if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઋષિકેશ
તા. ૧૦ જૂન, ૧૯૪૮

પ્રિય ભાઈશ્રી નારાયણભાઈ,

તમારો હમણાંથી કોઈ જ પત્ર નથી. શું કામમાં પડી ગયા ? ઘરસંસારની વિટંબણામાં વધારે પડતું ધ્યાન ના આપશો. તેમાં મન તદ્દન સંડોવાઈ ના જાય તે માટે સાવધ રહેજો. જીવનનો મૂળ ઉદ્દેશ ઘણો જ વિરાટ છે. ને તેને ચરિતાર્થ કરવા માટે પ્રયાસ કરતા રહેવાનું છે. સ્ત્રી, પુરુષ ને એવી ઘરસંસારની સૃષ્ટિ બ્રહ્મા બની માણસે ઊભી કરી છે, એટલે તેની સંભાળમાંથી તે છટકી ન જ શકે. પરંતુ તે સૃષ્ટિની મર્યાદાનો ખ્યાલ પણ માણસને ના રહે તો તે તેમાં જ આસક્ત બની જાય. ઈશ્વર કે આત્મપ્રાપ્તિ જીવનનું મૂળ ધ્યેય છે. શરીર તેને જ માટે છે. તે ભુલાઈ જાય ને માણસ શરીર ને સંસારના વિષયોમાં આસક્ત બને તે જ આત્મઘાત કહેવાય. આ રીતે જોઈએ તો આ સંસારમાં હજારો-લાખો માણસો પ્રતિપળે જીવતાં જ આત્મઘાત કરી રહ્યાં છે. આત્મા ને ઈશ્વરથી દૂર ને દૂર જઈ રહ્યા છે. સત્ય ને સેવા, પ્રેમ ને પવિત્રતા, શુદ્ધિ ને આત્મોન્નતિની સાધના લુપ્ત થતી જાય છે. ઉપનિષદની દૃષ્ટિએ આ બધો આત્મઘાત જ છે. અને આનું પરિણામ પણ સ્પષ્ટ જ છે. જીવતા નરક એટલે કે દુ:ખ-દર્દ ને યાતના તેમ જ પરેશાનીમાં માણસ ડૂબતો જાય છે. જીવનની જટિલતામાં માણસ ઈશ્વરનું શરણ લઈ શકતો નથી. પરંતુ એ પણ સાચું છે કે ગમે તે પ્રકારે પણ માણસ જો ઈશ્વરનું શરણ લે તો જીવનની જટિલતા દૂર થવામાં ઘણી જ મદદ મળે છે એમાં શંકા નથી. માણસ જેટલા પ્રમાણમાં પણ ધર્મ ને નીતિ કે ઈશ્વરની પાસે ને પાસે પહોંચશે. તેટલા પ્રમાણમાં શાંતિ, સુખ ને સલામતીની સન્નિકટ જતો જશે એ નિર્વિવાદ છે.

પરંતુ તે ક્યારે બને ? ‘દિવ્યં દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ્’ એ મંત્ર પ્રમાણે માણસને દિવ્ય ચક્ષુની પ્રેરણા ને જ્ઞાનદૃષ્ટિની પ્રાપ્તિ થાય ત્યારે, અંતરની આગળનાં અજ્ઞાન-આવરણ દૂર થઈ સાચા ને ઈશ્વરપરાયણ જીવનની ભૂખ જાગવા માંડે. શાંતિના પરમ મધુર સુધારસને ચાખવાની તલપાપડતા થવા માંડે, ત્યારે એ બની શકે. જીવનને ધન્ય કરવા માગનાર માણસે તો એક દિવસ એ કરવું જ પડશે. જે વહેલો જાગશે તેને વહેલો લાભ થશે એ નક્કી છે. જીવન વહ્યું જ જાય છે. આ જીવનનાં મહિમાગાન ગાતાં મહાપુરુષો ને મહાન ગ્રંથો પણ થાક્યા નથી. મોક્ષનું દ્વાર ને દેવદુર્લભ જેવાં વિશેષણો આપીને જીવનની મહત્તા તેમણે બતાવી છે. તે મહત્તા જાણી લઈને માનવ જો જાગી જાય, ને ઉત્તમ બનવા પ્રયાસ કરવા માંડે, તો જીવનને તે અમૃતમય બનાવી શકે. ભારતના ઋષિવરોનો આ અમૂલ્ય જ્ઞાનવારસો છે. તે અપનાવવામાં આવે તો વ્યક્તિ ને સમષ્ટિનું ભારે હિત થઈ શકે.

