ભગવાનનું મંદિર સૌને માટે ખુલ્લું છે

કોઈ કોઈ માણસો તરફથી પૂછવામાં આવે છે કે ‘ભગવાન શું પક્ષપાતી છે ? ભક્તો તરફ શું ભગવાનનો વધારે પક્ષપાત છે.’ આપણે કહીશું કે ના તેવું નથી. ભગવાન તો સમદર્શી છે. પોતાનાં સઘળાં સંતાનો પર તે સરખો પ્રેમ રાખે છે. હા, જે ભક્તો તેમની કૃપા માટે તરસ્યા થાય છે ને તલસે છે, તે તેમની કૃપા પામી શકે છે. ભગવાન તેમની વિશેષ સંભાળ રાખે છે પણ તે કાંઈ પક્ષપાત નથી. એ તો પોતાના નિયમનું તટસ્થપણે થતું પાલન છે. પરીક્ષામાં હજારો વિદ્યાર્થી બેસે છે. તે બધા કાંઈ પાસ નથી થતા. કેટલાક નાપાસ પણ થાય છે. તેથી શું એમ કહેવાશે કે પાસ થયેલા વિદ્યાર્થી તરફ પરીક્ષા લેનારે પક્ષપાત બતાવ્યો ? પરીક્ષા લેનાર તો તટસ્થ છે. તેને કોઈ તરફ પક્ષપાત નથી પણ તેની પાસે પરીક્ષા લઈને પાસ કરવાનું અમુક ધોરણ છે. તે ધોરણ સાથે બંધબેસતા વિદ્યાર્થીને તે કોઈયે જાતના રાગદ્વેષ વિના પાસ કરે છે, ને બીજાને નપાસ કરે છે. એમાં પક્ષપાત ક્યાં છે ? તે પ્રમાણે ભક્તો પર ભગવાન કૃપા કરે છે ને જે ભક્ત નથી, તે ભગવાનની વિશેષ કૃપાથી વંચિત રહે છે. એ તો ઈશ્વરના દરબારનો એક નાનો સરખો છતાં નક્કી ને સૌને લાગુ પડનારો નિયમ છે. એમાં પક્ષપાતને સ્થાન ક્યાં છે ?

નદી કિનારે બે માણસો છે. બંને તરવૈયા છે. તેમાંથી એક માણસ ઊભો થાય છે, તે નદીમાં જઈને પાણી પીવા માંડે છે બીજો માણસ કિનારે બેસીને બૂમો પાડે છે કે ભાઈઓ, સાંભળો આ નદી કેવી પક્ષપાત કરનારી છે તે તો જુઓ. મારી તરસ આ બીજા માણસથી જરા પણ ઓછી નથી છતાં નદીએ મને એક છાંટો પણ ન આપ્યો. ને આ માણસની કોઈ સગી હોય કે તેને લાંબા વખતથી ઓળખતી હોય તેમ, તેને જેટલું પીવું હોય તેટલું પાણી પાય છે. તો નદીની પાસેથી પસાર થનારા વટેમાર્ગુઓ તેને શું કહેશે ? શું તે એમ નહિ કહે કે ભાઈ, નદી તો કોઈની સગી થતી નથી. તે કોઈને ઓળખતી પણ નથી. છતાં કોઈ પણ જાતના ભેદભાવ વિના સૌ કોઈ તેની ઓળખાણ કરી શકે છે. તેનું સગપણ સાધી શકે છે. કિનારે બેસીને બૂમો પાડવાથી શું વળશે ? આળસ છોડીને ઊભા થાવ. નદીની પાસે પહોંચો ને પાણી પીવા માંડો એટલે તે માણસની જેમ તમને પણ જેટલું જોઈએ તેટલું પાણી મળશે ને તમારી તરસ પણ મટી જશે.

ભગવાનની પ્રેમનદી પણ સૌને માટે વહી રહી છે. ભગવાનની કરૂણા ને કૃપાની ગંગા પણ સારાય સંસારને માટે સરી રહી છે. તેનો લાભ લેવા માટે સૌ કોઈ સ્વતંત્ર છે. જેની ઈચ્છા હોય તે તેનો લાભ લઈ શકે છે. જે તેનો લાભ લે છે તે કૃતાર્થ થાય છે. તેમની યુગો જુની તરસ મટી જાય છે, તમે પણ તેનો લાભ લો, ને કૃતાર્થ બનો. ભગવાનની કૃપાનો અનુભવ તમને પણ થશે. પોતાની કૃપા વરસાવવા માટે ભગવાન સદાય તૈયાર છે. હજારો હાથે તમને મદદ કરવા તૈયાર છે, છતાં જો તમે દૂર ને દૂર રહેશો, તો તેમની કૃપાનો અનુભવ કેવી રીતે કરી શકશો ? માટે આળસ છોડો, ને તેમને પામવા ને પ્રસન્ન કરવાનો પુરૂષાર્થ કરો એટલે શાંતિ થશે, ને બધી જ શંકા મટી જશે.

