મુંબઈ
તા. ૧૫ ડીસે. ૧૯૫૫
પ્રિય ભાઈલાલભાઈ,
તમારો પ્રેમપત્ર ઋષિકેશ મળ્યો હતો. ત્રણ-ચાર દિવસ દહેરાદૂન રહી આઠેક દિવસ થયાં અમે અહીં આવી પહેંચ્યાં છીએ. તમારું સાધન-ભજન નિયમિત ચાલતું હશે. આ માર્ગમાં નિયમિતતા ને ઉત્સાહ સાથેની સતત સાધનપરાયણતા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેનું મૂલ્ય ઘણું મોટું છે. મન તેને લીધે શુભ સંસ્કારોથી ક્રમશઃ સભર થવા માડે છે ને છેવટે પરમ શાંતિની મૂર્તિ બને છે.
તમે અવારનવાર પત્રો લખતા રહ્યા તેથી મને આનંદ જ થયો છે. પત્રલેખન આ સમયમાં વિચારો ને ભાવોને વ્યક્ત કરવાનું એક અસરકારક વાહન છે. ને તે કેટલેક અંશે મદદરૂપ બને છે. આ દૃષ્ટિ હોવાથી પત્રલેખન મારે માટે યજ્ઞની આહૂતિરૂપ બની રહે છે ને આનંદ આપે છે.

