if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઋષિકેશ
તા. ૩ જુન, ૧૯૫૩

પ્રેમી ભાઈશ્રી,

તમારો પત્ર મળ્યો છે. આનંદ થયો.

જીવનમાં નક્કર નૈતિક ને આત્મિક વિકાસને માટે દૃઢ મનોબળ, લગની ને સતત પુરુષાર્થની જરૂર છે. માણસે પોતાની ભૂલ કે નબળાઈને પકડી પાડવામાં પાછી પાની કરવી ના જોઈએ. વળી, ભૂલ કે ત્રુટિને પકડીને બેસી રહેવાથી પણ કોઈ ખાસ હેતુ સરતો નથી. ઘણાં માણસોને પોતાની ભૂલનું ભાન હોય છે, તેને તે કબૂલ પણ કરે છે, પણ વાસ્તવ જીવનમાં પાછા તે જ ભૂલોનો શિકાર બને છે. ભૂલોને જાણી લઈને તેમને દૂર કરવા કટિબદ્ધ થવું જોઈએ. કેવલ ભૂલોના પોપટપારાયણથી કાંઈ જ વળતું જ નથી. આ માટે ખૂબ નૈતિક હિંમત ને પુરુષાર્થ જોઈએ. કેમ કે કામ કપરૂં છે. છતાં માણસ આથી પણ કપરાં કામ કરે છે. પાણી પર તરી, ભયંકર નદી કે સાગરને પાર કરવા, સાપ ને હાથી તેમ જ વાધ સિંહ ને રીંછ જેવાં જંગલી જનાવરને વશ કરવાં, પર્વતો પર પ્રાણને હથેળીમાં લઈને ચઢી જવું તેમજ યુદ્ધના મેદાનમાં જીવનમરણની પરવા કર્યા વિના લડવા માટે નીકળી પડવું, આવાં અનેક કામ માણસો કરે છે. સંસારમાં પણ ધન, ધરા ને રમા તેમ જ કીર્તિ માટે માણસો ઓછો પરિશ્રમ કરતા નથી. પણ સાચી વાત એ છે કે માણસને નૈતિક સુધારણા કે આત્મોન્નતિનું સાચું ગૌરવ સમજાવું જોઈએ. માણસ જ્યાં લાભ જુએ છે ત્યાં તેને મેળવવા માટે કમર કસીને પડે છે. માનસિક નબળાઈને દૂર કરવી જોઈએ ને તે માટે જે વ્યક્તિ કે વસ્તુના સમાગમમાં આવવાથી માનસિક નબળાઈને ભૂલોની પરંપરાને વેગ મળતો હોય, તે વ્યક્તિ કે વસ્તુથી દૂર રહી, તેની કામચલાઉ પરહેજી પાળવી જોઈએ. આ વિના આત્મોન્નતિનો કોઈ ઉપાય નથી. માનવજીવનની શક્તિ ને શક્યતા ઘણી જ વિશાળ છે. તેનો પૂરેપૂરો લાભ લેવા માટે જેને તત્પર થવું હોય તેણે ભૂલો ને માનસિક નબળાઈની નાગચૂડમાંથી સૌથી પહેલાં ને વહેલાંમાં વહેલી તકે છૂટવું જોઈએ, ને તે બાદ ઉન્નતિ માટેના અમુક ચોક્કસ નિયમો પ્રમાણે જીવન ઘડવું જોઈએ. આ જ સાધના કે તપશ્ચર્યા કહેવાય છે. ને આમાં પ્રમાદ સેવવો એ આટલા મહાન મણી જેવા જીવનને કાચની કીમતે નાખી દેવા બરાબર છે. માનવજીવન મુક્તિ માટે છે ને તે દ્વારા મુક્તિનો આનંદ મેળવવો જ જોઈએ.

સંસારમાં સામાન્ય રીતે માણસો સ્ત્રી, સંતાન, ધન ને બીજા વિષયસુખમાં જ સંતોષ માને છે. પણ આ અજ્ઞાન જ છે. આ બધા વિષયસુખના પદાર્થો તો પશુની યોનિમાં પણ શું ન હતા ? જેનામાં માનવતા નથી, ને માનવ તરીકેની ઉત્તમ શક્તિનો વિકાસ કરીને જે ઈશ્વરને ઓળખવાનો પુરુષાર્થ કરતો નથી તેના જીવનનો કંઈ જ અર્થ નથી. આ જીવનનો સમ્યક્ ને મહાન ઉપયોગ કરવો જેઈએ. નદીનું નીર જેમ અનેકને કામ લાગે છે, ને વૃક્ષોનાં ફૂલ ને વહેતો વાયુ સમસ્ત સંસારની મિલ્કત બની જાય છે, તેમ જીવન બીજાને માટે પ્રેરણારૂપ, શાંતિરૂપ ને સહાયરૂપ થવું જોઈએ. પણ જેની પોતાની જ પાસે શાંતિ ને શક્તિ નથી, જે પોતે જ મરુભૂમિમાં જીવન જીવે છે. તે નદી બનીને બીજાની તરસને કેવી રીતે મટાડશે ? એટલે પહેલાં શક્તિ તૈયાર કરવાની જરૂર છે. તે તૈયાર થતાં આગળનો માર્ગ સાફ થઈ જાય છે.

આત્મોન્નતિની સાધના છોડવી ના જોઈએ. આ સંસારમાં ઉન્નત દૃઢ નિશ્ચય ને તેમાંથી પરિણમેલો પુરુષાર્થ કદી પણ નકામાં જતાં નથી. જે પોતાની મજલ ચાલુ રાખે છે તે ફળ જરૂર મેળવે છે. કોણ જાણે ક્યારે ફળ મળે, ને જીવન સફળ થઈ જાય. તે ઘડીની કોને ખબર છે ? એટલે પ્રયાસ કરતા રહેવું એ જ મહામંત્ર છે. એમ કરતાં જ એક ધન્ય ક્ષણે ઉન્નતિનું એવરેસ્ટ શિખર સર કરી શકાશે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.