Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગ
તા. ૩૦ નવે. ૧૯૪૭

વહાલા નારાયણ,

આનંદ આનંદ પરમાનંદ. પરમશાંતિ. આજનો દિન એક પર્વદિન થઈ ગયો. કેટલા દિવસો, અરે વરસોની ચિંતા, રોજ રોજની અંતરને કોરી ખાનારી જૂનીપુરાણી તીવ્રતમ વેદના, ભયંકર ગડમથલ ને દર્દ, બધું જ દૂર દૂર થઈ ગયું !

તને થશે આ શું ? તું કલ્પી શકીશ પણ ખરો ? આજે વધુ નહિ લખું, કેમ કે આવી વાતો લખવાની નથી, પ્રત્યક્ષ મિલન સમયે વ્યક્ત થઈ જાય તો થવા દેવાની છે.

ઈશ્વરે મારા પોકારને સાંભળી લીધો છે, પૂરો સાંભળ્યો છે, ને મારી ઈચ્છા તેણે પૂર્ણ કરી છે. તેની કરૂણા મારા પર વરસી ગઈ છે, ને જીવન ધન્ય બન્યું છે. મારી ચિંતા કેવલ મારે માટે ન હતી; મારે જ માટે વિકાસ કરવાનો ને તે માટે રડવા, મથવા કે સહવાનો મારો પ્રયાસ કે માર્ગ કદી રહ્યો નથી. હું તો વ્યક્તિગત શાંતિ ઉપરાંત ભારત ને સમસ્ત સૃષ્ટિની ઉન્નતિ ને સુખસમૃદ્ધિ તેમજ શાંતિને ચાહું છું. આ જ મહાન આદર્શ માટે મારી કેટલાય વખતથી વેદના ને કરૂણાત્મક અશાંતિ છે જે વારંવાર પત્રોમાં મેં સૂચિત કરી છે. આજે મારા તરફથી તેના નિવારણ માટેની સાધના પૂરી થાય છે એ કેટકેટલા આનંદની વાત છે ! આ બતાવે છે કે મારો આદર્શ જેમ પહેલાં અનેક વાર કહ્યું છે તેમ ઈશ્વરી આદર્શ ને ઈશ્વરી પ્રેરણા છે, ને તેથી જ તે પૂર્ણપણે સફળ થવા માટે જ છે, એમાં લવલેશ શંકાને સ્થાન નથી.

*

આને માટે મેં કેટકેટલું સહ્યું ? એકાંતમાં હૃદયને કેટકેટલું મથ્યું ? શરીર, સગવડ, સલામતી ને જીવનનીયે પરવા કર્યા વિના, તેની તરફ જોયા વિના, કેવલ લગન, ધૂન, વેદના, મહાત્વાકાંક્ષા, આદર્શ ને સમસ્ત માનવજાતિ પ્રત્યેના પરિપૂર્ણ વિરાટ પ્રેમથી પ્રેરાઈને કેટકેટલું સહ્યું ? કેવા કેવા સાધનમાર્ગ ને ક્રમમાંથી પસાર થયો ? ને અંતે અહીં પહોંચ્યો. આધ્યાત્મિક ઈતિહાસમાં આ એક અમર અને અનન્ય દૃષ્ટાંત છે. તેની પાછળ ઈશ્વરની જ કૃપા છે. મારો પ્રયાસ, મારું મંથન, મારો માર્ગ, બધું સર્વ સાધારણથી ગૃપ્ત રહે એ જ જરૂરી છે, ઠીક છે, ને તેથી આજે પ્રકટ કરવાની જરૂર નથી. પરંતુ એટલું કહીશ કે છેલ્લા ૩-૩॥ વરસથી મેં આ માટે કેટલાય સ્થળે પ્રવાસ કર્યો, વિવિધરૂપે મથ્યો, ને અંતે બધું થયું મારી જ અંદરથી અને એ જ રીતે થતું આવ્યું જે રીતે મેં સ્વયં વિચારેલું, નક્કી કરેલું ને ચાહેલું. આમાં ઈશ્વર વિના કોઈ સ્થળનો, કોઈ બાહ્ય વ્યક્તિનો સહકાર મને કામ ના લાગ્યો. કેવલ ઈશ્વર જ મારો પથપ્રદર્શક કે સફલતાપ્રદાયક બન્યો. કેટલી આનંદપ્રદ ને સુંદર વસ્તુ છે આ ! હવે વધારે નહીં લખું. મળીશું ત્યારે વિસ્તારથી વાતો કરીશું. આ પત્રને તદ્દન ગુપ્ત રાખવાની જરૂર છે.

