બધું ભગવાનને અર્પણ કરો

ભગવાન કહે છે કે જે પ્રેમ કરીને મને પત્ર પુષ્પ, ફળ કે પાણી અર્પણ કરે છે. તેની અર્પણ કરેલી વસ્તુને હું સ્વીકારું છું ને આરોગું છું. એટલે કે ભગવાનના ચરણમાં પ્રેમપૂર્વક ધરેલી બધી વસ્તુ ભગવાનને પહોંચી જાય છે. ભગવાન ભક્તની અર્પણ કરેલી વસ્તુ તેના દેખતા આરોગે છે પણ ખરા. ફક્ત તે માટે ભક્તના દિલમાં ભાવ હોવો જોઈએ. નામદેવ બાળક હતા છતાં તેમના દિલમાં ભગવાનને દૂધ પાવાની તાલાવેલી લાગી ગઈ તો ભગવાને તેમની સામે સાક્ષાત્ થઈને દૂધ પીધું. એવી તાલાવેલી કોના દિલમાં છે ? આજે તો માણસો કોઈ રોજીંદુ કામ કરતા હોય તેમ ભગવાનને પ્રસાદ ધરે છે. ભગવાન તેમના પ્રસાદની ફક્ત સુવાસ લે છે, એથી તેમને સંતોષ લાગે છે. જો પ્રકટ થઈને કે પ્રકટ થયા વિના, ભગવાન બધો પ્રસાદ આરોગી જતા હોત, તો વધારે ભાગના ભક્તો બીજી વાર પ્રસાદ કરતાં પહેલાં વિચાર કરત. માણસ જો ભાવવિભોર બની જાય, ને પોતાનો પ્રસાદ ખાવાનો ભગવાનને નામદેવની જેમ આગ્રહ કરે, તો આજે પણ તે જરૂર સફળ થાય. ભગવાન તેની ભાવના જરૂર પૂરી કરે.

એટલું બધું કરવાની શક્તિ ના હોય તો એક બીજો માર્ગ પણ છે. તમારી પ્રત્યેક ક્રિયાનો સંબંધ ભગવાનની સાથે જોડી દો. એમ કરવાથી તમારા જીવનમાં મહત્વનો ફેરફાર થઈ જશે ને તમને ખૂબ લાભ થશે. નાની કે મોટી કોઈયે ક્રિયા ભગવાનને અર્પણ કરતાં શીખી લો. તેથી તેની ભાવના ને તેના સ્વરૂપમાં ફેર પડી જશે. જુઓ, ખાવાની ક્રિયા તદ્દન સાધારણ છે. પણ તેમાં ભગવાનને ભેળવી દો એટલે તે અસાધારણ બની જશે. કેટલાક માણસો યંત્રની જેમ ખાય છે. ટપાલની પેટીમાં કાગળ નાખીએ તેમ મોઢામાં ખોરાક નાખતા જાય છે. પૂરું ચાવતા નથી ને શાંતિ પણ રાખતા નથી કેટલાક માણસો ખાતી વખતે રોષ ને શોક થાય કે ચિંતા ફેલાય ને ભોજનનો આનંદ ઉડી જાય એવી વાતો રજૂ કરે છે. કેટલીક સ્ત્રીઓને એવી ટેવ હોય છે કે જમતી વખતે પુરૂષોને ઠપકો આપે અથવા પુરૂષની પાસે ઘરનો ઈતિહાસ રજૂ કરે, ને પુરૂષ જમી લે ત્યાં સુધી તે ચાલ્યા જ કરે. પુરૂષનું મન જ એથી બગડી જાય. કેટલાક પુરૂષો પણ એવા હોય છે. તેમના તીખા વર્તનથી સ્ત્રીઓનો જમવાનો વખત પણ સુધરતો નથી. એવા માણસોએ સુધરવું જોઈએ.

ખોરાક ખાવો એ એક કળા છે. તેની અસર જીવન પર બહુ ભારે પડે છે. શરીરની ને મનની સુખાકારી પણ તેના પર આધાર રાખે છે એટલે તે કળાને સમજી લેવાની જરૂર છે. ખોરાકનો એકેક ગ્રાસ ખાતી વખતે ખૂબ શાંતિ રાખવી. એવો વિચાર કરવો કે શરીરની અંદર બેઠેલા દેવતાને આ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. તેમાંથી શુદ્ધ લોહી બનશે, ઉત્તમ પ્રકારનું બળ મળશે, ને તે દ્વારા ઉત્તમ કામ કરી શકાશે. વળી જમતા પહેલાં અન્ન મનોમન ભાવના કરીને ભગવાનને અર્પણ કરવું તેથી તે પ્રસાદમય બનીને તન ને મનને પવિત્ર કરશે. જેમને જમાડવામાં આવે છે તે ભગવાનના સ્વરૂપ છે એમ સમજવું. તેથી તેમની સાથેનો વ્યવહાર સરલ, સાફ ને પ્રેમમય બનશે. ને જમનાર તથા જમાડનાર બંનેને આનંદ મળશે. આ વાત ફક્ત ઘરનાં માણસો પૂરતી લાગુ નથી પડતી. બહારનાં માણસોને માટે પણ આ વાત સાચી સમજવાની છે. આપણે ત્યાં કોઈ અતિથિ આવે તો તેને ભગવાનનું સ્વરૂપ જ સમજવાની ટેવ પાડવી. આપણે જમવા બેઠા હોઈને, ને કોઈ બીજો ભૂખ્યો માણસ આપણે ત્યાં આવે, તો આપણા ભોજનમાંથી તેની તૃપ્તિ માટે ભોજન જરૂર આપી દેવું. તેમ કરવાથી આનંદ મળી શકશે.

