મારા દેવોને દુર્લભ દેશ હે, લડી લે રણમોજાર !
શાંતિ તણી તું સોડ તાણીને, સૂતેલો વરસોથી આજ,
આજ તોડી તારી નીંદરડીને, આવ્યો શત્રુનો અવાજ.
જાગ્યાં વીર નરો ને નાર ... મારા
વિશ્વશાંતિની વાતો કીધી ને વેરીને પાયો પ્રેમ,
ઠાર્યા હુતાશન સૃષ્ટિતણાં તેં, ચાહીને સૌનું ક્ષેમ.
આજે દ્વારે જાગ્યા અંગાર ... મારા
હિંમત છે તારા હૈયામાં ભારે, નીડરતા તારે પ્રાણ,
સામનો કરવા થનગન થાયે, જનતાકેરા જાન,
સ્વાર્પણ કેરી ના છે વાર .... મારા
ચોક્કસ તારો વિજય થવાનો, ભાગ્ય છે તારું મહાન,
આગે બઢીશ તું આગે ને આગે, સંસ્કૃતિ તારી મહાન.
થવાની આક્રમકોની હાર ... મારા
- શ્રી યોગેશ્વરજી

