Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરોડા
તા. ૫ સપ્ટે. ૧૯૪૮

પ્રિય નારાયણ,

પત્ર આજે મળ્યો. આનંદ થયો. લાંબા વખતથી લથડી પડેલી તબિયત હવે ઠેકાણા પર આવશે એમ જાણી આનંદ વધુ થાય છે. બસ, તાવ જાય એટલે થયું. અશક્તિ તો લાંબા વખતની માંદગીને લીધે જરૂર રહે જ. પણ હવે ખૂબ સારી સંભાળ લેવાથી શક્તિ આવવા માંડશે. આ માટે સારાં હવાપાણી, પથ્ય ને સાત્વિક તેમ જ શુદ્ધ ખોરાક ને કુદરતી વાતાવરણ તેમ જ તે બધાંની સાથે દિલને શાંતિ ને આનંદ આપે તેવા સરસ સહવાસની અત્યંત જરૂર છે. સહવાસ સારો હોય તો મન ખૂબ પ્રફુલ્લિત રહે ને ખાનપાનની શુદ્ધિ શરીરમાં જોમ ભરે, એ દૃષ્ટિએ બંને વસ્તુ મહત્વની છે. આ માટે બ્રહ્મપુરી જેવા સ્થળે કંઈક સમય રહેવાનો વિચાર થાય તો તે ખૂબ સુંદર ને આવકારદાયક છે. પહેલાં શરીર, પછી કામ. શરીર હશે તો બધું જ થઈ રહેશે. ને ઈશ્વર ખૂબ દયાળુ છે. તેની પરમ દયા આપણાથી હરેક પ્રસંગે ને તરત સમજી શકાતી નથી. તેની દયાથી સૌ સારાં વાનાં થશે. આજે આર્થિક રીતે તમારે ખૂબ સહેવું પડ્યું હશે, પરંતુ ઈશ્વરને વરસાવવું હશે તો તે ન જાણે કેવી બારી ખોલી નાખશે ને અર્થ કે સુખની વૃષ્ટિ પણ કરશે. જે સત્યશીલ છે, પવિત્ર છે, ને ઉદાત્ત વર્તન ને ધ્યેયવાળા છે, તેમને જગતમાં કદી કષ્ટ હોતું નથી. ને કોઈ કર્મ કે સંસ્કારવિશેષના યોગથી બાહ્ય રીતે કંઈ કષ્ટ પડતું પણ લાગે તો પણ અંત તેનો સુખદ જ હોય છે, ને સત્યશીલ પુરુષો પોતાનાં સત્ય, પ્રેમ, પવિત્રતા ને વિચાર દ્વારા સુખશાંતિ સદા મેળવતા હોઈ તેવે પ્રસંગે પણ ઈશ્વરમાં જોડાઈ રહેલું તેમનું ચિત્ત સુખ જ અનુભવે છે. આ જ સાચું સુખ છે.

બેન સરસ્વતીના લખાણ પરથી જાણવા મળે છે કે અત્યારે પિતાજી પણ ત્યાં જ છે. તેમને મારો ખૂબ ખૂબ પ્રેમ જરૂર પહોંચાડજે. તેમનું સુદૃઢ શરીર, ઉન્નત ભાલ ને દયાભર્યું મુખ મારી આંખ સામે તરે છે. ખરેખર તે એક યોગ્ય પિતા છે. બ્રહ્મપુરીના આ વખતના સંસર્ગમાં તેમની વધારે નજીક આવી શકાયું. તેમનો પ્રેમ કેટલો અપાર ને તેમનું હૃદય કેટલું વિશાળ છે ! તેમના ઘણાખરા શબ્દો મને ખૂબ યાદ આવે છે. તેમને અત્યારે કંઈક માનસિક દુ:ખ હશે. પણ મારું તેમને આશ્વાસન છે કે જે અગ્નિપરીક્ષામાંથી તમે બધાં છેલ્લાં થોડાં વરસોથી પસાર થઈ રહ્યા છો તેમાંથી તમે જરૂર અણુશુદ્ધ પાર ઉતરશો ને ઈશ્વર હંમેશ માટે તમારું કૌટુંબિક મંગલ કરશે. માતાજી પણ કેવાં પ્રેમાળ છે ! તેમને પણ દેશમાં મારો પ્રેમ પહોંચાડશો.

