દેવપ્રયાગ
તા. ૬ નવે. ૧૯૪૬
પ્રિય નારાયણ,
તારો પત્ર વાંચીને આનંદ થયો.
ભાઈ, આ જગતમાં વિવેકાનંદ જેવા મહાપુરુષની નિંદા કરનાર પણ થઈ ગયા છે ! સર્વધર્મ પરિષદમાં જ્યારે તેમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી હતી, ત્યારે તેમની સામે આ જ દેશના લોકોએ ધૂળ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો સુકરાત ને ઈશુની દયા અંત સમયે કેવી થઈ ! પરંતુ મહાપુરુષમાં ને પ્રાકૃત માણસમાં અહીં જ ફેર પડે છે. એક વાર જે સત્ય જણાયું, જેનો હૃદયથી સ્વીકાર કર્યો, મહાપુરુષો તેને દૃઢ મનથી છેવટ સુધી વળગી રહે છે. એટલું જ નહિ, તેને માટે ગમે તેવો ભોગ પણ આપવો પડે તો હસતે મુખે આપી રહે છે. ગમે તેવો વિરોધ તેમને પોતાની સત્ય નિષ્ઠાથી ડગાવી શકતો નથી. જે વિરોધથી ડરે છે ને સત્યને છોડી દે છે તે કાયર છે. દુનિયામાં તે કંઈ જ કરવા સમર્થ નથી. જેનામાં સત્ય છે, આત્મવિશ્વાસ છે, ને નિ:સ્વાર્થતા તેમ જ પવિત્રતા છે, દુનિયાની એવી કોઈ તાકાત નથી જે તેની સામે ઝુકી ના પડે.
ભાઈ, તારો પ્રેમ જોઈ ખૂબ ખૂબ આનંદ થાય છે. ધન્ય હો તારા જેવા મહાન આત્માને ! આ જગતમાં યથાર્થ રીતે તે જ મહાન છે, પ્રેમના આસન પર પ્રતિષ્ઠિત થઈને જે પ્રાણીમાત્રને પ્રેમમય જોઈ શકે છે. જેના અંતરમાં સર્વ પ્રત્યે ઊંડી સહાનુભૂતિ છે, જે સત્યને સમજે છે, અપનાવે છે, ને જીવનમાં ઉતારે છે. તારું હૃદય ઘણું મહાન છે, તેમ જ તારું શરીર પણ મહાન કાર્યમાં સહભાગી થવા સર્જાયેલું છે એ મને હંમેશાં લાગે છે. તું એક નિત્યમુક્ત વર્ગનો આત્મા છે. આજે તું સંસારમાં ભલે રહેતો હોય, ને સંસારમાં રહેવું કાંઈ ખરાબ નથી....સંસાર તને કંઈ જ કરી શકશે નહીં. ભગવાનની કૃપાથી સરસ્વતી જેવી દેવી તને સહયોગિની મળી છે. તારી આંખ જોઈને મને ૧૬-૧૭ વર્ષની ઉંમરથી કોઈ વીતરાગ યોગીની યાદ આવતી જે મેં વારંવાર કહ્યું પણ હશે; ને આજે પણ મારી આગળ તે જ ભાવના રમી રહી છે. તારા જેવા આત્મા આ સંસારમાં બહુ જ વિરલ કાળે આવે છે, ને જ્યારે આવે છે ત્યારે કોઈ વિશેષ હેતુની પરિપૂર્તિ માટે જ આવે છે. તેમને કાંઈ સાધનાની લાંબી કસરત કરવાની હોતી નથી. દૈવી સંપત્તિને લઈને જ આવે છે. અતૂટ વિશ્વાસ, તીવ્ર ને લોખંડી શ્રદ્ધા, સરલ હૃદય, ઊંડો ભાવ ને એક મહાન ભક્તમાં દેખાતી સમર્પણની ભાવના, આ બધું તેમનામાં એવું નિરાળું હોય છે કે આખરી પૂર્ણાવસ્થાના અનુભવ માટે તેમને એક મિનિટની જ વાર લાગે છે. આ માટીમાંથી તું બનેલો છે. મને લાગે છે કે જે મહાન આત્માઓ મારા કાર્યમાં યોગ દેવાના છે તેમાં સૌથી પ્રથમ ને મહત્વનો એક તું છે. ને જ્યારે જોઉં છું ત્યારે તારામાં જે છે તે ક્યાંય જણાતું નથી. બીજામાં છે, પણ તારામાં જે છે તે જુદું જ છે, તદ્દન ભિન્ન છે, ને મને તે વધારે પ્રશંસનીય ને સુંદર લાગે છે. આટલા માટે જ તારો પરિચય જીવનમાં આટલો વહેલો થયો હતો.
શ્રી અરવિંદ વિશે જાણ્યું. ખરેખર હજી તે એક રહસ્ય જ છે. મારી સમજ પ્રમાણે તેમના વિચારમાં તદ્દન મૌલિકતાપૂર્ણ નવીનતા નથી. કેવળ શિક્ષાની અસર હોવાથી તેમની ભાષા ભભકભરી છે. અત્યાર સુધીના યોગીઓમાંના ઘણાએ મન કે પ્રાણ પર જય કરી વિશેષ સિદ્ધિ મેળવી હતી. એ ખરું છે. પરંતુ શરીર તેમ જ મન કે પ્રાણને પૂર્ણરૂપે પલટાવવાની જે વાત અરવિંદ કરે છે તે નવી નથી. તેમના ‘સુપરમાઈન્ડ’ ના સિદ્ધાંત વિશે પણ તેવું જ છે. નાથસંપ્રદાય તેમ જ હઠયોગમાં યોગી શરીર, મન ને પ્રાણનો જય કરી તેને આમૂલ પલટાવી દે છે એટલે કે ચિન્મય બનાવે છે. હઠ યોગની વિશેષતા જ આ છે. તને કદાચ ખબર નહિ હોય કે શ્રી રામકૃષ્ણદેવને કાલિ દર્શન થયું પછી તેમનું શરીર પલટાઈ ગયું હતું, ખૂબ જ પ્રકાશમય બની ગયું હતું. જ્યારે તેમણે 'મા'ને તે પ્રકાશ લઈ લેવા પ્રાર્થના કરી ત્યારે અંતે શરીર પૂર્વવત થઈ રહ્યું. ચૈતન્ય મહાપ્રભુ, સિદ્ધ યોગી સુંદરનાથજી વગેરે આવા જ સિદ્ધ યોગી હતા. હું તો માનું છું કે કેવળ ઈશ્વરદર્શનથી જ બધું રૂપાંતર થઈ શકે છે. પરંતુ ઈશ્વરનો સાક્ષાત્કાર પ્રત્યેકને ભિન્નભિન્ન રૂપે થાય છે. કેટલાકને સ્પષ્ટ નથી પણ થતો, તેવાને માટે સાધના કરવી શેષ રહે છે. નહિ તો ઈશ્વર મળ્યા પછી કયી વસ્તુ શેષ રહે ? નરસિંહ ભગત, તુકારામ ને એકનાથને શી કમી હતી ? ચૈતન્ય મહાપ્રભુ કે મીરાંને કયી બીજી સાધના કરવી પડી ? અલબત્ત, પ્રત્યેકના આદર્શ ભિન્ન હોઈ શકે છે, ને અરવિંદ મૂળ યોગી છે, તેથી તેમની ભાષામાં તારા કહ્યા પ્રમાણે સુવિકસિત માનસ જરૂર દેખાય છે.

