Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગ
તા. ૨૭ જુન, ૧૯૪૯

પ્રિય નારાયણ,

પ્રેમપત્ર મળ્યો છે. આનંદ થયો.

આ એકાંત પ્રદેશમાં રહીને મારું કાર્ય ઈશ્વરકૃપાથી ચાલ્યા કરે છે. ઘણાં વરસોથી હું એકાંતનું કષ્ટ ને સાધનાત્મક ચિંતા વેઠી રહ્યો છું. તેનો સુખદ અંત હવે તદ્દન નજીકના ભાવિમાં આવી જશે એમ લાગે છે. ઈશ્વરની દયા પાસે કશું જ અસંભવ નથી. તેને દ્વારે પોકાર કરે છે તેને તે જરૂર સાંભળે છે, ને સમય પર પૂરી રીતે સંતોષ પણ આપે છે.

હમણાં હમણાં અહીં આવ્યા બાદ મેં શ્રેષ્ઠ ને સારાં ગણાતાં દસ ઉપનિષદનું ગુજરાતી કાવ્યમાં ભાષાંતર કર્યું છે. ભાષાંતર ઘણું સરલ, સ્પષ્ટ ને સુંદર થયું છે. બરાબર એક મહિનો લાગ્યો. મૂળ સંસ્કૃતમાંથી વિચાર ને ચિંતનના એ પ્રવાહને સરલ ગુજરાતી-ને તે પણ ગુજરાતી કાવ્યમાં ઉતારવાનું કામ ખુબ અઘરૂં છે. તેમાં કેવલ સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ જ નહિ, પરંતુ ઊંચી અનુભૂતિ પણ જોઈએ છે. ઈશ્વરની આકસ્મિક પ્રેરણાથી તે કાર્ય શરૂ થયું, ને પૂરું પણ થઈ ચૂક્યું છે. ત્યાર બાદ હમણાં હમણાં ‘પ્રેમ સંગીત’ નામે લગભગ ૨૫૦ પંક્તિનો એક બીજો કાવ્યસંગ્રહ લખાયો છે. તેમાં ‘મા’ ના પ્રેમ ને મહિમાની સ્તુતિ છે. હવે પછી આ સંગ્રહને ગદ્યમાં લખવા વિચાર છે.

દેશની સ્થિતિ અત્યારે અશાંત છે. ભાવિમાં હજી અવ્યવસ્થા વધશે એમ લાગે છે. કારણ કે દેશમાં પ્રતિસ્પર્ધી ને વિધાતક બળો ખૂબ વધી પડયાં છે. સ્વાર્થ, લાલસા ને અધિકારની પાછળ સેવાની ભાવના છૂપાઈ ગઈ છે. છતાં બધીયે અશાંતિ કે અવ્યવસ્થા પર કાબુ મેળવીને આ મહાન દેશ નજીકના ભાવિમાં ફરી એક વાર સુખી, ઉન્નત ને મહાન થશે, ને જગતના સર્વ દેશોનું પ્રેરણાસ્થાન ને આધ્યાત્મિક ગુરુ બનશે, એ ધ્રુવ વાત છે. ભારતનો ઉદય સૂર્ય ઊગી ચૂકયો છે. તેનો પ્રકાશ વધારે ને વધારે તીવ્ર બનશે એ નક્કી છે.

આપણા જીવનમાંથી સત્ય, પ્રેમ, દયા, પરોપકારિતા જતાં રહ્યાં છે. તેને બદલે જૂઠ, કુડકપટ ને સ્વાર્થપરાયણતા વસ્યાં છે. આજે આપણા જીવનનો ઈષ્ટ દેવ ઈશ્વર નથી, ધન છે. ને તેને લીધે આપણું જીવન નૈતિક રીતે અધ:પતિત છે. આવા જીવનમાં ગમે તેટલા વૈભવ છતાં શાંતિ કે વ્યવસ્થા તેમ જ સલામતી હોઈ શકે નહીં. શાંતિ ને  સલામતી તો તેના જ જીવનમાં છે જેનો ઉપાસ્ય ઈશ્વર હોય, ને બીજી વસ્તુનો જેમાં જીવનની આવશ્યકતા તરીકે સ્વીકાર હોય. આપણા જીવનને નૈતિક ને આધ્યાત્મિક રીતે જેટલું ઊંચું કરીશું, ઈશ્વરના પ્રકાશે ભરવા જેટલા મથીશું, ટૂંકમાં, સાચા અર્થમાં જેટલા માનવ બનવા મથીશું તેટલાં જ સુખશાંતિ નજીક છે. આ સાચી ફિલસુફીથી આપણે ઘણા દૂર થઈ ગયા છીએ, એટલે આપણે માથે આફતો છે, ને હજી પણ એ આફતો દેશ કે જગત ને વ્યક્તિને માથે વધશે જ એમ લાગે છે.

મારું શરીર સારું છે.