if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગ
તા. ૬ જુન, ૧૯૫૦

પ્રિય ભાઈશ્રી,

પત્ર મળ્યો છે. સમાચાર જાણી આનંદ. હવે તો ગતિશીલ મુંબઈનું ગતિમય જીવન શરૂ થઈ ગયું ! એ મુંબઈના વાતાવરણમાં રહીને પણ અંતરના આધ્યાત્મિક સંસ્કારોને જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. તમને ખબર છે કે મારા આધ્યાત્મિક જીવનનો મૂળ પાયો મેં ત્યાં જ નાખ્યો છે. મુંબઈમાં રહીને જ આત્મનિરીક્ષણ કર્યું છે, ઈશ્વર પ્રાર્થના કરી છે, ને જીવનને શુદ્ધ તેમ જ દૈવી સંપત્તિવાળું બનાવવા પ્રયાસ કર્યો છે. વાતાવરણની અસર થાય છે એ સાચું છે, પરંતુ આ માર્ગમાં વાતાવરણ કરતાં આપણી પોતાની વિકાસની ઈચ્છા વધારે ભાગ ભજવે છે. આધ્યાત્મિક માર્ગે પ્રવાસ કરવાનો કે સત્યની શોધ કરવાનો એક વાર માનવે નિર્ણય કર્યો, એટલે ઉપકરણો તેને આપોઆપ મળી રહે છે. આધ્યાત્મિક જીવનનું તંત્ર ખૂબ વ્યવસ્થિત છે. તે જગતમાં એવા અનેક મહાપુરુષો છે જે દુનિયાને કોઈ પણ છેડે બેઠેલા છતાં આધ્યાત્મિક ઈચ્છા કરતા માનવીને મદદ પહોંચાડે છે. એટલે મુખ્ય વાત ઈચ્છાને જગાવવાની છે. જગાવીને તેને જીવાડવાની છે ને વધારવાની છે. આ માટે જેવા વાતાવરણમાં રહીએ તેવા વાતાવરણમાંથી માર્ગ કાઢવાનો છે. કેમ કે જીવન ચંચલ છે. પ્રવાહની જેમ સતત વહ્યે જાય છે. એટલો દાવ હાથમાંથી જતો જાય છે. જે સાધન જેટલું પણ થાય તેટલું અત્યારથી જ કરતા રહેવાનું છે. ને વધારેને માટે ઈશ્વરને પ્રાર્થવાનું છે. તે દયાળુ છે. ને જે સાચા દિલથી પોકારે છે તેને જવાબ આપે છે, તેમ જ માર્ગ કરી આપે છે.

