if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરોડા
તા. ૨ જાન્યુ. ૧૯૫૩

પ્રેમી ભાઈશ્રી,

તમારો પત્ર મળ્યો. સારો એવો વખત થઈ ગયો. તમારે ત્યાં પુત્રજન્મ થયો છે એ સમાચાર જાણ્યા. આના પરિણામરૂપ હવે તમે બ્રહ્મચર્ય પાળવાનો નિર્ણય કર્યો છે, ને તે માટે અલગ સુઈને જોઈતું મનોબળ મેળવી લેવાનો પ્રયાસ કરો છો તે બહુ આનંદની વાત છે. ખરું જોતાં તો આ વાત ઘણાં લાંબા સમય પહેલાંથી જ અમલમાં મુકાવી જોઈતી હતી. છતાં તમારી બંનેની માનસિક શિથિલતાને લીધે તેમાં વિલંબ થયો છે. મેં આમાં બંનેની માનસિક શિથિલતા એવો શબ્દ પ્રયોગ કર્યો છે. કેમ કે કોઈ પણ કામ-ખાસ કરીને સંયમ કે શારીરિક પવિત્રતાના ભંગનું-કોઈ એક જ માણસની ઈચ્છાથી થતું નથી. તેમાં બંને પક્ષની વત્તીઓછી ઈચ્છા હોય જ. તે વાત જવા દઈએ તો પણ હજી તમે બંને આ માટે ઈશ્વર પર શ્રદ્ધા રાખી પ્રયાસ કરશો તો ઈશ્વરની દયાથી સફલતા મેળવી શકશો. આ માટે કાયમ માટે અલગ સુવાનો નિર્ણય કરી લેવો જોઈએ. તે સાથે શરીરની ગંદકી ને નશ્વરતાનો તેમ જ સંયમપાલનથી થતા લાભનો ને તેના ભંગથી થતાં નુકશાનનો વિચાર કરતા રહેવું જોઈએ. આ શરીર હાડમાંસ ને મળનું પૂતળું છે. તેમાં કાંઈ જ રસ કે સુંદરતા નથી. માણસો કેવલ ઉપર ઉપરના આકર્ષને લીધે જ તેમાં લપટાય છે. પણ ઈશ્વર વિના બીજી કોઈયે વસ્તુમાં આસક્ત થવાથી જીવનનું સાફલ્ય મળી શકતું નથી, કે પૂર્ણતા ને મુક્તિની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. આ મહાન સત્યને સમજી તથા યાદ રાખી, તે પ્રમાણે ચાલવાનો પ્રયાસ કરનારાં માણસો આજે વિરલ જ દેખાય છે. તુલસીદાસને તેની સ્ત્રીએ મોહના અંચળાને ફગાવી દઈ, જે વીરતાભર્યો ઉપદેશ આપ્યો-ને જેને પરિણામે તુલસીદાસ રામમય બન્યા, તેવો ઉપદેશ પોતાના પતિને આજે કેટલીક સ્ત્રીઓ આપતી હશે, ને કોઈ આપતી હશે તો પણ તેને સાંભળનાર કોણ હશે ? વૈરાગ્ય ને ત્યાગ કે જ્ઞાનની વાતો મોઢેથી કરવી સહેલી છે, પણ તેનો આચાર ખરે જ કપરો છે. ને આચાર વિના જીવનનો આનંદ મળી શકતો નથી એ નક્કી વાત છે. આજની દુનિયામાં જાતીય આકર્ષણ કે શરીર ભોગની ભૂખ ઘણી જ વધી ગઈ છે, ને વધતી જ જાય છે. પંડિત, જ્ઞાની, સાક્ષર ને નિરક્ષર, આ બદીમાં સપડાયલા છે. પોશાક ને હલનચલનનો ઉપયોગ તે માટે જ થાય છે. હોઠને રંગવાનાં ને પાવડર જેવાં બીજાં સાધનો છુટથી પ્રચલિત થતાં જાય છે, ને કેટલેક સ્થળે તો વૃદ્ધાઓ પણ તેનો ઉપયોગ કરી બીજાને આકર્ષવા પ્રયાસ કરે છે. આ વૃત્તિ સ્વચ્છંદપણે વધતી જાય છે, ને તેને રોકવાનો પ્રયાસ કરવાની ખૂબ જ જરૂર છે. આવા કપરા વિલાસયુગમાં સંયમનું અસિધારાવ્રત લેવું એ ઈશ્વરની કૃપાનું જ ફળ છે. ભલે બીજાં માણસો ગમે તેમ કરે. થોડાક માણસો પણ સંયમશીલ બને તો તે વસ્તુ સમાજને માટે તેમ જ વ્યક્તિગત રીતે ખૂબ જ ઉપકારક થઈ શકે. તમે આ માટે પ્રયાસ કરો તો આનંદની વાત છે. પણ તે પ્રયાસને વળગી રહેજો. બીજાની સેવા કરવા ઈચ્છનાર કે આત્મિક ઉન્નતિ કરવા માગનાર પુરુષે મારી માન્યતા પ્રમાણે તો અપરિણીત રહી સંયમી બનવું જ ઉત્તમ છે. એના જેવો માર્ગ તો કોઈ જ નથી. પરંતુ જે પરિણીત હોય, તેણે બનતા સંયમ પાળી સંતાનોની સેનાને વધારવામાં નિમિત્ત ના બનવું જોઈએ. વધારે સંતાન એટલે વધારે ઉપાધિ, ને વધારે બંધન. માણસ તેમની જ ચિંતામાંથી મુક્ત ના થઈ શકે તો બીજાની સેવા માટે બધો જ સમય ને શક્તિ કેવી રીતે આપી શકે ? વળી શરીરના આરોગ્યની દૃષ્ટિએ પણ સંયમનું મૂલ્ય ઓછું નથી. ઉપરા ઉપરી સુવાવડથી સ્ત્રીનું શરીર નબળું ને કુરૂપ થતું જાય છે -સિવાય કે તદ્દન સશકત હોય. આજે તો દેશની વસ્તી વધતી જ જાય છે. એટલે પૂર્ણ સંયમનું પાલન દેશને માટે પણ હિતકારક જ છે.

