નાસિક
તા. ૧૮ ઓકટો. ૧૯૫૧
પ્રિય ભાઈશ્રી,
તમે મોકલેલા ફોટા ને કેલેન્ડર મળ્યાં છે. બંને સુંદર બન્યાં છે. ઈશ્વરભાઈએ પ્રેમપૂર્વક સાહસ કર્યું તો તેનું ફળ પણ સારું જ આવ્યું છે. તે જોઈને તેમને પણ સંતોષ થયો હશે. ફોટા બાબત વાત પાછળથી પ્રત્યક્ષ મળતાં કરીશ.
અહીં આવતાં પહેલાં દેવપ્રયાગથી મેં તમને એક પત્ર લખ્યો હતો. તે તમને મળ્યો નથી તે જાણ્યું. અહીં આવ્યે અમને સાતેક દિવસ થઈ જશે. સ્થળ સારું છે. આજુબાજુનું વાતાવરણ પણ શાંત છે. એટલે પ્રભુની ઈચ્છા પ્રમાણે થોડા દિવસ અહીં રહેવું ગમશે. તે પછી મુંબઈ આવવાનું બની શકશે. અહીંથી મુંબઈ તદ્દન પાસે છે. પણ તમારે નોકરીનો વિચાર કરવાનો એટલે આવવામાં કંઈક અગવડ પડે. વળી મારે મુંબઈ આવવાનું તો થશે જ. એટલે ત્યાં મળવાનું જ છે. છતાં તમને અનુકૂળતા હોય ને રજાનો મેળ બેસી શકે તો ઈચ્છા થાય તો આવી જજો.
માણસની શક્તિ હિંમતપૂર્વક આગળ ને આગળ વધીને પુરુષાર્થ કરવાની છે. ને સાચા દિલનો પુરુષાર્થ સફળ થયા વિના રહેતો નથી એ નક્કી છે. સફળતામાં ભલે વિલંબ થાય, પણ માણસ જો કૃતનિશ્ચયી હશે તો તે મળશે જ એમાં સંદેહને સ્થાન નથી જ નથી. જગતમાં બુરા આશયોવાળા અસંખ્ય માણસો કાર્યસિદ્ધિ કરીને ફાવે છે, ને જગતમાં અનેક પ્રકારે આનંદ કરે છે, તો પછી ઈશ્વરી માર્ગના પ્રવાસીને કાર્યસિદ્ધિ ને આનંદ ના મળે એ બને જ કેમ ? હા, આત્મિક વિકાસમાં સંસિદ્ધિને વાર લાગે છે. કેમ કે તે કામ ભગીરથ હોય છે, ને તેનું ફળ પણ તેવું જ ભારે હોય છે. જે ફળની પ્રાપ્તિ થતાં માણસનું જીવન પૂર્ણ, સફળ ને કૃતકૃત્ય બની જાય ને ટૂંકમાં તે ઈશ્વરતુલ્ય બની જાય તે કેટલું અલૌકિક ને અંતિમ ફળ છે ! તેને માટે કેટલો ભોગ આપવો પડે ને ત્યાગ કરવો પડે !
વિઠ્ઠલભાઈને કામ મળ્યું કે નહીં ? દિવાળી પછી કામે ગોઠવાઈ જવાનું નક્કી થઈ ગયું છે એમ તેમણે લખ્યું હતું. હવે તે પ્રમાણે તે ગોઠવાઈ ગયા હશે. ઈશ્વરકૃપાથી તેમને હવે સારી તક મળે તો સારું. હૃદયને પત્થર જેવું કરીને આજ લગી તે તેમના માર્ગમાં મક્કમ રહ્યા છે તેનું ફળ પ્રભુ તેમને જરૂર આપશે. આ જગતમાં જે મજબૂત મનોબળના વીર માણસો છે તેમની સામે નિરાશાનો વંટોળ થોડા વખત માટે ઊડે છે. પણ તેની સામે મક્કમપણે ઊભા રહેતાં તે અદૃશ્ય થઈને આશા ને સુખસિદ્ધિનું ઉજ્જવલ પ્રભાત ઉઘડ્યા વિના રહેતું નથી એ પણ ચોક્કસ છે.
સંસારના વાતાવરણમાં હૃદયને શુદ્ધ કરી બનતું સાત્વિક બનાવવા ને મનને સ્થિર રાખવા બનતા પ્રયાસ કરવા જોઈએ. આની સાથે સાથે ઈશ્વરસ્મરણને જીવનમાં એક આવશ્યક ને નિયત સ્થાન આપવું જોઈએ. ઈશ્વરસ્મરણમાં અપાર શક્તિ રહેલી છે. તન અને મનનાં અનેક દરદોનું તે ઓસડ છે. પણ માણસો તેનો આશ્રય લેતાં નથી. ઈશ્વરના નામમાં પ્રીતિ કરવાથી માણસ બળવાન બને છે, ને સંસારમાં પ્રલોભનો ને ભયસ્થાનો સામે ટકી રહેવાનું બળ મેળવે છે. ઈશ્વરસ્મરણ માનસિક સ્થિરતા ને એકાગ્રતા માટે ઉત્તમ રસાયન છે. મૂળ વાત એ છે કે તે અંતરના અંતરતમમાંથી થવું જોઈએ. ઈશ્વરસ્મરણને જીવનની એક નક્કર આવશ્યકતા તરીકે સ્વીકારીને જીવનને તેથી રંગી દેવું જોઈએ. આ વિના આનંદ નથી. પરમ શાંતિની પ્રાપ્તિ પણ આ વિના થઈ શકવાની નથી. આ ભારતીય તત્વજ્ઞાનનો મહત્વનો દૃષ્ટિકોણ છે.
માતાજી તથા ચંપકભાઈ કુશળ છે. પત્ર લખજો અને અનુકૂળતા હોય તો નાશિક યાત્રાએ જરૂર આવજો.

