દેવપ્રયાગ
તા. ૧૦ નવે. ૧૯૪૬
પ્રિય ભાઈ,
અરવિંદ વિશે થોડુંક લખ્યું હતું. તેમના શરીરના પરિવર્તનનો અર્થ તે શું કરે છે તે તો તે જ જાણે. બાકી હું તે વિશે જે વિચાર ધરાવું છું તેમાંથી કંઈક ગયા પત્રમાં લખ્યું છે. અહીં વધારે લખું છું. આપણે જોઈએ છીએ કે કેટલાય માણસો પોતાને જ્ઞાની કહે છે, છતાં તેમને શરીરનાં કષ્ટ હોય છે. વ્યાધિથી તે પ્રભાવિત થતા હોય છે. આપણે ત્યાં એક વિચારધારા એવી છે કે જ્ઞાની એ પોતે બહ્મ છે ને જગત પણ બહ્મ છે એ ભાવનામાં સ્થિતિ કરવી જોઈએ. તાવ આવે, રોગ થાય, તો તે શરીરને છે, પોતાને નથી, એમ માનીને સહન કરવું જોઈએ. એટલું જ નહિ, કેટલાક તો શરીરને ઔષધિની જેમ અન્ન આપી તેને જલદી ખતમ કરવામાં જ માને છે. તેમને મન પોતાના પૂર્ણ આત્મસ્વરૂપની સ્થિતિ માટે શરીર એક અંતરાયરૂપ છે.... આ વિચારોની સામે એક બીજો વિચાર છે. શરીર એ બાધા નથી, બલ્કે તેથી ઈશ્વરદર્શન થઈ શકે છે, આત્મલાભ પણ થાય છે, ને અનેક વસ્તુ સાધી શકાય છે. તેથી તે ખૂબ જ ઉપયોગી છે. તે ઈશ્વરનું-આત્માનું મંદિર છે. તેને સુંદર, સ્વચ્છમાં સ્વચ્છ, ચિરસ્થાયી રાખવું જોઈએ. તેની પ્રત્યે ઘૃણા કરવાની નથી, પરંતુ પ્રેમ કરવાનો છે. કેમ કે ઘૃણા કયી વસ્તુ પ્રત્યે કરવાની હોય ? સાચો જ્ઞાની તો જગતને તેમજ શરીરને પણ બ્રહ્મમય જુએ છે. ઈશ્વર વિના તેને મન કંઈ છે જ નહીં. તો તે ઘૃણા કોની કરે ? બાધા કે અંતરાયરૂપ કોને માટે ? તે ઉપરાંત જે યોગી છે તેને વિશે પણ આવું જ છે. યોગી પ્રાણ તેમજ મન પર પૂરો કાબૂ પ્રાપ્ત કરે છે. એટલું જ નહિ; શરીર પર પણ તેનું સ્વામિત્વ થઈ જાય છે. કામ, ક્રોધ વગેરે જડ ને આસુરી સંપત્તિને જેણે જીતી નથી તે વાસ્તવિક રૂપમાં મહાત્મા નથી; તેમ જેણે પ્રકૃતિ પર સ્વામિત્વ મેળવ્યું નથી, મન તેમજ પ્રાણ ને શરીરના ગુણધર્મોને જે વશ છે, તે પણ પૂર્ણ યોગી નથી જ. મુક્ત ને પૂર્ણમાં ભેદ છે. આત્મદર્શન થઈ જાય કે જ્ઞાન થઈ જાય, અથવા સમાધિ થાય, તેથી માણસ મુક્ત થઈ રહે છે. પરંતુ કેટલાય આત્માઓનો વિકાસ આટલો થાય છે ને તેઓ તૃપ્ત થઈ બેસી જાય છે. વિકાસનો નિયમ એવો પણ છે કે માણસે નારાયણ થવું જોઈએ. ઉપનિષદ કહે છે કે બ્રહ્મવિદ્ બ્રહ્મૈવ ભવતિ (બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ થઈ જાય છે). તેના અર્થ બે છે ને મે હમણાં કહી તેવી બંને તર્કધારાને લાગુ પડે છે. આત્મજ્ઞાન થઈ જાય એટલે શાંતિ મળે છે. માણસને અનુભવ થાય છે કે તે મૂળરૂપે બ્રહ્મ જ છે, અને શરીર છૂટતાં તે વિરાટ બ્રહ્મમાં મળી જાય