ઈશ્વર વિના માનવને શાંતિ ક્યાં છે ? ને સૃષ્ટિનું સર્વ ઐશ્વર્ય મેળવે છતાં આત્માને ના જાણે-પોતાને ના ઓળખે, તો તેવા ઐશ્વર્યની કીંમતેય શી છે ? માણસની ખરી મહત્તા જીવનમાં વૃત્તિ ને સ્વભાવ કે વાસનાની જે પામરતા કે પશુતા છે, તેને દૂર કરી માનવ બનવામાં છે. ને એ પછી પોતાને ઓળખવામાં છે. આ વિના શાંતિનું દ્વાર સદાને માટે બંધ છે. જગતમાં સર્વ મનુષ્યો-જીવમાત્ર આ શાંતિ પ્રતિ જઈ રહ્યાં છે, શાંતિને ઈચ્છી રહ્યાં છે, વત્તે ઓછે અંશે માણી પણ રહ્યાં છે. પણ તે શાંતિ શાશ્વત નથી, ચિર કે અમર નથી. વળી તે બાહ્ય સાધનો-જેવાં કે સ્ત્રી, યૌવન, ધન, વિગેરે પર આધાર રાખે છે, એટલે તે સાધનો છૂટતાં માનવ અશાંત ને હતભાગ્ય થઈ જાય છે. તડકા ને છાંયડામાં માનવ ઝુલ્યા કરે છે, ને એકવાર વિશ્વના રંગમંચ પરથી અદૃશ્ય થાય છે. શું આ જ જીવન છે ? જીવનનો અભિનય ને આદર્શ, આટલો જ છે ? છેક ઉપનિષદ કાળથી આની વિચારણા આરંભાઈ છે, ને ભારતના મહાન સત્યશોધકોએ જીવનનો મહાન આદર્શ, શાંતિનો અમૂલ મંત્ર, માનવ જાતિ સમક્ષ ધર્યો છે. ‘આત્માને જાણો, શાંતિના ભંડાર પરમાત્માને જાણો, વિકાર ને વાસના પર વિજય મેળવો, સત્ય, પ્રેમ ને પવિત્રતાના આસન પર આરૂઢ થાઓ, ભેદભાવને દૂર કરો, ચરાચરમાં એક આત્મા જુઓ, સૌને પ્રેમ કરો, આત્માને ઓળખી અપાર શક્તિ પ્રાપ્ત કરો, મહાન બનો, શોક, મોહ, ભય, અલ્પતા ને મૃત્યુના સ્વામી બનો !’ ભારતીય સંસ્કૃતિની આ બુલંદ વાણી માનવમાત્રનો વારસો છે, ને આપ્તકામ, સત્યપ્રાપ્ત મહાપુરુષોની અનુભવભાષા છે. આજે કે આવતીકાલે, જ્યારે પણ માનવના દિલમાં શાંતિની ચાહ જાગશે, પોતાની અલ્પતાને તોડવાનો તરફડાટ જાગશે, ને પંખીની જેમ પામરતાના પીંજરમાંથી મુક્ત થવા માનવ છટપટાશે, ત્યારે આ વાણીનો આશ્રય તેણે લેવો જ પડશે. આ માર્ગે પ્રયાણ કરવું જ પડશે. આ ભાષાનો આશ્રય તેણે લેવો જ પડશે. કેમકે તે વિના બંધનથી મુક્તિનો કોઈ મારગ નથી. અસત્યમાંથી સત્યમાં, અંધકારમાંથી પ્રકાશમાં, મૃત્યુમાંથી અમૃતમાં-માનવના અંતરાત્માનો આ સર્જનજૂનો પોકાર છે. તે વિના માનવને-ને સમજુ માનવને શાંતિ ક્યાં છે ?

*

આધ્યાત્મિકતાના આ અમર સંદેશને જીવનમાં ઉતારી, તેમાંથી જાગેલા પ્રવાહને, ગંગાની જેમ જગતમાં વહાવવાની મારી નેમ છે. બુદ્ધની જેમ માનવ કલ્યાણની બોધિ-બૂટી મેળવી સૃષ્ટિના હિતમાં લાગવાનો મારો સંકલ્પ છે. ને એટલા જ માટે હિમાલયના ઉત્તુંગ શિખર વચ્ચે જુવાનીના અમૂલ્ય દિવસો વિતાવી રહ્યો છું. ઈશ્વરની પ્રેરણા, ઈચ્છા ને શક્તિ વિના આવું મહાન ને લોકોત્તર કાર્ય કેવી રીતે થઈ શકે ? ઈશ્વરની ઈચ્છા જ મારા નાનકડા દિલમાં રહીને કામ કરી રહી છે. ને તે ઈચ્છાનો પડદો મારી આગળથી હઠી ગયો છે. સતયુગનો હિમાલય ! આજે તો આ પ્રદેશમાં આમૂલ પરિવર્તન થઈ ગયું છે. ફલ, ફૂલ, ધનધાન્ય, કશું જ રહ્યું નથી. પરંતુ માનવમનની ઈચ્છા તો એની એ જ છે. સૃષ્ટિની નિયામક શક્તિ પણ એ જ છે. ને તેના જ બળથી સાધનાનો યજ્ઞ માંડી હું અહીં બેઠો છું. માનવે ચાહ્યું હોય ને તેને ના મળ્યું હોય તેવું કદી સાંભળ્યું છે ? ને તેમાંય જ્યારે ઈશ્વરી પ્રેરણા જ માનવ પ્રયાસના મૂળમાં હોય, ત્યારે તો કહેવું જ શું ? તેનો ભાર ઈશ્વર જ ઉપાડી લે છે એ નિર્વિવાદ છે. જે દિવસે આ યજ્ઞની પૂર્ણાહુતિ થશે તે દિવસ ખુબ ખુબ મંગલ હશે. હિમાલયનું ગૌરવ તેથી ખુબ ખુબ વધશે. તે દિનની મંગલ ઉષા હવે તો ખુબ ખુબ નજદીક હશે-છે.

