Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરોડા.
તા. ૩ ડીસે. ૧૯૪૮

પ્રિય નારાયણ,

તારો પત્ર મળ્યો છે. ડોશીમાના મરણ બાદ થોડીક વ્યાવહારિક મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. તેથી તરત પત્ર લખી શક્યો નથી. આજે બેન તારા અહીંથી અમદાવાદ ગઈ છે. અમારે પણ આજે જ નીકળવા વિચાર હતો. પરંતુ બે દિવસ પર રાજકોટથી મનુભાઈનો પત્ર છે. ને તેમાં લખ્યા પ્રમાણે આજે કે કાલે તે અહીં આવવાના છે. અહીં તે વધુમાં વધુ ૩ કે ૪ દિવસ રહેશે. એટલે અમે સાથે સાથે જ અમદાવાદ જઈશું. ને સાબરમતી રોકાવું પડશે તો ૭-૮ દિન રોકાઈ પછી માતાજી સાથે ઈશ્વરેચ્છા હશે તો હું મુંબઈ આવીશ. હવે માતાજીનાં પણ બધાં સાંસારિક બંધન તૂટી ગયાં છે. એટલે તે મારી સાથે જ રહેશે. તેમનાથી દેવપ્રયાગની ઠંડી અત્યારે સહન થાય નહીં. તે માટે શિયાળો આ બાજુ જ પસાર કરવા વિચાર છે. છતાં નક્કી વિચાર મુંબઈ આવ્યા બાદ કરીશું. દેવપ્રયાગવાળા ભાઈ રામદાસ ત્યાં આવે તો કહેશો કે હમણાં દેવપ્રયાગ જવા તે ઉતાવળ ના કરે. હું મુંબઈ આવું ત્યાં લગી તે ત્યાં જ રહે ને રોજ રામચરિતમાનસનો પાઠ કરે.