if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરોડા
તા. ૨૬ નવે. ૧૯૪૯

પ્રિય ભાઈશ્રી,

તમારું એક કાર્ડ મળ્યું. છેલ્લે છેલ્લે દેવપ્રયાગ લખેલું કાર્ડ હજી મળ્યું નથી. ત્યાંથી પાછું ફરીને તે મને અહીં મળી જશે. મનુભાઈ (ચંપકભાઈ) નો પત્ર મને અહીં પહોંચી ગયો છે. અમદાવાદ આવીને પણ મેં તેમને એક પત્ર લખ્યો છે. હજી જવાબ નથી.

ત્યાં સૌ કુશળ હશે. બેન સરસ્વતીની તબિયત હવે કેમ રહે છે ? મનુનું સ્વાસ્થ્ય પણ સારું હશે. શહેરમાં જેમને ખુલ્લી હવા તેમ જ રહેવા માટે નિર્મલ વાતાવરણ મળતું નથી, તેમનું સ્વાસ્થ્ય ઉપર ઉપરથી સારું લાગવા છતાં ખરી રીતે સારું હોતું નથી. એવાં ઘણાં કુટુંબો હોય છે જેમને સૂર્યનાં દર્શન પણ લાંબા કાળ સુધી થતાં નથી. સ્વચ્છ ખાનપાન તો હવે કલ્પનાની જ વસ્તુ થઈ ગઈ છે. તે ઉપરાંત આજનું આપણું જીવન કેટલાક સુવાના ને ઉઠવાના તેમ જ ખાવાના કૃત્રિમ ને અસ્વાભાવિક નિયમો પર ચાલતું હોય છે. કુદરતી સાદું જીવન, સ્વચ્છ ખાનપાન ને હવામાન ભાગ્યે જ આપણને મળે છે. અને આપણા સ્વાસ્થ્યને વિકૃત કરવામાં આ ઓછો ભાગ ભજવતું નથી. ને તેથી જ જોઈએ તો ભારતમાં મૃત્યુ તેમ જ રોગનું પ્રમાણ વધારે દેખાય છે.

ગયા ઓગષ્ટ મહિનામાં મને જે ભયંકર ટાઈફોઈડ થયો તેનું મુખ્ય કારણ હિમાલયમાં મેં વર્ષો સુધી સહન કરેલું ખાનપાનનું કષ્ટ છે. શરૂશરૂમાં જ્યારે હિમાલય જવાનું થયું ત્યારે મેં અયાચક વ્રત લીધું હતું. ઉપરાંત હિમાલયની વસ્તી શ્રદ્ધા ને સક્રિય સેવાની ભાવનાથી રહિત હોવાથી, ઘણા દિવસો મારે છેક ભુખ્યા પણ કાઢવા પડ્યા છે. કાચા ચોખા ફાકીને કેટલાક દિવસ કાઢ્યા હશે ને પાંચ વરસ સુધી દાળ કે શાક તો મેં બનાવ્યું જ નથી. દૂધ ને ઘી તો જોવાનાં જ ક્યાંથી હોય ? આવા ખોરાક સાથે સાધનાના કપરા માર્ગમાં હું લાંબો વખત ઝઝૂમ્યો છું, અનેક સ્થળોમાં જુદાં જુદાં પાણી ને હવા વચ્ચે ફર્યો છું. છતાં પણ લાંબા કાળ સુધી સ્વસ્થ જ રહ્યો છું. તેનું મૂળ કારણ પ્રભુની કૃપા, નિયમિત વ્યાયામ અને આધ્યાત્મિક વિકાસ માટેનો મારો અબાધિત, અદમ્ય ઉત્સાહ ને પુરુષાર્થ છે. છતાં શરીરનો શ્રમ તો શરીરે કરવો જ જોઈએ ને ? શરીરને ટકાવવા ને સુદૃઢ રાખવા જે તત્વ જોઈએ તે જીવનતત્વ (વિટામીન) ખોરાક દ્વારા તેને ના મળતાં ને શ્રમ વધારે પડતાં તે બળવો કરે જ. છેલ્લા ૧॥ જેટલા વરસથી આની સૂચના મળતી'તી ને તેણે જ આ વખતે ભયંકર રૂપ પકડ્યું. ઈશ્વરની કૃપાથી તે ભયંકરતા દૂર થઈ ગઈ છે ને ભયંકરતાના દિવસોમાં પણ મન ઈશ્વરમાં જ અચલ રહ્યું છે એ કાંઈ નાનોસૂનો આનંદ ન હતો.

