સ્વર્ગ વિશે વિચાર

આપણે ત્યાં કેટલાક વિદ્વાનો છે. તેમની માન્યતા મુજબ સ્વર્ગ ને નરક આ પૃથ્વી પર જ છે. જુઓને, માણસ સુખી છે ને દુઃખી પણ છે. કેટલાકને ખાવાનું મળે છે, ને ખૂબ મળે છે, તો કેટલાકને છેક ભૂખ્યા રહેવું પડે છે. કોઈ આલીશાન ઈમારતમાં રહે છે, તો કો’ક ગંદા ઘરમાં, ને કોઈકને તો ઘર પણ નથી. કોઈની પાસે ઘણાં કપડાં છે, તો કોઈની પાસે શરીર ઢાંકવાનું પૂરતું સાધન પણ નથી. કોઈ નિરોગી છે, તો કોઈ રોગમાં સબડી રહ્યા છે. કોઈ સંયમ સાધે છે, તો કોઈ સ્વચ્છંદતા કરે છે. કોઈ અત્યાચાર, અનાચાર ને પશુને પણ શરમાવનારા ભોગવિલાસ કરી પોતાને ને બીજાને જીવતા દોજખમાં ધકેલી દે છે. કોઈના વિચાર પવિત્ર છે તો કોઈના છેક મેલાં. કોઈના કર્મ સારાં ને બીજાને ઉપયોગી છે, તો કોઈનાં છેક જ નઠારાં, ને પોતાનું ને બીજાનું અમંગલ કરનારાં, આ બધું શું સ્વર્ગ ને નરકનું સૂચન નથી ?

આ સંસારની તપાસ કરો તો સ્વર્ગ ને નરકનાં આવાં કેટલાય ચિત્રો જોવા મળશે. આ ચિત્રો માણસે પોતે ઊભા કર્યા છે, દોર્યા છે, ને માણસ પોતે તેમને દૂર કરી કે સુધારી શકે છે. વાત સાચી છે. આ વિચારને આપણે સારો માનીને આવકારીએ છીએ, પણ બીજા કેટલાક વિદ્વાનો કહે છે કે આ પૃથ્વીઓ જેવી ન જાણે કેટલી પૃથ્વીઓ આ બ્રહ્માંડમાં છે. આપણે હજી તેને જાણી શક્યા નથી. આપણા ઋષિઓ પાસે ઈશ્વરની કૃપાથી મળેલી દૈવી દૃષ્ટિ હતી, તેથી તે બ્રહ્માંડના ને શરીરની અંદરના રહસ્યને જાણી શક્યા છે, ને તેનું વર્ણન કરી ગયા છે. તેમના એ જ્ઞાનનો વારસો આપણે શા માટે ન લેવો ? તેને લેવામાં કે સ્વીકારવામાં કાંઈ જ હરકત નથી. તે તો કહે છે કે પૃથ્વીના જેવું સ્વર્ગ પણ એક લોક છે. ને એવા તો ન જાણે કેટલા લોક છે ! આપણે તેમની માન્યતાને પણ સાચી માનીશું ને સ્વીકારીશું.

તે ઉપરાંત, વિદ્વાનોનો એક બીજો વર્ગ પણ છે તે કહે છે કે સ્વર્ગ આ પૃથ્વીમાં જ છે. આ પૃથ્વીના જ એક પ્રદેશને સ્વર્ગ કહેવામાં આવે છે. પોતાની માન્યતાને વધારે ચોખ્ખી કરતાં તે કહે છે કે હાલ જે પ્રદેશ તિબેટને નામે ઓળખાય છે, તે જ જુના વખતનાં શાસ્ત્રોમાં કહેલું સ્વર્ગ છે, ને હાલનું અમેરિકા પાતાળ છે, હાલનો બ્રહ્મદેશ તે પ્રાચીનકાળનો બ્રહ્મલોક છે. ત્યાંનો રાજા બ્રહ્મા કહેવાતો. વાત સારી છે ને, ને કેટલાક સારા મનાતા વિદ્વાનો તરફથી તેને રજુ કરવામાં આવે છે. વાત જરા નવી લાગે તેવી છે એટલે કેટલાક માણસોને બહુ આકર્ષે છે. પણ તેના વિશે નક્કી અભિપ્રાય આપતાં પહેલાં થોડોક વિચાર કરવાની જરૂર છે.