*

કેટલું અલૌકિક છે આ કાર્ય ! કેટલો મહાન છે આ સફળતાનો આનંદ ! ખરેખર કોઈ સાધારણ માણસ હોત તો તેનું તો મગજ જ આવી સફળતાને પામીને નહિ, સાંભળીને જ ખસી જાત. પરંતુ મારે માટે તો કંઈ જ નથી. હું તો પૂર્વવત મારી સમસ્ત લાગણીઓને શાંત ને સંયમિત કરીને બેઠો છું. કેમ કે મારે માટે આ એક સ્વાભાવિક ક્રમ છે, અનેક દિનનાં મંથન, ચિંતા, પ્રયાસ ને પરિશ્રમ તથા ઉત્સાહપૂર્વકની લગનનું ફળ છે. ને તેથી તે મારે માટે બરાબર છે. સાધારણ પુરુષને આવી પ્રાપ્તિ, અરે તેનું સ્વપ્ને ક્યાંથી ? વળી મારે મન તો આ બાળક સુલભ વસ્તુ છે. આમાં કંઈ વિશેષ ચમત્કૃતિ મારે મન નથી, કેમ કે મારો સ્વભાવ તેને અનુરૂપ જ છે. ઉપરાંત મને થાય છે કે મેં તો આ મહાન સાફલ્ય દ્વારા મારો ધર્મ જ બજાવ્યો છે, આ જગતમાં આવીને મારી જે ઈચ્છા, પ્રેરણા, આદર્શ હતો, તેને જ મૂર્તિમાન કરવા પ્રયાસ કર્યો છે, ને તેથી પણ મને આનંદનો અતિરેક થવાનું કંઈ કારણ નથી. આનંદની વાત છે કે આજે તે ફળે છે, મારી જ અંદરથી ને ઈશ્વરી કૃપા દ્વારા ફળે છે. ને આજે હું ફરી કહું છું કે દુનિયામાં આપણું જીવનકાર્ય ખૂબ ખૂબ ઉજ્જવલ ને તદ્દન નૂતન છે. સંસારમાં આપણે હવે શાંતિ પ્રસારનું આપણું ઈપ્સિત માર્ગનું કાર્ય કરી શકીશું. હવે આપણો માર્ગ સ્પષ્ટ છે. ઈશ્વર આપણી સાથે છે, પછી આપણને ડર કોનો છે ? પહાડ આપણી સામે તૂટી પડશે, સાગર માર્ગ કરશે, ને પ્રારબ્ધ આપણી પાછળ પાછળ ચાલશે. મારા હૃદયની ઊંડામાં ઊંડી શ્રદ્ધા આજે ગદગદ્ કંઠે હું વ્યક્ત કરું છું કે ઈશ્વરના નામ પાસે કંઈ જ અશક્ય નથી. તેની કૃપા પાસે કંઈ અસાધ્ય નથી. મનુષ્ય પામર, ક્ષુદ્ર ને હડધૂત એ માટે છે કે તે ઈશ્વરને ભૂલ્યો છે, પોતાને ભૂલ્યો છે, ને જે તદ્દન ક્ષણિક, નીરસ, અંશમાત્ર છે તેમાં કીટ બની પડ્યો છે. પ્યારા પ્રભુનો જય હો !