હિમાલયમાં ગંગોત્રીથી આગળના સ્થાનમાં એક મહાત્મા રહેતા હતાં. અમે જ્યારે ગંગોત્રી ગયા ત્યારે તેમની મુલાકાત થઈ હતી. તેમના સ્થાનની પાસે ગંગાજી વહી રહ્યાં હતાં. અમે ગયા એટલે તેમણે અમને સત્કાર્યા. તેમના હાથમાં માળા હતી. આશ્રમમાં બીજા શિષ્યો પણ હતા. મહાત્માજીની ઉંમર ઘણી હતી. તે વારંવાર 'જગદીશ જગદીશ'ના જપ કર્યા કરતા. સાંજ પડવાની તૈયારી હતી એટલે અમે જવાની ઊઠવાની રજા લીધી, પણ તેમણે અમને ખૂબ આગ્રહ કરીને જમવા બેસાડ્યા. તે ફલાહાર કરતા. તેમના શિષ્યોએ કહ્યું કે દિવસ દરમ્યાન જે કોઈ આવે તેમને જમાડવાનો તેમનો નિયમ હતો. સાંજ પડ્યા પછી તે દિવસમાં એકવાર જમતા. બધામાં તે જગદીશનું દર્શન કરતા હતાં. એટલે જે આવે તેને જમાડવામાં તેમને અજબ આનંદ આવતો. બીજાને જમાડવાથી તેમને શું મળતું હશે તે કોણ કહી શકે ? પણ એટલું તો સહેજે કહી શકાય તેમ છે કે બીજાને જમાડીને પાછળથી જમનાર તે મહાત્માનું હૃદય ઘણું વિશાળ, પ્રેમાળ ને ઉદાર હોવું જોઈએ. તમે પણ જો એકલપેટા ના બનો, ને બીજાને ખવડાવીને ખાવામાં આનંદ લો, તો તમારૂ હૃદય વિશાળ, ઉદાર ને પ્રેમમય બની જાય. તમે ખાવાની નાની સરખી ક્રિયા દ્વારા આ રીતે પ્રભુની પાસે પહોંચી શકો છો.

ભગવાન કહે છે કે જે જે કરો છો તે મારે ચરણે ધરો; જે ખાઓ તે પણ મને અર્પણ કરો ને જે તપ કરો તે મારે માટે જ કરો ને મને અર્પણ કરો. તપશ્ચર્યાને ભગવાનને ચરણે કેવી રીતે ધરી શકાય ? એક રીત તો એ છે કે માણસે ભગવાનને માટે જ તપ કરવું જોઈએ. ભગવાન સિવાય કોઈયે વસ્તુની કામના તેણે પોતાના હૃદયમાં ના રાખવી જોઈએ. તે ઉપરાંત, પોતાની તપશ્ચર્યા કે સાધના તેણે ચાલુ જ રાખવી જોઈએ. ભગવાનની પ્રસન્નતા માટે તે કરતા જ રહેવું જોઈએ. સાધના દ્વારા જે શક્તિ મળે તેનો ઉપયોગ પણ તેણે ભગવાનની સૃષ્ટિના હિત માટે જ કરવો જોઈએ. એ રીતે પોતાની સાધના કે તપશ્ચર્યા ભગવાનને અર્પણ કરી શકાય. આનું નામ સંન્યાસ. સંન્યાસ લેવા માટે કાંઈ ઘર છોડવાની કે વેશ બદલવાની જરૂર નથી. મન, વચન ને કાયાને પ્રભુની સૃષ્ટિના કામમાં લગાડો; મન, વચન ને કાયાથી પ્રભુની પ્રસન્નતાને માટે કામ કરો ને જીવનની નાનીમોટી બધી પ્રવૃત્તિને પ્રભુની સાથે જોડી દો, એટલે સંન્યાસનો આનંદ મળી જશે. યોગનું રહસ્ય પણ પછી સમજાઈ જશે. કર્મના બંધનમાંથી મુક્તિ મળશે ને પ્રભુની પરમ કૃપાનો અનુભવ થશે. પ્રભુનું દર્શન પછી દૂર નહિ રહે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.