હું તમને જે સૂચના આપું છું તે પ્રેમથી જ આપું છું. તેનો ભંગ થાય તેથી ડરવાનું કારણ નથી. તમારી ઈચ્છા જાગ્રત હશે, ને તે માટે પ્રયાસ પણ ચાલુ હશે, તો તમે સફળ થઈ શકશો. આ સંસારમાં પ્રયાસ કરનારને માટે કશું જ અશક્ય નથી તે યાદ રાખવું. આ માટે મનોબળ ઘડતા રહેવું જોઈએ, ને ઈશ્વર પ્રાર્થનાનો આશ્રય પણ લેવો જોઈએ. સારા ગ્રંથોનું વાચન-મનન પણ આમાં સહાય કરે છે.

તમારી નોકરી સંબંધી જાણ્યું. આ બાબત ઈશ્વર તમને યોગ્ય રાહ બતાવશે જ. એટલે ચિંતા ના કરશો. કેવલ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવાનું કામ ઘણું સારું છે. પણ જ્યાં સુધી તેની જરૂરી ભૂમિકા તૈયાર ના થાય ત્યાં સુધી કોઈ ને કોઈ કામ આજીવિકા માટે કરવું જ જોઈએ. સંસારી માણસ માટે તે ખૂબ જરૂરી છે. આધ્યાત્મિક પ્રવૃત્તિની ચોક્કસતા પછી જ તે ક્ષેત્રમાં ઝંપલાવવું ડહાપણભરેલું ગણી શકાય. માટે તે બાબત હાલ સાહસ કરવું બરાબર નહિ. તેને માટે યોગ્ય સમય આવશે ત્યારે હું તરત જણાવીશ.

ભારત સેવા સંઘમાં જોડાવું ઠીક લાગતું હોય તો એકાદ કલાક સેવા આપવાનું સારું છે. આ બાબત તમારી પોતાની બુદ્ધિમાં મને વિશ્વાસ છે. એટલે અનુકૂળતા પ્રમાણે વિચાર કરી પગલું ભરશો.