*

એક ખાસ વાત મારા જાણવામાં આવી છે કે અરવિંદે શ્રી દિલીપકુમાર રોય પરના પત્રમાં તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા કરારની સફલતા વિશે શંકા વ્યક્ત કરી છે ને બંને વચ્ચે અથડામણ થશે જ એવી આગાહી કરી છે. આ વાત ‘અખંડ આનંદ’ દ્વારા મારા વાંચવામાં આવી છે. હું પોતે તો કરારને હાલની પરિસ્થતિમાં ઠીક પગલું માનું છું. છતાં અરવિંદે ભારતની રાજકીય પરિસ્થિતિ વિશે જે કહ્યું છે તે ઘણાનું-ખાસ કરીને શ્રી અરવિંદના પ્રશંસકો ને ભક્તોનું ધ્યાન ખેંચશે.

*

પૂર્વ બંગાલની વિકટ સમસ્યાથી પ્રેરાઈને ભારત-પાકિસ્તાને કરાર કર્યા તેનું પરિણામ હજી નજીકનું ભાવિ બતાવશે પણ હાલમાં જ અમેરિકા પ્રવાસમાં પ્રવચન કરી ચૂકેલા લિયાકતઅલીખાને પોતાની ભારત વિરોધી નીતિ પ્રવચનમાં ક્યાંક ક્યાંક સાફ રીતે જાહેર કરી છે. ભારત ને પાકિસ્તાન સંપથી રહે તે જરૂરી છે. ને બંને વચ્ચે શાંતિના કરારો થાય તે પણ આવકારદાયક છે. પરંતુ તે કરારોને નિભાવવાની ચોખ્ખી દૃષ્ટિ કે દાનત નહિ હોય તો પરિણામે કાંઈ જ અર્થ સરવાનો નથી.

ભાગલાનો સ્વીકાર કોંગ્રેસે વિવશ થઈને જ કર્યો છે. તેથી જે ઉદ્દેશ કે હેતુ સરવો જોઈએ તે સર્યો નથી. ઉલટું, આપત્તિ એક પછી એક વધતી જ ગઈ છે. ભારત કે પાકિસ્તાન કોઈનેય લાભ થયો નથી. અમુક મદાંધ કે સત્તાશોખીન નેતાઓની લાલસા તૃપ્ત થયા સિવાય ભાગલાનું બીજું શું ફળ આવ્યું છે ? ભારતની ભૌગોલિક એકતા અભંગ ને અખંડ છે. હિંદુ, મુસલમાન, શીખ, ખ્રીસ્તી બધા જ ભારતમાતાનાં બાળકો છે, ને ભારતમાતા બધાની છે.

આ માટે લોકોના હૃદયના પરિવર્તનની જરૂર છે. હિંદુ-મુસલમાનોએ સમજવું ને જાહેર કરવું જોઈએ કે સૌ એક જ ઈશ્વરનાં, એક જ ભૂમિનાં સંતાન છે. ને સૌએ આ દેશમાં પ્રેમશાંતિથી રહેવું જોઈએ. અલગતાની ભાવના લોકોના મનમાંથી દૂર કરવી જોઈએ.