ભગવાનની ભક્તિ કરી ભગવાનનું દર્શન કરવાનો અધિકાર સૌને છે. જ્ઞાન ને યોગના માર્ગ જરા અટપટા છે. તેમાં અધિકારની જરૂર પડે છે પણ પ્રભુના પ્રેમનો માર્ગ તો જુઓ. તેમાં કોઈ અધિકારની જરૂર જ નહિ. ફક્ત તે માર્ગનો લાભ લેવાની ઈચ્છા હોવી જોઈએ. તેને જો અધિકાર કહેવો હોય તો કહી શકો. બાકી તો બધાને તેમાં સરખો અધિકાર છે. સ્ત્રી, વૈશ્ય ને શુદ્ર પણ પ્રભુના પ્રેમનો લાભ લઈ શકે છે. વેદપાઠ કરવાનો ને બીજી કેટલીક ધાર્મિક ક્રિયાઓ કરવાનો અધિકાર સ્ત્રી, વૈશ્ય ને શુદ્રને છે કે કેમ, તેની આપણે ત્યાં ઘણી ચર્ચા ચાલે છે, ને તે વિશે હજી પણ ઉહાપોહ થાય છે. પણ ગીતામાતા પોતાની ઉદારતા ને પ્રીતિનો પરિચય કરાવતાં કહે છે કે પ્રભુનો માર્ગ સૌને માટે ઉઘાડો છે. પ્રભુનું શરણ લઈને સૌ કોઈ તરી શકે છે.

ગીતાના ગાનાર ભગવાન શ્રીકૃષ્ણ બે હાથ ફેલાવીને સૌ કોઈને સત્કારવા ને આલિંગન કરવા તૈયાર ઊભા છે. તેમને ત્યાં કોઈ ભેદભાવ નથી. પાપીઓને પણ પુણ્યશાળી કરવા ને પોતાના કૃપાપાત્ર બનાવવા તે સદા તૈયાર છે. ખરી રીતે તો તેમના ઉપદેશનું સુમધુર સંગીત તેમના પોતાના જીવનના પડઘારૂપ છે. તેમના જેવા મહાપુરૂષની પાસે અભણ જેવી ગોપીઓ પણ બેસી શકે. ગોપીઓને પણ તેમણે પ્રેમ કર્યો. શબરી ને મીરાં પર તેમણે કૃપા કરી. જ્ઞાનમાર્ગમાં રસ લેનારી ઉપનિષદ્કાલની ગાર્ગી ને મૈત્રેયી પણ તેમના વિરાટ ને મૂળ સ્વરૂપને સમજી શકી ને કૃતાર્થ થઈ. ધર્મવ્યાધ સદન કસાઈ ને રાંકાબાંકા જેવાં કેટલાંય સ્ત્રીપુરૂષો તેમનું શરણ લઈને જીવનને સફળ કરી ગયાં. ધ્રુવ ને પ્રહ્ લાદ જેવા બાળકો પણ તેમનું દર્શન કરી શક્યાં. એવા પ્રભુની વાણીમાં કટ્ટરતા ક્યાંથી હોય ? સંકુચિતતાની ગંધ પણ તેમાં ક્યાંથી હોય ? એટલે જ ગીતામાં આપણને આ ઉદાર મતનું દર્શન થઈ શકે છે.

સ્ત્રી, વૈશ્ય, શુદ્ર કે પાપી કોઈ પણ હોય, પ્રભુના મંદિરમાં પ્રવેશ કરવાનો સૌને હક છે. ગીતાના આ શબ્દોને સમજીને જીવનમાં ઉતરવાની જરૂર છે. જેમ પ્રભુનું મંદિર સૌને માટે ખુલ્લું છે, તેમ તમારૂં હૃદયમંદિર સૌને માટે ખુલ્લું રાખો. સૌને પ્રભુના સંતાન ને પ્રભુની કૃપાનાં સરખાં હકદાર સમજો ને સૌને પ્રેમ કરો. કોઈને ધિક્કારશો નહિ. નામ, રૂપ, ધન, પદ કે રંગના આધાર પર કોઈને ઊંચાં ને કોઈને નીચાં માનશો નહિ. ભેદભાવની કૃત્રિમ દિવાલ ઊભી કરીને સૃષ્ટિના સ્વામીનું અપમાન કરશો નહિ. પ્રભુની કૃપા મેળવવા તૈયાર થનાર ને પ્રયાસ કરનાર સૌને સરખા આદરથી જોજો, ને સૌની અંદર રહેલા પ્રભુના પવિત્ર પ્રકાશને નિહાળતાં ને નમતા શિખજો. ગીતાના સંગીતનું શ્રવણ ત્યારે જ સફળ થશે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.