મુંબઈની કોન્ફરન્સમાં ડો. રાધાકૃષ્ણને સંતતિનિયમન માટે પરદેશી સાધનોની ભલામણ કરી તે જાણવું. આ બાબતમાં નહેરુજીનું દૃષ્ટિબિંદુ તેમની સાથે મળતું થાય છે. આ સંબંધી મારા વિચાર મેં વારંવાર જણાવ્યા છે. તેને બદલવાનું કોઈ કારણ હજી ઉપસ્થિત થયું નથી. મારા અભિપ્રાય પ્રમાણે આ દેશમાં સંતતિનિયમન માટે પરદેશી કે તેવાં દેશી સાધનનો ઉપયોગ થવો જોઈએ નહીં. સંતતિનિયમનની જરૂર આ દેશમાં છે તે સાચું. પરંતુ તેને માટે આવાં કૃત્રિમ સાધનોની જરૂર નથી. તેનો પ્રચાર કરવાથી દેશમાં સ્વચ્છંદ, વિલાસ ને છૂપાં પાપ વધતાં જ જશે. મતલબ કે નીતિ ને ચારિત્ર્યનું ધોરણ છે તેનાથી પણ નીચું જશે. આ સાધનોના વારંવાર વપરાશથી આરોગ્ય પણ જોખમાશે. આજે લોકલજ્જાને લીધે જે કેટલોક સંયમ બળજબરીથી પણ પળાય છે, તે સંયમ દૂર થશે, ને કૌમાર્ય અવસ્થાથી માંડી બધી જ અવસ્થામાં લોકો ભોગપરાયણ બનતા જશે. આ છતાં પણ સંતતિનિયમન તો નહિ થાય. તમે સંતતિનિયમનનાં સાધન ઘરેઘરે છૂટથી વહેંચો, તો પણ બધા લોકો તેને નહિ જ વાપરવાના. હા, વેશ્યાઓ ને સ્વચ્છંદી નટનટીઓ ને વિલાસી જીવન જીવવા છતાં પાપ છુપાવવા પ્રયાસ કરનારા તેનો લાભ લેશે. બાકી તેથી વિશેષ લાભ નહિ થાય. સંતતિનિયમનને માટે પ્રજાના દિલમાં સંયમ ને બ્રહ્મચર્યની મહત્તા ઠસીને વણાઈ જવી જોઈએ. આ માટે આખાયે દેશમાં નીતિ ને સંયમના પ્રસારની વિરાટ ચળવળ ઉપાડવી જોઈએ. આ બધું કોઈ આધ્યાત્મિક મહાપુરુષો દ્વારા થવું જોઈએ. સંયમ માટે ત્રણ વર્ગ પાડવા જોઈએ. પહેલા વર્ગમાં એવાં સ્ત્રી-પુરુષો હોય કે જે આજીવન બ્રહ્મચર્ય પાળીને અપરિણીત રહેવાનું વ્રત લે. બીજા વર્ગમાં વધારેમાં વધારે ત્રણ સંતાન થયા પછી બ્રહ્મચર્યનું વ્રત લેનાર સ્ત્રી-પુરુષો હોય. ને ત્રીજા વર્ગમાં પરણ્યા પછી વધારેમાં વધારે દસ વરસ પછી તદ્દન સંયમ પાળનારા સ્ત્રીપુરુષો હોય. આની સાથે સંતાન હોય કે ના હોય છતાં એક જ વાર લગ્ન કરવાનું વ્રત લેવાવું જોઈએ. ભારતમાં કયાંય વેશ્યાનું બજાર ખુલ્લી કે છૂપી રીતે ચાલવું ના જોઈએ. આજના સભ્ય દેશને માટે વેશ્યા પ્રથા એક કલંક છે, ને હરેક સુધરેલા દેશે તેનો અંત આણવો જોઈએ. આની સાથે સાથે લગ્નસંસ્થા જ્યાં નહિવત્ કે શિથિલ દશામાં છે, ત્યાં વારંવાર પતિ બદલવાને નામે જે વેશ્યાવૃત્તિ ચાલે છે, તેનો પણ અંત આવવો જોઈએ. આ ઉપરાંત, સંતાનને માટેની ભંયકર અને અજ્ઞાનજન્ય ભૂખ પ્રજાના દિલમાંથી દૂર કરવી જોઈએ. સંતાનપ્રાપ્તિ એ જ લગ્નનું ધ્યેય છે, સ્ત્રી માતા થવા જ સર્જાયલી છે, ને સંતાન વિના કોઈની ગતિ થઈ શકતી નથી, એ ખોટી પુરાણી માન્યતા દૂર થવી જોઈએ. આ ઉપરાંત, શારીરિક ને આર્થિક રીતે સંયમથી થતા લાભની સૌને સમજ પાડવી જોઈએ. ને સિનેમા, સાહિત્ય તેમ જ કલાને નામે જાતીય વૃત્તિને ઉશ્કેરવાના પ્રયાસને જડમૂળથી દૂર કરવા જોઈએ. નીતિ ને ધર્મના પ્રચાર દ્વારા આમ પ્રજા જ્યારે સંયમનું મહત્વ પોતાને ને દેશને માટે સમજશે, ત્યારે જ સંતતિનિયમન શક્ય બની શકશે. આવી વિરાટ ને બુદ્ધિપૂર્વકની રીત વિના કેવળ સંતતિનિયમનનાં સાધનનો પ્રચાર ભયંકર પરિણામો લાવશે ને દેશ પતનને માર્ગે જ વળશે. માણસની કીંમત ચારિત્ર્યની ઉન્નતિમાં જ છે, ને તે તેણે સાધવી જ જોઈએ. એનો ઈન્કાર થઈ શકે નહીં. આજનો રોગ કેવળ પ્રજા કે વસ્તીનો વધારો જ નહિ, પણ વિલાસનો વધારો ને ચારિત્ર્યનું પતન ને સંયમનો અભાવ છે. એટલે તેનું ઓસડ કરવું જોઈએ. તે વિના સંતતિનિયમનના સાધનથી તેનું ઓસડ કેવી રીતે થઈ શકશે ? આ બાબત ગાંધીજીના વિચાર સાથે હું પૂર્ણપણે સહમત છું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.