝૂંપડી તેને મન મહેલથી પણ મહાન ને વૈકુંઠપુરી જેવી બની ગઈ છે. તેનો તિરસ્કાર કરી મહેલમાં રહેવાનો નિરર્થક સ્વપ્નાં તે સેવશે કે ?

આપણા નાના સરખા ઘરની બાજુમાં મીઠાઈનું બજાર હોય તેથી શું થયું ? મીઠાઈને જોઈને આપણે રોટલા પ્રત્યે સૂગ કેળવવાની જરૂર નથી. મીઠાઈ સુંદર લાગે તો પણ રોજરોજ તેના પર રહેવાનો ધંધો આપણને ભારે પડી જશે. શરીરને બગાડી નાખનારો સાબિત થશે. પણ રોજનો રોટલો આપણને જરૂરી તાકાત આપી રહેશે. તેવી જ રીતે આપણને આ પૃથ્વીનું સમજી લેવાનું છે. ગામમાં નદી ન હોય તેથી કાંઈ મીઠા પાણીના કૂવાઓને તોડી પાડવાની જરૂર નથી. બગીચામાં આપણા મનપસંદ ફૂલને ઉગાડવા માટે બીજાં બધાં જ ફૂલ સાથે આખા બગીચાને તોડી પાડવાની જરૂર નથી.

જે પૃથ્વી પર શ્વાસ લેવાનો છે તેને આપણે પૂજવી જોઈએ; જનેતાની જેમ સન્માનવી જોઈએ; ને તેને સર્વોત્તમ સમજીને હૃદયમાં સ્થાન આપવું જોઈએ. જરા વિચાર તો કરો કે આ પૃથ્વીની શોભા કેવી અનેરી છે ! તેનો સૌથી મોટો ગુણ એ છે કે માણસને તે બધાં જ બંધનોથી મુક્ત કરે છે, ને પરમાત્માની પાસે પહોંચાડે છે. એ ગુણ ઘણો મોટો છે તેને લીધે તેની કિંમત પણ ઘણી મોટી થઈ જાય છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.