સરોડા
તા. ૨૩ ઓકટો. ૧૯૪૮
પ્રિય નારાયણ,
તા. ૨૦ નો પત્ર મળ્યો. તે પહેલાંનો પત્ર તા. ૧૦ નો મને હજી મળ્યો જ નથી. તબિયત હવે સુધારા પર છે તે જાણી આનંદ થયો છે. મારા વ્રત સંબંધી ઘણું ઘણું કહેવાનું છે પણ તે આવા પત્રમાં લખવું શક્ય નથી. મૌખિક રીતે જ તે વિશે વાત થઈ શકે. હાલ તો એટલું જ લખીશ કે ૩૮ દિવસ પછી મારા ઉપવાસ પૂરા થયા છે - બરાબર ૧૧ સપ્ટે. ને દિવસે. ઉપવાસ છૂટ્યા છે પણ કાર્ય શેષ રહે છે તેથી પ્રયાસ રાત-દિન ચાલુ જ છે ને થોડો સમય રાહ જોઈ જરૂર પડતાં મારે ફરી ઉપવાસ કરવા પડે તો તે પણ કરવાની મારી ઈચ્છા ને તૈયારી છે. કેમ કે ચાલુ કરેલું કાર્ય હવે વધારે વાર લંબાવવાની જરીય ઈચ્છા નથી. આ કાર્ય ખૂબ મહાન ને વિરાટ છે. પણ તેનો મહત્વનો ભાગ મેં પૂર્ણ કર્યો છે. હવે છેલ્લું જ અંગ શેષ રહે છે. આ અતિમહત્વનું હોઈ આવી પૂર્તિ માટે ઘણો સમય મારે વેઠવું પડયું છે ને મંથન લઈને ફરવું થયું છે. પણ તે ઈશ્વરની જ ઈચ્છા છે એટલે પરિપૂર્ણ થશે જ એમાં સંદેહ નથી. ને વહેલામાં વહેલા તેને પૂર્ણ કરી લેવાનો મારો મક્કમ નિરધાર છે.
શરીર અશક્ત ઘણું થયું છે. પણ કાર્યનું જે મહત્વ છે તેની પાસે તે વસ્તુ એટલી મહત્વની નથી. હવે આ સ્થળે પણ ખૂબ દિવસ થયા એટલે સ્થાનાંતરની ઈચ્છા ખુબ રહે છે. આમ તો રહેવાનાં સ્થળ ઘણાં છે પણ આજની અવસ્થામાં એવું સ્થળ જોઈએ જે મારે નજીકમાં ફરી ઉપવાસ કરવા પડે તો તે માટે અનુકૂળ હોય. હા, હજી એકાદ-દોઢ માસ અહીં જ જેમતેમ ચલાવવું હોય તો ચલાવી શકું. નહિ તો બીજો વિકલ્પ દેવપ્રયાગ ૧॥-૧ માસ માટે રહેવા જવાનો છે. ને તે માટે હું વિચારણા ચલાવું છું. જેમ થાય તેમ ખરું.
ઉપવાસ દરમ્યાન દુર્બળતા ઘણી જ થઈ ગઈ છે. પણ ઈશ્વરની દયાથી કંઈ ખાસ જણાયું નથી. માતાજી પણ કુશળ છે. તમે બ્રહ્મપુરી જવા વિચાર્યું તે ખૂબ સારું છે. ગામડાનાં હવા-પાણીથી ઘણો જ ફાયદો થઈ શકશે. આટલે નજીકથી જતા હોવાથી સ્વાભાવિક રીતે મળવાનું મન થાય. જો અનુકૂળતા થાય તો જરુર આવવાનું રાખવા વિનંતી છે. પિતાજીને પણ સાથે લાવશો. થોડો વખત અહીં મારી સાથે રહેશો તોય તબિયત સુધરશે.
નિઝામ-હૈદ્રાબાદની મહત્વની સમસ્યા તો આજે મોટેભાગે ઉકલી ગઈ છે. એટલું સારું થયું. ઈશ્વરનું સઘળું સહેતુક તથા મંગલ જ હોય છે.