ઘણા સમયથી પથારીમાં પડ્યા રહેવું પડ્યું એટલે હવે તો કંટાળો આવ્યો હશે. શું થાય ? ઈશ્વરની લીલા અપાર છે. પણ દરેક વસ્તુમાં કંઈ ને કંઈ મંગલ રહસ્ય રહેલું હોય છે એમ માની શાંતિ મેળવવી. સમય ના જાય તો પથારીમાં પ્રભુસ્મરણ કરતા રહેવું. એથી ચિત્તને શાંતિ મળે છે. ઈશ્વર જેવો આધાર બીજો કોઈ નથી. જે તેને પકડે છે તેને કદી કષ્ટ નથી. જે તેના નામમાં ને પ્રેમમાં તરબોળ કે મસ્ત થઈ ગયા તે સદા માટે ધન્ય થયા, ને પ્રત્યેક પરિસ્થિતિમાં તેના રહીને આનંદી જ રહ્યા એ પ્રસિદ્ધ જ છે. તુકારામનો ગૃહક્લેશ છતાં તેમાં સતત ચાલતી તેની ભક્તિની ભાગીરથી ધારા; હરિશ્ચંદ્રની અનંત કષ્ટ વચ્ચે વહેતી સત્યની અપૂર્વ નિષ્ઠા; ને ભગવાન રામકૃષ્ણદેવની અંતિમ રૂગ્ણ અવસ્થામાં પણ પરોપકારને માટે ચાલતી ઉપદેશની અનંત વાગ્ધારા, આ બધાં તેનાં અમર ઉદાહરણ છે. આ જ જગતની એક માત્ર આધ્યાત્મિક પુંજી છે, જેમાંથી અનેક શ્રદ્ધાસંપન્ન ભક્ત જીવો પોતાની પ્યાસ શમાવે છે ને જીવનમાં શ્રદ્ધા, વિશ્વાસ, અડગતા બધું મેળવે છે. ખરેખર, કોઈપણ દશામાં સત્ય ને આદર્શ તેમ જ ઈશ્વરનિષ્ઠા ના જવી એ ઉત્તમ જીવનનું રહસ્ય છે.

આજની દુનિયા યંત્રવાદી છે. બહારની વસ્તુને વધારે પૂજનારી છે. સત્ય, ઈશ્વર ને આદર્શની તે એટલી પૂજક નથી. માનવતાથી તે દૂર ને દૂર જતી ચાલે છે. આને પરિણામે શું થાય છે તે આપણે બધાં જોઈએ જ છીએ. પરસ્પર વિદ્વેષ, સત્તાલોલુપતા, વૈભવ ને ભોગની ભૂખ ને વિષયવૃત્તિની અદમ્યતા; યુદ્ઘ, અસત્ય, ઉત્પાત આ બધાં તેનાં પરિણામ છે. આવા જગતમાં પ્રકૃતિ પણ વિપરીત બને જ ને ? પરિણામે વૃષ્ટિના અભાવ, અસહ્ય તાપ, એવું એવું આપણે જોઈએ છીએ. સંસારના આજના અનેક જટિલ પ્રશ્નો-લગભગ બધાય-આ જ કારણથી ઉદભવ્યા છે ને વધ્યા છે કે માનવ માનવતાથી દૂર ને દૂર જતો થયો છે, આસુરી સંપત્તિ વધી છે, જડની પૂજા વધી છે, ને માનવ કોણ, શા માટે ને ક્યાં એ વાત વિસરાઈ ગઈ છે. બાકી તો જે સંહાર આપણે જોયા છે તેથીયે ભયંકર સંહાર હજી શેષ છે. કેમ કે કર્મના ફળ મળે જ છે. માણસ જે કરશે તેવું જ તેને મળશે. કુદરતી જીવન, સત્યમય ને પવિત્ર પરોપકારી જીવન એ જ ઉપાય છે, ને ઈશ્વરી પ્રકાશમાં પગલાં ભરવાં એ જ માર્ગ છે. દુનિયા જેટલું વહેલું આ સમજી લે તેટલું સારું છે. તે વિના સંસારમાં શાંતિ નથી. ને શાંતિ, સમૃદ્ધિ તથા સુખના જે યુગમાં આપણને ઈશ્વર લઈ જવા માગે છે તે યુગ આવો જ છે. તેમાં હરેક મનુષ્યે સત્વપ્રધાન થવું જ પડશે. અલબત્ત, તેમાં જડની ઉપેક્ષા નહિ હોય, પણ જડની પાછળ માણસ જડ ના બની જાય તે જોવાશે. જડની માણસ ઉપાસના ન કરે, પરંતુ ઈશ્વરને જ ઉપાસે, ને જડનો પોતાના મંગલ માટે ઉપયોગ કરે.