આપણા જીવનનું ધ્રુવ લક્ષ ઈશ્વરની પ્રાપ્તિ છે. ઈશ્વર એ યોગી પુરુષોના વિકાસમાં જે ‘પૂર્ણતા’ નો આદર્શ છે, તેનો પર્યાયમાત્ર છે. ઈશ્વરની પાસે પહોંચવાનો અર્થ એવી અવસ્થાએ પહોંચવાનો છે. જ્યાં આપણી શક્તિ, આપણું જ્ઞાન અને આપણો આનંદ તેમજ આપણું અસ્તિત્વ એટલે જીવન પરિપૂર્ણ બની જાય, તે વખતે આપણે સસીમ મટીને અસીમ બની જઈશું, ને પ્રકૃતિ તેમજ ઈન્દ્રિયોની પર આપણું સ્વામીત્વ આવી જશે. જીવન આપણે માટે રહસ્યવાદ નહીં બને, પણ ઇચ્છા પ્રમાણેનું ક્રીડાસ્થળ બનશે. સાકાર ઉપાસના દ્વારા, પ્રેમના બળથી ઈશ્વરને વ્યક્ત કે મૂર્ત કરીને પણ આપણે આ અવસ્થાની પ્રાપ્તિ કરી શકીશું. તે જ વખતે જીવન કૃતાર્થ થશે. આ પૂર્ણતાની પ્રાપ્તિ એ જ જીવનનો મહાનતમ આદર્શ છે, ને માનવશરીર એ જ આદર્શની પૂર્તિનું સાધન થવું જોઈએ.

આ માટે ગૌણ છતાં મહત્વના ધ્યેય તરીકે આજના જીવનમાં આપણે હૃદયશુદ્ધિ એટલે દૈવી સ્વભાવની પ્રાપ્તિ ને પ્રાર્થના જેવા મહત્વના નિયમોને સ્થાન આપવું જોઈએ. માર્ગ ઘણો મોટો છે. પણ બેસી રહીશું તો કંઈ નહિ વળે. એથી ઊલટું, ખૂબ વિચાર કરીને ને જરાય ભ્રાંતિ વિના, ક્રમે ક્રમે વધવાનું ચાલુ રાખીશું તો ગંતવ્ય સ્થાને એક વાર પહોંચી જઈશું એમાં શંકા નથી. આ દુનિયામાં માનવ માટે કશું જ અસાધ્ય કે અસંભવ નથી. માનવ ધારે તે કરી શકે છે. પ્રકૃતિના હૃદયમાં ઉતરીને, તેના ગુણધર્મને જાણીને, વિજ્ઞાન દ્વારા માણસે કેટકેટલું સિદ્ધ કર્યું છે ? અખંડ પુરુષાર્થ, ઉત્કટ ઈચ્છા ને મહાન ભોગનું એ પરિણામ છે. પણ વિજ્ઞાનની સાધના બાહ્ય જગતમાં કેન્દ્રિત બનેલી છે. તત્વજ્ઞાન કહે છે કે બાહ્ય જગત આંતર જગતનું જ પ્રતિબિંબ છે, ને તેથી આંતર જગત પર કાબુ મેળવો તો બાહ્ય જગત પણ તમારા હાથમાં આવી જશે. આ કાંઈ કલ્પના કે તરંગ નથી. પ્રાચીન ને અર્વાચીનકાળમાં અનેક મહાપુરુષો આ સત્યનું દિગ્દર્શન કરાવનારા થઈ ગયા છે, ને હજીયે છે, ને આજે કે ભાવિમાં પણ જે કોઈ ઈચ્છા કરશે ને પુરુષાર્થ દ્વારા આગળ વધશે, તે આ સત્યનો સાક્ષાત્કાર કરી શકશે. માનવ તુચ્છ પણ બની શકે છે ને વિરાટ પણ થઈ શકે છે. ધન, ધરા ને રમામાં જીવન સમાપ્ત કરીને ચાલ્યા જવું કે તેથી ના અટકતાં ઈશ્વરની પાસે પહોંચવાનું સ્વપ્ન સેવવું ને તેની પાસે પહોંચવું એ માનવની પસંદગીની વાત છે. જીવન ઘણું મહાન છે. તેમાં અનેક શક્યતા ને શક્તિ ભરી છે. ફક્ત જાગૃત થઈને તેનો વિચાર કરવો રહ્યો. ને વિચાર જો ખરેખર સમજપૂર્વકનો ને પુરુષાર્થથી પ્રેરાયેલો હોય તો તે શું નથી કરી શકતો ?

૧૫મી નવેમ્બરે દેવપ્રયાગ છોડ્યું તે દિવસ ભારતીય ઈતિહાસમાં મહત્વનો હતો. મહાત્મા ગાંધીજીનું ખૂન કરનાર ગોડસેનો તે ફાંસી દિન હતો. ફાંસીમાંથી છૂટવા ગવર્નર જનરલ સુધી આરોપીઓના કુટુંબી તરફથી પ્રાર્થના થયેલી. પરંતુ તે માન્ય થઈ નહીં. ભારતમાં જ નહિ, પણ અમેરિકા જેવા દેશમાં પણ આ સજા માટે લોકોને વિચાર ઉઠેલો. નહેરુજીને એક પ્રશ્ન પણ ત્યાં પૂછવામાં આવ્યો હતો, જેના ઉત્તરમાં તેમણે કહેલું કે ‘એક સાધારણ માણસના ખૂનીને પણ ફાંસીની સજા આપવામાં આવે છે તો મહાત્મા ગાંધીના ખૂનીને તો તે અપાય જ એમાં બેમત શું હોઈ શકે?