છે. જ્ઞાનના પ્રભાવથી તેના સંકલ્પ-વિકલ્પ ખાખ થઈ જાય છે, ને તેથી તેનો જન્મ થતો નથી, કેમ કે સંકલ્પ જ પુનરાવૃત્તિનું કારણ છે. આ એક પ્રકારના જ્ઞાની. બીજા પ્રકારના જ્ઞાની આત્મલાભ થયા પછી પણ અટકતા નથી. તેમની ઈચ્છા શરીર પડે પછી તેને વિરાટ બ્રહ્મમાં મેળવી દેવાની હોતી નથી. તે તો કહે છે કે ના, શરીર પણ બ્રહ્મ છે. માટે તે ખરેખર બ્રહ્મમય, મરણ જેવા પ્રકૃતિના ગુણધર્મથી પર થવું જોઈએ. ગોરખનાથ તેમજ બીજા કેટલાય યોગીઓ હજી છે. બુદ્ધ, જ્ઞાનેશ્વર જેવા અનેક સંતો પોતાના વ્યષ્ટિરૂપને કાયમ રાખી હજી પણ રહે છે. મારાં અનુભવથી આ કહું છું. તેમના શરીરને કાળ કે સમયની અસર નથી. તેઓ મુક્ત જ નહિ પરંતુ પૂર્ણ યોગીશ્વરો છે. એમ કહીએ કે તે ઈશ્વર જ છે. પણ વિભિન્ન સ્વરૂપે રહે છે. આજે પણ જે ઉચ્ચ કક્ષાના સાધકો કે મહાત્માઓ છે તેમની પાસે તેઓ આવે છે, માર્ગદર્શન તેમજ ઉત્સાહ આપે છે, સૂચના આપે છે. આ તેમનું કાર્ય છે. ને જ્યારે આ પૃથ્વી પર ભયંકર ગરબડ ઉત્પન્ન થાય છે ત્યારે તેમાંના એકાદ કે કેટલાક અલગ શરીર પણ ધારણ કરે છે, લોકકલ્યાણ કરે છે, ધર્મનો પ્રસાર કરે છે, ને સમય પર અદૃશ્ય થાય છે. આ બીજા પ્રકારના યોગી છે.
મને આ બીજો પ્રકાર વધારે ગમે છે, ને તેમાં જ મને વિકાસની પૂર્ણાહુતિનું દર્શન થાય છે. આ યોગીઓને અનેક સિદ્ધિ-આકાશમાં ઊડવું, અનેક રૂપ લેવાં, ધારે તે કરવું વગેરે પ્રાપ્ત થાય છે. આ કાંઈ કપોળ કલ્પનાઓ નથી. આજે ઘણાં સાધકો સિદ્ધિને સાધવામાં બાધા માને છે, પણ તે ઠીક નથી. જેમ સૂર્ય પાસે પ્રકાશ તેમ મહાત્મા પાસે, યોગી પાસે, આ યોગબળ હોવું જ જોઈએ. તેનો ઉપયોગ કરવો કે કેમ તે તેના હાથમાં છે. બાકી શક્તિ તો જોઈએ જ. નહિ તો સાધારણ માણસમાં ને તેનામાં વધારે ભેદ શો ? સિદ્ધિ સામે સૂગ રાખ્યે હવે ચાલશે નહીં. હવે તો તેની પૂરી પ્રાપ્તિ કરવી જરૂરી છે. હા, તેમાં આસક્ત ના થવું જોઈએ. સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરવો ના જોઈએ. બાકી માનવકલ્યાણ માટે એક સિદ્ધિસંપન્ન યોગી કેવું મહાન કાર્ય કરી શકે ? આજે વિજ્ઞાનની તાકાત પ્રબળ છે. યોગની આવી દૈવી શક્તિ વિજ્ઞાનને નમાવી શકે, શસ્ત્રોને નિરસ્ત્ર કરી શકે, અશક્ત કરી દે, ને વિશ્વમાં કલ્યાણ કરી દે. જીવનથી છૂટવું એ જ કાંઈ સાધના નથી, એ તો ‘એસ્કેપ ફ્રોમ લાઈફ’ - ભાગવું છે. શરીર સુંદર છે. જગત સુંદર છે. જીવવામાં જ આનંદ છે એ તત્વજ્ઞાનની ભારતને જરૂર છે. હા, કશામાં આસક્તિ ના જોઈએ. ઉપરાંત અત્યાર સુધીના ઘણાં યોગીઓએ સમાજથી દૂર રહેવામાં