ભરત મંદિર, ઋષિકેશ.
તા. ૬ ઓગસ્ટ, ૧૯૫૪
પ્રિય ભાઈશ્રી ભાઈલાલભાઈ,
તમારો પ્રેમ-પત્ર મળ્યો છે. આનંદ થયો. બદરીનાથની યાત્રા દરમ્યાન ત્યાંની આયુર્વેદિક કોલેજના એક પ્રોફેસરનો પરિચય થયો હતો. શ્રી અરવિંદના ભક્ત ને સ્વભાવે ઘણા ભલા માણસ હતા. અરવિંદના ગ્રંથોનો તેમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. તે દર વરસે એક વાર શ્રી અરવિંદ આશ્રમમાં જાય છે.
ગીતા પરના લેખ લખાય છે. હાલ સોળમો અધ્યાય ચાલે છે. બને તેટલી સરળ ભાષામાં ને નવી તથા રસમય શૈલીમાં લખવાનો પ્રયાસ કરું છું. લખાણ જરા વિશાળ થાય છે. લગભગ ૭૦૦ પાનાં પૂરાં થયાં છે.
તમારી તબિયત સારી થઈ ગઈ તે જાણી આનંદ થયો છે. સાધન ભજન ચાલુ રાખજો. સાધનની અસર શરૂઆતમાં ઘણા લાંબા વખત લગી જરાપણ દેખાતી નથી. પરંતુ છેવટે માલૂમ પડી આવે છે. સાધના અથવા કોઈયે ભાવ કે વિચાર નિરર્થક નથી. તેની અસર આપણા અદૃષ્ટ મન પર પડે છે. અંતર્ગત મન પર તે પોતાની સૂક્ષ્માતિસૂક્ષ્મ અસર જરૂર મૂકી જાય છે ને સમય પર તે અસર પ્રકટ ને પ્રબળ બને છે. પર્વતોમાં બરફની નીચેથી લાંબા અંતર સુધી વહેતા પાણીના પ્રવાહોની પેઠે સંસ્કારોનો બારીક-સૂક્ષ્મ પ્રવાહ મનમાં સદાયે વહ્યા કરે છે. માટે સારા સંસ્કારનું જતન ને સંવર્ધન કરતા રહેવું.
તમે મોકલેલો ફકરો ઘણો સારો છે. માનવને શરીર સાથે મન ને આત્મા પણ છે. એટલે એકલી રોટી તેને શાંતિ કે સંતોષ આપી શકે તે માનવામાં ભૂલ રહેલી છે. શરીર, મન ને આત્મા ત્રણેનો ખોરાક જરૂરી છે.
વરસાદ સારો છે. કુદરત પૂરી ખીલી છે. માતાજી કુશળ છે.

