if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરોડા
તા. ૮ ડીસે. ૧૯૫૨

શ્રીમાન ભાઈશ્રી ભાઈલાલભાઈ,

તમારો પ્રેમથી ભરેલો પત્ર મળ્યો છે. તમે પ્રેમથી યાદ કરીને મને સમાચાર લખ્યા તે આનંદનો વિષય છે. એક સંસ્કૃત કવિએ સંસારી પ્રાણીના સમાગમને સમુદ્રમાં તરનારાં લાકડાં સાથે સરખાવ્યો છે. આ સરખામણીનો ખ્યાલ પાણીમાં તરતાં લાકડાંને નજરે જોવાથી સારી પેઠે આવે છે. આવાં લાકડાંનું ઉપરાઉપરી દશ્ય હિમાલયમાં વધારે સારી પેઠે જોવા મળે છે. ત્યાં ગંગાજીમાં અસંખ્ય લાકડાંને તરતાં મૂકી દેવામાં આવે છે. ઠેઠ હરદ્વારમાં તેમને મુક્તિ મળે છે. એટલે કે ત્યાં બધાં લાકડાંને કાઢી લેવામાં આવે છે. આ લાકડાં જેમ કેટલીક વાર ભેગાં થાય છે, ને વળી છુટાં પડે છે, તેમ જીવમાત્ર આ સંસારના વિરાટ સાગરમાં પરસ્પર ભેગા મળે છે, ને વળી છુટા પડે છે. આ પ્રમાણે તે સંસ્કૃત કવિનું કહેવું છે. પરંતુ એટલી વાત નક્કી છે કે જીવમાત્રનું મિલન લાકડાંની જેમ આકસ્મિક થતું નથી. તેની પાછળ કંઈ ને કંઈ રહસ્ય જરૂર હોય છે. જેને આપણે લૌકિક ભાષામાં ઋણાનુબંધ કહીએ છીએ, તે તેની પાછળ જરૂર ભાગ ભજવે છે. તેમ જ બીજી વાત એ પણ છે કે છુટા પડેલા લાકડાંની જેમ જીવમાત્ર કોઈ પણ પ્રકારની સ્થાયી કે સૂક્ષ્મ અસર વિના છુટા પડતા નથી. પરંતુ પ્રત્યેક સમાગમ કે સંપર્ક પોતાની સાથે એક ચિરંતન કે અક્ષય સંબંધ સંસ્કાર ઉપજાવે છે, ને મનની પેટીમાં અમુલખ વૈભવ કે ખજાનો બનીને પ્રતિષ્ઠિત થાય છે. એટલે સમાગમમાં આવનારાં માણસો સ્થૂલ રીતે છુટાં પડે તો પણ સંસ્કારોની સૂક્ષ્મ દુનિયામાંથી કદી છુટાં પડતાં નથી. જેમ ફૂલ પોતાની પાછળ ફોરમ, વરસાદ અમી ને વસંત નવજીવનની પ્રેરણાને મુકી જાય છે, તેમ નાનામાં નાનો પ્રસંગ કે સમાગમ-જ્ઞાત કે અજ્ઞાતપણે પણ-પોતાની પાછળ સંસ્કારના અતૂટ અંકુરો મૂકી જાય છે. એટલે જ આપણો સમાગમ ચિરંતન રહેવાનો. ભલે બાહ્ય રીતે તેને કોઈ મદદ ના મળે તો પણ અંતરના અંતરતમમાં તે પોતાનું આસન જમાવી લેવાનો. બાગના બીજને જલસીંચન કરવામાં ના આવે તો તે નષ્ટ થવાનો સંભવ રહે છે ખરો, પરંતુ પ્રેમનો અંકુર તેથી વધારે બળવાન છે, ને તેને માટે એવી ભીતિ સેવવાની જરૂર નથી. માણસ પોતાની મેળે જ દાનવ કે યમ બનીને તેને જડમૂળથી ઊખેડી ના નાખે ત્યાં સુધી તેનો નાશ નહિ જ થવાનો એ ચોક્કસ છે.

મારા સમાગમથી તમને ને તમારા જેવા બીજાને, આનંદ આવ્યો તેનું કારણ તમારી ગુણગ્રાહકતા ને કદર કરવાની શક્તિ છે. તમારા સૌના પ્રેમને લીધે જ મારાથી ત્યાં આટલો લાંબો વખત રહી શકાયું. તમારો સૌનો પ્રેમભાવ સદા યાદ રહેશે. શ્રી મહાશંકરભાઈ, દાસભાઈ, પ્રદ્યુમ્નભાઈ, શાંતિભાઈ તથા ગોરધનભાઈ, સૌનો પ્રેમ અપાર હતો. સંબંધ જ્યારે નિસ્વાર્થ હોય ત્યારે જ પ્રેમની ખરી કસોટી થાય છે. તમારી કલમ ખૂબ જ સારી ચાલે છે. તેમાંથી ઘણાં ભાવવાહી ને સુંદર વાક્યો નીકળે છે. તમારાં સંસ્કાર પણ ઊંચા છે. તેનું પોષણ કરતા રહેજો તો આત્મિક વિકાસ વિના ગમે તેવું વૈભવી કે બૌદ્ધિક જીવન પણ લૂલું જ છે એ તો નક્કી છે. આ માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. માણસ ધારે તો થોડા જ વખતમાં ઈશ્વરકૃપા ને તે દ્વારા શાંતિ મેળવી શકે છે.

નડિયાદના ભાઈ અહીં આવશે તો આનંદ આવશે. પણ એટલું ખરું કે આ તદ્દન પછાત ગામ છે. આવા વાતાવરણમાં રહેવા ટેવાયા હોય તેને જ અહીં ફાવી શકે. એટલે આવાં ગામડામાં તે રહી શકે તેમ ના હોય તો મારે સાબરમતી જવાનું થાય ત્યારે પણ તે આવી શકશે. તે તેમની પસંદગીની વાત છે.

તમારો પ્રેમ કાયમ રાખશો, ને જીવનને દૈવી બનાવવાની સાધના શક્તિ પ્રમાણે ઉત્સાહ ને ધીરજથી કરશો. જીવન પૂર્ણતા કે ઈશ્વર પ્રાપ્તિ માટે છે એ વાત યાદ રાખીને તેને પરિપૂર્ણ કરવા સદાય સાધન કરવું એ જ શાંતિ ને સર્વ પ્રકારના સુખનું મૂળ છે.

માતાજી કુશળ છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.