જ શ્રેય માન્યું હતું. સેવાને તે ઠીક સમજતા નહીં. જેમણે કર્યું છે તેમણે પણ ન છુટકે અથવા ખાસ ઈચ્છાથી નહિ, પણ થઈ ગયું માટે કલ્યાણનું કામ કર્યું છે. અલબત્ત જેના લલાટમાં જેટલું લખાયલું હોય છે તેટલું જ તે કરી શકે છે, પરંતુ તાત્પર્ય એ છે કે એ વિચાર હવે જરૂરી નથી. અત્યારે તો કરુણામૂર્તિ બુદ્ધ થવાની જરૂર છે. યોગ કે ધર્મ દ્વારા પેલા મહાત્માઓએ જગતને બહુ જ ઓછું શાશ્વત એવું આપ્યું છે, તેને લીધે યોગ હજી રહસ્ય ગણાય છે, ને તદ્દન નિરુપયોગી તેમ જ ગાંડાનું શાસ્ત્ર મનાય છે. મહાત્માઓનો આદર પણ આજે દુનિયામાં ઓછો છે. તેનું કારણ આ ઉદાસીનતા જ છે. પણ ભારતે જીવવું હશે અને આ મરવા પડેલી દુનિયાને પણ જો પ્રેમ તેમ જ દયાનો મંત્ર આપી જીવાડવી હશે તો આ વિચારનો ત્યાગ કરવો પડશે. જે યોગી દુનિયાનાં દુ:ખ જોઈ આંસુ ના સારે તેને માટે શું સમજવું ? જે દયામૂર્તિ, પ્રેમમૂર્તિ મહાત્મા વેરઝેરથી ભરેલા જગતને જોઈ કંપી ન જાય તો તેને માટે શું ગણવું ? ભારતમાં આજે ગાંધીજીના પ્રાકટ્યથી સત્ય ને અહિંસા જેવા તત્વ પર તેમજ ચારિત્ર્ય પર પ્રેમ ઉત્પન્ન થયો છે, પરંતુ તે ગણ્યાગાંઠ્યામાં જ. ઈશ્વરને તો હજી તેઓ માનવા તૈયાર નથી. ધર્મને શોખ સમજે છે. તેમ જ અહિંસા પણ જીવનની આવશ્યકતા, ઉચ્ચ જીવનની કસોટી નહિ, સ્વરાજ્ય માટેની એક ટેકનીક-યુક્તિ જ માને છે. આ વસ્તુ ખૂબ ભયંકર છે. ગાંધીજી જો ખસી જાય તો ભારતનું ભવિષ્ય ખૂબ જ અંધકારમય બને તેવો સંભવ છે. આ ના થાય ને ઈશ્વરનો મહિમા જગતમાં વધે તે માટે બુદ્ધ જેવા એક મહાન યોગીની ભારતને જરૂર છે. જો આવા યોગીની યોગશક્તિ દ્વારા ભારત સુખી તેમ જ સ્વતંત્ર થાય, તેમ જ દુનિયાના શાસ્ત્રગર્વિત દેશોનો દંભ તૂટે તો ખૂબ લાભ થઈ શકે. એક તો જગત સાધનાનું મહત્વ સમજે. યોગને એક આવશ્યક વસ્તુ તરીકે અપનાવે. સારાયે વિશ્વના દેશો કોઈ પણ દેશની બીક વિના ભ્રાતૃભાવ તેમ જ સ્વતંત્રતાના પાયા પર જીવવાનું શરૂ કરે, તેમ જ એક નવી લહર બધે ફેલાઈ જાય.
એટલે કેવલ મુક્ત યોગીની નહિ પણ સિદ્ધ યોગીની આજે જરૂર છે. જડવાદમાં જીવનારી ને વધારે ને વધારે આસક્ત થતી જનારી દુનિયાને માટે તે વિના શાંતિનો કોઈ આરો મને જણાતો નથી. જેમ શોધો વધશે તેમ લાલસા પણ વધતી જ જશે, ને કોઈ પ્રજા સુખપૂર્વક રહી શકશે નહીં. એક માત્ર આ જ ઉપાય છે કે આધ્યાત્મિકતાના સિદ્ધાંતો પર જગતનું ઘડતર થાય. પણ આધ્યાત્મિક જીવન કે ઈશ્વરની મહત્તાને આજનું જગત ત્યારે જ સ્વીકારશે, જ્યારે તે દ્વારા તેની વિષમ પરિસ્થિતિનો ઉકેલ થાય.