આ પ્રશ્ન જરા વિચારવા જેવો છે. સાધારણ માણસના ખૂનીને ફાંસી અપાય છે એ સાચું છે. પરંતુ મહાત્મા ગાંધીના ખૂનીને ફાંસી આપવી હોય ત્યારે વિચાર કરવો જોઈએ એમ લાગ્યા વિના રહેતું નથી. જો કે ફાંસીની સજા કાયદા દ્વારા મળી છે ને કાયદા દ્વારા તે જ સજા આવે એ દેખીતું છે, વળી ગાંધીજી હોત તો તે કાયદા દ્વારા કામ પણ ચાલવા ના દેત, કેમ કે તે ‘અતિ ભલા’ હતા. પરંતુ આ પ્રસંગમાં કામ ચાલ્યું એટલે સ્વાભાવિક રીતે જ તેનું પરિણામ સજામાં આવી શકે. પરંતુ તે સજા ફાંસીની જ હોય કે કેમ એ જ મુદ્દો વિચારવા જેવો છે.

ખરી રીતે તો સજા દોષિતને માટે દંડરૂપ હોય છે. પરંતુ ગોડસેને માટે તો ફાંસીની સજા દંડરૂપ નહીં પરંતુ પોતે કરેલા ખૂનના મહાન (?) કામને માટે આપવા પડનારા બલિદાનરૂપ હતી. ગોડસેએ ખૂન કરતાં પહેલાં જ મોતની તૈયારી કરી હતી. ખરી રીતે તો ગાંધીજીને ગોળી માર્યા પછી પોતે ગોળી ખાઈને મરી જવું એ જ તેનો વિચાર હતો. પરંતુ પકડાઈ જવાથી તેમાં તે ફાવી શક્યો નહિ. તે પછી પણ, અદાલતમાં તેણે કરેલા જાહેરનામામાં પોતે સ્વેચ્છાથી ગાંધીજીનું ખૂન કર્યું છે, તેને તે એક ધર્મ કે દેશસેવા માને છે, ને મૃત્યુને ભેટવા તે તૈયાર જ છે, એવું તેણે જાહેર કર્યું હતું. એટલે કાયદા દ્વારા તેને થયેલી સજા એ સજા નહિ, પણ તેના ને તેના સમર્થક કે પ્રશંસકોના મનથી ‘બલિદાન’ છે. સજા તો ત્યારે હોત જ્યારે તેને તેની ઈચ્છા વિરુદ્ધનો દંડ મળ્યો હોત. આ વિચારથી એમ કહેવું ઠીક લાગે છે કે સરકાર તેને કાયદા દ્વારા કામ ચલાવીને છોડી તો ના જ શકે, તે તો એકલા ગાંધીજી જ કરી શકે, પરંતુ ફાંસીને બદલે પશ્ચાત્તાપના કે બીજા અગ્નિમાં જલતા રહેવા તેને જન્મટીપની કે એવી આકરી સજા કરીને તેને સાચા અર્થમાં સજા કરી શકાઈ હોત.

દુનિયામાં ફાંસીની સજા પર પુનર્વિચારની જરૂર છે કેમ કે તેમાં ખાસ તથ્ય નથી. શરીરના અંતથી માનવનો અંત થતો નથી, તેના વિચાર મરતા નથી, ને બીજા જન્મમાં તે તે જ વિદ્વેષ, ભયંકર ભાવના વિગેરે લઈને આવે છે. એટલે આપણી સજાઓ સુધાર માટેની હોવી જોઈએ.

કોઈ પણ સજામાંથી છૂટા કરવાનું તો સરકાર માટે ત્યારે જ જરૂરી ગણાત જ્યારે ગોડસે ને આપ્ટે પોતાના કુ-કૃત્ય બદલ જાહેર પશ્ચાત્તાપ વ્યક્ત કરત, ફરી તેમ ના કરવાનું કબૂલત, ને જીવનનું પરિવર્તન કરવા તૈયાર થાત. તે વિના તો કોઈ પણ સરકાર સજા જ કરે એ દેખીતું છે. પરંતુ ફાંસીની સજા ના કરીને સરકાર બીજી સખત સજા દ્વારા તેમને ‘ખરી સજા’ કરી શકત એ જ મારે કહેવાનું છે. આખરે તો ‘ધાર્યું એક ધણીનું થાય’ એ જ ન્યાય છે.

પત્ર લખશો. માતાજી યાદ કરે છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.