જપ કે ધ્યાન કરતા રહેશો. સારું વાચન પણ ચાલુ રાખજો. તમારા સંસ્કારો ઊંચા છે. આત્મા જાગૃત છે. તે વધારે વિકસે એવા પ્રયાસ કરજો. સંયમની ફરિયાદ દૂર કરવા બનતું બધું કરજો. બસ નિશ્ચયની જ વાર છે. નિશ્ચય હોય તો એવી કોઈયે મુશ્કેલી નથી જે જીતી ના શકાય. પુરુષાર્થથી જે ડરતા નથી, થાકતા નથી કે નાહિંમત બનતા નથી, તે વિજયને જરૂર વરી લે છે. શરીર ને ઈન્દ્રિયોનાં બધાં જ સ્પર્શજન્ય સુખ ક્ષણિક છે, તે ઉપરાંત, માણસની શક્તિનો હાસ કરે છે, એમ માનીને ડાહ્યા પુરુષો તેમાં આનંદ માનતા કે ડૂબી જતા નથી. આ કામ કંઈક કપરું છે એ સાચું. પણ જેને કામ કરવું જ છે એને માટે શું કપરું છે ? ઈન્દ્રિયો કરતાં મન બળવાન છે. તે મનને વિવેક દ્વારા વશ કરી પોતાની ઈચ્છા પ્રમાણે દોરી શકાય છે. કેમ કે સૌથી વધારે શક્તિશાળી એવો આત્માનો પ્રકાશ મનુષ્યમાત્રના દિલમાં પથરાયલો છે. તે પ્રકાશનો આશ્રય લીધો નથી, ત્યાં સુધી જ માણસ અંધકારમાં ભમ્યા કરે છે. પ્રભુના પ્રેમપ્રકાશને પકડી જે પ્રભુનો જ આધાર રાખે છે, તે તો પ્રકાશરૂપ ને પ્રલોભન તેમ જ સર્વે પ્રકારનાં ભયસ્થાનોથી નિર્ભય બની જાય છે.

દૃઢનિશ્ચયી માણસ શું ન કરી શકે ? મુશ્કેલીઓને વટાવીને તે ગંતવ્યસ્થાને પહોંચી શકે. સંસારમાં અત્યાર સુધી જે કઠિન ગણાતું હતું તે એવરેસ્ટ પર ચઢવાનું કામ પણ નિશ્ચય ને પુરુષાર્થથી સફળ થઈ શક્યું. એ માન એક ભારતીયને પણ મળ્યું. નેપોલિયને આલ્પ્સ ઓળંગ્યો. ઈચ્છાશક્તિના આ બધા ખેલ છે. તેને ગમે તે દિશામાં વાળો. ચાહે તો તે દ્વારા હાથી, સિંહ કે વાઘ જેવાં ભયંકર પ્રાણીને વશ કરીને સરકસમાં નચાવો કે સમુદ્ર કે પર્વતનાં રહસ્યો શોધો. કાં તો એ જ શક્તિથી આત્મ-વિકાસના માર્ગમાં મદદ મેળવી ધ્રુવ ને પ્રહલાદની જેમ ઈશ્વરના આસનને ડોલાવો. બુદ્ધની જેમ બોધિ મેળવો, ને શંકરની પેઠે સંસારને સત્યનો સાક્ષાત્કાર કરાવવા નીકળી પડો. આ જ મનોબળથી તો ગાંધીજીએ ભારતમાંથી બ્રિટીશ સલ્તનતને દૂર કરી, ને આજે તેમના જ સાચા અનુયાયી વિનોબાજી પગે પરિભ્રમણ કરીને ભૂદાનયજ્ઞનો ચમત્કાર સર્જી રહ્યા છે. દરેક માણસમાં આ શક્તિ છે. ફક્ત તેનો ઉપયોગ કેમ કરવો તે જ તેણે નક્કી કરવાનું છે. માણસ ધારે તો તે શક્તિને કેળવીને મહત્તાના ગમે તેવા ઉચ્ચોચ્ચ એવરેસ્ટ શિખર પર ચઢી શકે છે. છતાં આશ્ચર્યની વાત છે કે માણસો પોતાની નાની નાની વાતોમાંથી જ ઊંચે નથી આવતા !

હમણાં અમે અહીં જ રહીશું. ગરમી ખૂબ પડે છે. યાત્રા પણ સારી છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.