આપણે ત્યાં શાસ્ત્રોમાં સ્વર્ગ વિશે કેટલાક ઉલ્લેખ છે. તે પ્રમાણે સ્વર્ગમાં દેવો રહે છે, તેમજ સુંદર અપ્સરાઓ વાસ કરે છે. તે દેવો ને અપ્સરાઓ ઈચ્છા પ્રમાણે શરીર ધારણ કરીને પૃથ્વીના ગમે તે ભાગમાં વિચરણ કરે છે. તે આકાશગમન કરી શકે છે તથા વરદાન આપવાની શક્તિ ધરાવે છે. ઘણું દાન ને પુણ્ય કરનારા તથા યજ્ઞ કરનારા જીવો ત્યાં જાય છે. યુધિષ્ઠિર જેવા મહાપુરૂષો ત્યાં જઈ શક્યા છે. ગંગાજી સ્વર્ગથી આવ્યા એમ કહેવાય છે. યુધિષ્ઠિર ને ગંગા હિમાલયમાં થઈને જ પોતાનો માર્ગ કરે છે. તે પરથી સ્વર્ગ એ તરફ છે એમ કેટલાકનું કહેવું છે. છતાં સ્વર્ગનો બીજો ઉલ્લેખ જુઓ. કઠોપનિષદમાં બાળક નચિકેતા ને યમની વાત આવે છે. તેમાં નચિકેતા કહે છે કે સ્વર્ગલોકમાં કોઈ જાતનો ભય નથી. ત્યાં મૃત્યુનું ચક્ર ચાલતું નથી તેમજ ઘડપણ આવતું નથી. ભૂખ ને તરસ બન્નેથી મુક્ત થઈને ત્યાંના જીવો સદાને માટે આનંદ કરે છે. સ્વર્ગનો આ ઉલ્લેખ બીજા શાસ્ત્રોમાં પણ જાણીતો છે.

હવે તમે એની સાથે તિબેટની અત્યારની દશાનું ચિત્ર સરખાવી જુઓ ને વિચારી જુઓ કે એ ઉલ્લેખ સાચો ઠરે છે ? તિબેટનું કુદરતી સૌંદર્ય ગમે તેવું હોય તેની સાથે આપણને ખાસ લેવાદેવા નથી. આપણે તો તિબેટના લોકોની દશાનો વિચાર કરવાનો છે. શું તિબેટના લોકો દેવ જેવા શક્તિવાળા ને રૂપાળા  છે ? ત્યાંની સ્ત્રીઓ શું અપ્સરા જેવી સુંદર છે ? રંભા ને તિલોત્તમાની વંશજ જેવી સ્ત્રીઓ ત્યાં વસે છે ? શું ત્યાંના લોકોને ઘડપણ નથી આવતું ? ઠંડીને લીધે યુવાની લાંબી દેખાતી હોય તો ભલે પણ તેને અંતે પણ શું ઘડપણ નથી આવતું ? શું ત્યાંની પ્રજા ભૂખ ને તરસથી મુક્ત છે ? તિબેટ ઠંડો દેશ છે એટલે ત્યાંની પ્રજાને તરસ ઓછી લાગે એ સમજી શકાય તેવું છે. પણ શું ભૂખ પણ તેમને નથી લાગતી ? શું ત્યાંની પ્રજાને કોઈ દુઃખ નથી ને સદાને માટે આનંદ જ આનંદ છે ?

તિબેટની દશાની જેમને ખબર છે, તે તો તરત કહેશે કે ના, તિબેટની દશા તેવી નથી. ત્યાંની પ્રજા દુઃખી છે, અભણ છે, સંસ્કાર વિનાની છે. જીવનની જરૂરતો તેમને ભારે મુશ્કેલીથી મળી શકે છે, અન્ન ને વસ્ત્રની સમસ્યા તેમને માટે ભારે મૂંઝવનારી છે. ભૂખ તો તેમને ખૂબ લાગે છે, ને જે જાતનો ખોરાક તે ખાય છે, તે દેવો તો શું પણ આપણા જેવા સાધારણ માણસોને પણ ભાગ્યે જ ગમે. પુરાણકાળના દાનવોને મળતો તેમનો આહાર આપણને કેવી રીતે ગમી શકે ? ઘડપણ ને રોગ તથા મરણનું જોર તિબેટમાં સારા પ્રમાણમાં છે. ચોર ને લૂંટારાનો ત્રાસ પણ ભારે છે એટલે ભય પણ છે જ. ત્યાંના લોકો આકાશગમન તો શું, પણ સાધનોના અભાવને લીધે પૂરેપૂરું ને સલામત રીતે પૃથ્વીગમન પણ કરી શકતા નથી. એને જ જો સ્વર્ગ કહેવામાં આવે તો તે સ્વર્ગ તમને જ ભલે મુબારક હો ! અમારે તે સ્વર્ગનું કામ નથી, ને તેવા સ્વર્ગમાં રહેવા જવાની અમારી ઈચ્છા પણ નથી. જો એવા સ્વર્ગમાં જવા માટે ઢંઢેરો પીટાવવામાં આવે, તો ભાગ્યે જ કોઈ માણસ ત્યાં જવા માટે તૈયાર થશે. સ્વર્ગના સુખોનાં ગુણગાન ગાનારા આપણા વિદ્વાનો પણ ત્યાં જઈને વાસ કરવા ભાગ્યે જ તૈયાર થશે.