એકતા બળજબરીથી થાય તેના કરતાં સ્વાભાવિક ક્રમથી થાય તે વધારે સારું છે. ને તેને માટે જનતાના દિલનું પરિવર્તન આવશ્યક છે.

હાલને તબકકે આપણો વધારે ઝોક બંને દેશો વચ્ચે મીઠા સંબંધ જળવાઈ રહે તે પ્રમાણે હોવો જોઈએ. ભાગલાની નાબુદી પ્રલાપ કરવાથી થશે નહીં ઉલટું, અત્યારના સમયમાં તેવા પ્રલાપ અનેક અનિષ્ટોનું કારણ થઈ શકે છે. એક રીત એ પણ છે કે ભારત ને પાકિસ્તાન વચ્ચે મીઠો સંબંધ તેમ જ સહકાર વધે તેવા પ્રયાસ કરવા. આનું પરિણામ બંને દેશોની જનતા પર થશે. એ બાહ્ય રીતે એક નહિ થાય તો પણ આંતરિક રીતે હૃદયથી એક બનશે. આ માર્ગ પાકિસ્તાનને રુચે તો સારું જ છે. બાકી તે પોતાની કૂટ તેમ જ વિરોધી નીતિ ચાલુ રાખશે તો કુદરત તેને લપડાક મારશે, ને પોતાની ગર્તામાં સમાવી લેશે. આ બેમાંથી કયા માર્ગે કાર્ય થાય છે તે તો ભાવિ જ કહેશે.

*

આજે બધા જ દેશો શાંતિ શાંતિનો જપ કરે છે, પણ વાસ્તવિક રીતે જોતાં તેમનામાં અશાંતિ જ વધતી જણાય છે. શાંતિના જપથી કે શાંતિની વાતો વહેતી મુકવાથી શાંતિ થવાની નથી. શાંતિને માટે પહેલી શરત તો એ છે કે તમે પોતે શાંતિ માટે ખરેખર આતુર છો ? તમને થશે કે આ શું ? શાંતિની ઈચ્છા કોને ના હોય ? પણ આ પ્રશ્ન વિચારવા જેવો જરૂર છે. કેમ કે એવી કેટલીય વ્યક્તિઓ છે જે શાંતિ કરતાં અશાંતિ વધારવામાં જ આનંદ ને ગૌરવ માનતી હોય છે. એટલે પહેલાં તો શાંતિની ભૂખ લાગવી જોઈશે. શાંતિને માટે દૃઢ પ્રતિજ્ઞ થવું પડશે. તે પછી બીજી વાત-બીજી શરત આવે છે. તે એ કે શાંતિ માટે સહકાર કરવો. જેમ તમારી શાંતિની તમને ઈચ્છા છે તેમ જગતમાં સર્વ શાંતિથી રહે એ તમારી ઈચ્છા ને અભિલાષા હોવી જોઈએ. તમારા રાષ્ટ્રની મર્યાદા તોડીને બહારના પ્રાદેશિક પ્રચાર માટે કે પ્રદેશ માટે પ્રકટ કે અપ્રકટ આક્રમણ કરતા હો ને શાંતિના સુર છોડતા હો તો તે પ્રલાપ થાય છે, ને તેથી શાંતિ સ્થપાવાની કે સચવાવાની નથી જ નથી.

