શૂરવીર સેનાની આવો,
મુક્તિના પેગામો લાવો;
શંખનાદ છે વાગ્યો આજે દિવ્ય હિમાલય પાર,
ઢીલ કરો છો હવે તમે કાં ? રિપુને મારો માર !
ના કરો લગારે વાર !
નાના મોટા બધાય આજે,
કૂચ કરો આઝાદી કાજે;
દુશ્મનનાં ધાડાં આવે છે, ધરી રૂપ વિકરાળ,
ઢીલ કરો છો હવે તમે કાં ? રિપુને મારો માર !
ના કરો લગારે વાર !
પંજાબી, બંગાળી આવો,
આસામીઓ ભેળા થાઓ !
રાજસ્થાની, મરાઠી અને ગુજરાતી નરનાર,
મદ્રાસી સૌ હાથ મિલાવી રિપુને મારો માર !
ના કરો લગારે વાર !
આભ ધરામાં નાદ જગાવો,
દુશ્મન દળને દૂર ફગાવો;
અહાલેક કરતાં કૂચ કરો કરવા જયજયકાર;
ઢીલ કરો છો હવે તમે કાં ? રિપુને મારો માર !
ના કરો લગારે વાર !
- શ્રી યોગેશ્વરજી

