if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરોડા
તા. ૩૦ જાન્યુ. ૧૯૫૩

પ્રેમી ભાઈશ્રી ભાઈલાલભાઈ,

તમારો પ્રેમપત્ર મળ્યો છે. સમાચાર જાણી આનંદ થયો.

ખરેખર, માનવનું જીવન આ પૃથ્વી ને તેના જેવી બીજી અનેક પૃથ્વી એટલે સમસ્ત બ્રહ્માંડની સરખામણીમાં છેક જ સ્વલ્પ, એક લગીર જેટલા તણખલા જેવું છે. આટલા વિશાળ બ્રહ્માંડમાં માણસની કીંમત કીટાણું કરતાં પણ ઓછી છે. છતાં તેની શક્યતાનો એટલે કે માનવજીવનની સંભવિતતાનો વિચાર કરીએ તો તેની કીંમત ખૂબ જ વધારે લાગે છે, ને માનવજીવન ગુણ ને સારની દૃષ્ટિએ સમસ્ત બ્રહ્માંડ કરતાં પણ વિશાળ લાગે છે. આ જીવનમાં સૌથી વિશેષ આનંદ નીતિના આચરણોનો ને આત્મદર્શન કે ઈશ્વરદર્શનનો છે. તે ઉપરાંત આ જીવન દ્વારા માણસ ધારે તે બધી શક્યતા માનવજીવનમાં જ રહેલી છે, ને તેને લીધે જ તેનું મૂલ્ય ઘણું જ વધી જાય છે. તે મૂલ્યને સમજીને જો જીવનને યોગ્ય વળાંક આપવામાં આવે તો જીવન સાચા અર્થમાં ધન્ય બની જાય. પણ માણસ વધારે ભાગે સંસારનાં ક્ષણિક સુખો ને નશ્વર પદાર્થોમાં જ આસક્ત થઈ રહે છે. આને લીધે જ તેને ક્લેશ ને કષ્ટોનો સામનો કરવો પડે છે. ને સંસારમાંથી તે ખાલી હાથે વિદાય લે છે. જીવનને સુખી ને ગૌરવવંતુ બનાવવા માણસે અસત્યને છોડી સત્યમાં પ્રતિષ્ઠત થવાનું છે. એટલે કે પરમ સત્યરૂપી પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. અજ્ઞાન ને અવિવેકને દૂર કરી જ્ઞાન ને વિવેકદૃષ્ટિ તેમ જ ઈશ્વરી પ્રેમના પ્રકાશથી તન, મન ને અંતરને રંગવાનું છે. તેમ જ ભય ને શોક, મોહ ને મમતા તેમ જ રાગ ને દ્વેષમાંથી મુક્ત થઈ અમૃતમય ને પૂર્ણ બનવાનું છે. ભારતની આ સાધના છે. આત્મિક વિકાસના પ્રવાસીએ તેને જીવનમાં અપનાવવાની છે.

આધ્યાત્મિક અનુભૂતિનો આનંદ કેવલ તર્ક દ્વારા પ્રાપ્તિ થનારી વસ્તુ નથી. તેને માટે સતત તપશ્ચર્યાની જરૂર પણ પડે છે. તર્કનો ઉપયોગ મર્યાદિત જ છે. તેથી કેટલોક ખુલાસો ને કેટલુંક સમાધાન મળે છે. પરંતુ સાધનાનો સાચો આનંદ તર્કની પણ પાર પહોંચી, આત્માનુભવમાં પ્રતિષ્ઠિત થવાથી જ મળે છે. એટલે સાધનામાં વધારે જરૂરી વસ્તુ અનુભવ જ છે. સાધકે તેને મેળવવા માટે બધુંયે ધ્યાન લગાડી દેવું જોઈએ. આવો અનુભવ થોડીક વારમાં જ મળી જતો નથી. તે માટે ધીરજ ને ઉત્સાહ તથા લગન ને એકધારા પુરુષાર્થની જરૂર પડે છે. તે દ્વારા સાધક ઈશ્વરની કૃપા મેળવી શકે છે.

બને તેટલું ધ્યાન કરતા રહેશો. જપ સાથેનું ધ્યાન ખૂબ સરલ ને આનંદમય બને છે. નિયમિત જપ ને ધ્યાન કરવાથી મનોબળમાં વૃદ્ધિ થાય છે. ને સાથે રોજના જીવનનું સતત નિરીક્ષણ કરી પોતાની ત્રુટિને દૂર કરવા પ્રયાસ કરવો જોઈએ. સાત્વિકતાની ખીલવણી આધ્યાત્મિક વિકાસમાં ખૂબ જરૂરી છે. રોજીંદા જીવનમાં પ્રેમ, ઉદારતા, સત્યતા ને આનંદને વધારે ને વધારે પ્રમાણમાં સ્થાન આપવું જોઈએ

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.