વિશ્વના દેશોએ એકમેક સાથે સહકાર સાધવો પડશે, વિશ્વને એક કુટુંબ માનીને એકમેકની પડખે ઊભા રહેવું પડશે, ને સર્વે દેશોની ઉન્નતિ ને આઝાદી માટે મદદરૂપ થવું પડશે. રોટી ને વસ્ત્ર તેમજ આવાસની દૃષ્ટિએ સર્વ દેશો સુખી થાય તે દરેકે જોવું પડશે. ને આ ભૌતિક ઉત્કર્ષની સાથે સાથે માનવીના મનને સત્યમય, પ્રેમમય ને સેવામય બનાવી આધ્યાત્મિક માર્ગે વાળવું પડશે. આધ્યાત્મિક મૂલ્યોના આદર વિના કેવલ ભૌતિક ઉત્કર્ષને લીધે જગતમાં કાયમી શાંતિ થઈ શકશે નહીં. શાંતિ માટે માનવના મન ને હૃદયને પલટાવવાની ને કેળવવાની પણ જરૂર છે. ધિક્કાર, પારસ્પરિક ભેદભાવ ને દમન જ્યાં લગી માનવમનમાં ચાલુ હશે, ભય ને સ્વાર્થનું સામ્રાજ્ય જ્યાં લગી માનવ આત્માને પંગુ બનાવીને સર્વસત્તાધીશ થઈ બેઠું હશે, ત્યાં લગી શાંતિનું સ્વપ્નું સફળ થવાનું નથી. નીતિ ને ધર્મમય જીવનનો સ્વીકાર કરી જીવનને પરોપકારમય બનાવવાની જરૂર છે, ને આત્મજ્ઞાનના અભેદ સિદ્ધાંતો સમજી માનવ માનવ જ નહિ, પરંતુ જીવમાત્રની શાંતિ, સેવા ને કલ્યાણની શ્રદ્ધાને અચલ કરવાની છે. આધ્યાત્મિક તાકાતની આસપાસ ઊભેલી ભૌતિકતા જ માનવ તેમ જ જગતને સાચું સુખ આપી શકે છે.

આ વિરાટ કાર્યને માટે, માનવજાતિની સમક્ષ પડેલા આ મંગલ ભાવિને માટે, નેતાઓની કે દેશસેવકોની અથવા જુદા જુદા દેશના શાંતિવાદીઓની જવાબદારી ઓછી નથી. જેમના હાથમાં રાષ્ટ્રની લગામ છે, જેમના પર હજારો-લાખો-કરોડો લોકો જીવનની આશા રાખી રહ્યા છે, તેમની જવાબદારી ખૂબ ઊંચી છે. તેમની લાયકાત શી હોઈ શકે તેનો વિચાર કરવાનો છે. આજે તો સારી ભાષામાં ભાષણો કર્યાં, કોઈ પક્ષમાં જોડાઈ ગયા, એટલે ને તર્ક કે દલીલબાજી કરતાં આવડી એટલે ઘણા લોકો પોતાને નેતા માનતા થઈ જાય છે. પણ નેતાપદ એટલું સહેલું નથી, જેમના હાથમાં અનેકના ભાવિનો પ્રશ્ન છે તેમનામાં ઘણી ઘણી વિલક્ષણતા હોવી જોઈશે. તો જ તેમની દ્વારા લોકોને લાભ પહોંચી શકશે.

નેતા કોણ થઈ શકે ? હજારો લોકોના ભાવિનો નિયામક કોણ બની શકે ? જેના દિલને અનેકનાં દુ:ખ સ્પર્શતાં હોય, જેને સર્વ રાષ્ટ્ર પ્રત્યે-જગત પ્રત્યે પ્રેમ હોય. સૌની સુખાકારી ને ઉન્નતિ એ જ જેનો આદર્શ હોય. જેને ધન, સત્તા કશાનો સ્વાર્થ ના હોય. ગમે તેવા વિરોધમાં પણ જે દેશનો વફાદાર સેવક હોય. પ્રજાની સુખાકારીના માર્ગનું જેણે મનન કર્યું હોય, જેની પાસે તે માટે નિશ્ચિત યોજના હોય. આવા પુરુષો જ દેશ કે દુનિયાની શાંતિ સાધનામાં સફળ થઈ શકે. સૃષ્ટિમાં સૌનો ઉત્કર્ષ સાધી શકે. આવા મહાન પુરુષો દેશ ને દુનિયાને જેટલા વધારે પ્રમાણમાં મળશે તેટલા જ વધારે પ્રમાણમાં માનવજાતિ સુખી થશે એ ચોક્કસ છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.