માતાજી કુશળ છે. તે તમને બધાંને કેમ ભૂલે ? રોજ યાદ કરે છે. તેમનો પ્રેમ તો તું જાણે છે. તા. ૨૫ થી મેં અહીં ૯ દિનના ઉપવાસ કરેલા જે તમને કોઈએ લખ્યું નથી. ને તે પૂર્ણ થતાં થોડા દિન ભારે ચિંતામાં ગાળી. કંઈક વાંધો આવતાં તે ઉપવાસ ફરી ઊભા થયા, ને આજે બરાબર છેલ્લા ૩૧ દિવસથી સતત ઉપવાસમાં છું. આ દિવસો દરમ્યાન અન્નાદિ લીધું નથી એટલે શરીર પર અસર થઈ છે. છતાં દશા ચિંતાજનક નથી. ઈશ્વર જેનો પ્રેરક ને રક્ષક છે તેને કદીયે શી ચિંતા ? હજી આ ઉપવાસ કેટલા ચાલશે તે ઈશ્વર જ જાણે છે. પણ જલદી તેનો નિકાલ 'મા' લાવી દેશે એવી શ્રદ્ધા છે. આ વખતે નિશ્ચિત પ્રાપ્તિ પછી જ ઉઠવાનો મારો નિરધાર છે, ને 'મા' તે કૃપા કરી પૂર્ણ કરશે જ એ શ્રદ્ધા છે. તેની દયા વિના આવાં કાર્ય થતાં નથી કે આવાં વ્રત થતાં ને ટકતાં નથી. જે કષ્ટ, ચિંતા, વેદના હું વેઠી રહ્યો છું ને ભૂતમાં મેં વેઠ્યાં છે, તેની કલ્પના કોઈને આવી શકે તેમ નથી. સાધારણ માણસનું ત્યાં ગજું નથી. ઈશ્વરની કૃપા છે. ને મારી પોતાની પરિપૂર્ણ શાંતિ ને પૂર્ણતા જ નહિ, પરંતુ પરિપીડિત સંસાર ને માનવતાના મંગલ ને પરમ કલ્યાણને માટે જ હું આ બધું કરી ને વેઠી રહ્યો છું. સંસારને કંઈક કામ આવવાની, ને વિરાટ રીતે કામ આવવાની મારી ઈચ્છા છે. 'મા'ની કૃપાથી આજે હું તપું છું, ને તપીશ કે વેઠીશ, પરંતુ ભાવિમાં તેનાં ફલથી સંસાર આનંદ કરશે એ નક્કી છે, કેમ કે એ મારી વર્ષોની નેમ છે. આ તો મેં તને પણ આટલા લાંબા કાળે એટલા માટે જણાવ્યું કે ખૂબ પ્રેમ ને ઈચ્છા હોવા છતાં કેવા સંજોગોમાં હું ત્યાં આવી શક્યો નથી ને અહીં જ ટક્યો છું. વ્રતમાંથી ઊઠ્યા પછી પણ શરીર ખૂબ સંભાળવું ને સુધારવું રહેશે તેથી (ને બીજે સ્થળે આવા સરસ ગ્રામજીવનનો અભાવ હોવાથી) ઓછામાં ઓછા ૧૦-૧૫ દિવસ તો અહીં રહેવું જ પડશે.