આ જ પ્રમાણે ભક્તે પણ આખર સુધી વળગી રહેવાની જરૂર છે. વિરહમાં જ સર્વ કાંઈ સમજવું ઠીક નથી. દર્શન કરવું જ જોઈએ અને એવી ભક્તિ કેળવવી જોઈએ કે હર સમયે ઈશ્વરદર્શન થઈ શકે. એવું નથી કે પ્રેમ ઈશ્વરમાં જ હોય : કોઈ દેવતા કે ગુરુમાં પણ હોઈ શકે છે, પણ તે આવો તીવ્રતમ જોઈએ. આમાંથી પણ અનેક પ્રકારની શક્તિ પ્રકટે છે.
એટલે કેવળ વાચિક જ્ઞાનથી કે સર્વ કાંઈ મિથ્યા સમજવાથી કશું વળવાનું નથી. મિથ્યા શું છે ? જ્યાં ઈશ્વર વિના કંઈ જ નથી, જે છે તે તેનું જ પ્રતિરૂપ છે, ત્યાં મિથ્યાપન ક્યાંથી આવી શકે ? સર્વ કાંઈ સત્ય જ છે, પરંતુ જે દૃષ્ટિથી તમે જુઓ છો તે અર્થમાં જ તે સત્ય નથી. અત્યારે તમે સ્ત્રી પુરુષ....પ્રત્યેક વસ્તુમાં ભેદ જુઓ છો....આ દર્શન મિથ્યા છે. જે કેવલ ઈશ્વર છે, સુંદર છે, સત્ય છે, સનાતન છે ને મંગલ છે, તેનાથી ઉલટું જોવું તે અજ્ઞાન મિથ્યા છે ને તેનો જ ત્યાગ કરવાનો છે. વાચિક જ્ઞાનથી સાચી શાંતિ વળતી નથી. રોટલી રોટલી બોલવાથી કોઈની ભૂખ કેવી રીતે મટી શકે ? તેવી જ રીતે હું બ્રહ્મ છું, ઈશ્વરમાં ને મારામાં કાંઈ ભેદ નથી, એમ માત્ર બોલવાથી કેમ ચાલી શકે ? રોગ તો તેને થાય છે, તેનું મન પણ ત્યારે દુઃખાય છે, તેનામાં કાંઈ જ શક્તિ નથી, વાર્ધક્યનો પણ તેના પર પ્રભાવ છે, કોઈ તામાચો મારે તો તેને વાગે છે, બધું જ કાર્ય થાય છે, આ અવસ્થામાં તે પૂર્ણ બ્રહ્મ ક્યાંથી હોઈ શકે ? મહાત્મા પુરુષોની શરીર મનની ક્રિયાઓ ચાલે છે, પણ તેમાં ને આવા લોકોમાં આભ જમીનનું અંતર હોય છે. તેમનો શરીર પર પૂરો કાબુ હોય છે. જેમ પરિપક્વ (સૂકા) નારિયેળની છાલ તેની અંદરના ગર્ભથી બિલકુલ પૃથક હોય છે. તેમ આ મહાત્માઓના આત્મા પણ શરીરથી અલગ હોય છે. માટે જ શૂળી પર (વધ સ્થંભ પર) ચઢેલા ઈશુને કાંઈ જ ઈજા થઈ નહોતી. તેના શરીરને જલાવી દો તોય તેને કાંઈ કષ્ટ થતું નથી. અનલહક (હું ઈશ્વર છું) એમ પોકારનાર એક મહાત્માની ચામડી ઉતારી લેવામાં આવી હતી. છતાં તેણે આખર સુધી અનલહકની ધૂન ચાલુ રાખી હતી. આ જ સાચું જ્ઞાન છે. કેવલ જ્ઞાન નહિ, પરંતુ વિજ્ઞાન. આ જ્ઞાની પૂર્ણ જ્ઞાની કહેવાય છે. તેનામાં ને ઈશ્વરમાં કાંઈ ભેદ હોતો નથી.
એટલે ભક્તિ, યોગ તેમજ જ્ઞાનના માર્ગ આખરે એક બની જાય છે. અનુભવ થતાં આખરી તત્વ એ જ નીકળે છે કે નર નારાયણ બને છે. આ જ સાધના છે, સાધનાનો આદર્શ છે.
હમેશાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ. તેથી માણસ પોતાની ત્રુટિઓ જોતાં શીખે છે, ને ધીરેધીરે જીવનને દૈવી કરી દે છે.