આ વાત સાચી છે. તિબટને સ્વર્ગ કહેવાનું આપણને મન નથી થતું. સ્વર્ગના વર્ણનને મળતી કોઈયે વસ્તુ ત્યાં ક્યાં છે ? તે વિના એને એમ ને એમ સ્વર્ગ કેવી રીતે કહી શકાય ? કોઈ કહેશે કે તિબેટની દશા હાલ ખરાબ હશે. પણ પહેલાંના વખતમાં તેવી નહિ હોય, તે વાત ઈતિહાસકારોના નિર્ણયની છે. તે ભલે તેની શોધખોળ કરે. આપણે તો કહીશું કે શાસ્ત્રોમાં કરાયેલું સ્વર્ગનું વર્ણન કાયમનું વર્ણન છે. જૂના ને નવા બધા કાળને માટે તે સાચું છે. એટલે આ વિદ્વાનોની માન્યતા વિશે આપણે એટલું જ કહીશું કે માન્યતા બરાબર નથી, પણ પાંગળી ઠરે છે, એટલે અનુભવનો આધાર લો. આપણા ઋષિઓએ ઊંડા અનુભવો  કરીને આ બધી વાતો આપણી સામે રજૂ કરી છે. તેમને ટાઢાં પહોરનાં ગપ્પાં મારવાની જરૂર નથી, કપોલકલ્પિત સમજવાની પણ જરૂર નથી. તમારી સમજમાં તે વાતો ના આવે, તો ખામોશી રાખો. અનુભવ કરો ને પછી જ કોઈ નિર્ણય પર આવો. જે અનુભવની વાત છે, તેનો ઉકેલ એકલી બુદ્ધિ નહિ લાવી શકે.

આની સાથે સાથે એ વાત પર આપણે બધાનું ધ્યાન દોરીશું કે આપણી આ પૃથ્વીને પવિત્ર, શાંતિમય ને સુખમય કરવા આપણે બનતો પ્રયાસ કરીએ. પૃથ્વી પરથી દુઃખ, દર્દ, શોષણ, ભૂખમરો ને ત્રાસનો અંત લાવીએ. સેવા, સંપ, પ્રેમ ને સહકારના મંત્રને અપનાવીએ, ને સંસારને સ્વર્ગમય કરીએ. આપણા ને બીજાં બધાનાં જીવનને પવિત્ર, સુખી ને સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરીએ, ને તે માટે નિસ્વાર્થ સેવારૂપી કર્મનો યજ્ઞ કરીએ. બીજા યજ્ઞો કરનારાને મર્યા પછી સ્વર્ગ મળે છે. એ વાત શાસ્ત્રોએ કહેલી છે. પણ આપણે જે સ્વર્ગ મેળવવું છે તે માટે મરણ પછીના બીજા જીવનની જરૂર નથી. ઉત્તમ કર્મોનો યજ્ઞ ચાલુ કરો એટલે આ જ જીવનમાં તમારે અને બીજાને માટે સ્વર્ગ ઉતારી શકશો એ ચોક્કસ છે. માટે ઉત્તમ વિચારો કેળવો. સદ્ ગુણોની મૂર્તિ બનો. દુગુર્ણોને ભસ્મિભૂત કરી દો. વાસના ને ખોટા વિકારોની આહુતિ આપી દો. જીવનને સુખમય કરવા માટે આ કામ વહેલામાં વહેલું શરૂ કરો.

આજે હોળી છે, પણ વધારે ભાગના માણસો શું કરશે ? લાકડાં ભેગાં કરીને બાળી મૂકશે. સારાં કપડાં પહેરશે, ને ખાશે પીશે ને મજા કરશે. એવી ક્ષણિક મજાથી શું વળે ? કાયમની ને સાચી મજા મેળવવા માટે અસત્ય ને બુરાઈની હોળી કરવા કાયમને માટે તૈયાર રહેવું જોઈએ. ને સૌના સ્વામી, સખા ને સુહૃદ પરમાત્માનું શરણ લેવું જોઈએ. ત્યારે જ જીવનમાં કાયમી આનંદ મળી શકે ને સંસાર સ્વર્ગમય બને. એટલે દિલમાં જે દાનવ બેઠો છે તેને દૂર કરીને સાચા માનવીની સ્થાપના કરો, ને તેને વિકસીને દેવ બનવા દો એટલે અંતરમાં સ્વર્ગ ઉતરશે, રોમેરોમમાં સ્વર્ગ ઊતરશે ને જ્યાં જશો કે જીવશો ત્યાં સ્વર્ગ ને સ્વર્ગ જ વિલસશે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.