Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઋષિકેશ
તા. ૧૭ ડીસે. ૧૯૫૬

પ્રિય ભાઈશ્રી,

તમારો પત્ર મળ્યો છે. ખૂબ આનંદ થયો. તેવી રીતે સમાચાર લખતા રહેજો.

ગુજરાતમાં હાલ વાતાવરણ અશાંત છે. તેના સમાચાર ‘સંદેશ’માં આવે છે. ગુજરાતના નેતાઓ ને સભ્યોએ દ્વિભાષી રાજ્યની યોજનાનો સ્વીકાર કરીને ભારે ભૂલ કરી છે. આશ્ચર્ય તો એ છે કે કોઈયે નેતા પ્રજાને જે સહેવું ને શોષવું પડ્યું છે તે માટે આશ્વાસન ને અફસોસના બે શબ્દો કહેવાને બદલે, રાષ્ટ્રીય હિત તથા શિસ્તપાલનને ઊજળે ભ્રામક નામે, પ્રજાને પોતે મંજૂર કરેલી તે યોજના મૂંગે મોઢે સ્વીકારી લેવાનો ઉપદેશ આપવા મંડી પડ્યા છે. ગુજરાતની પ્રજાના અભિપ્રાયને જાણવાની લેશ પણ પરવા કર્યા વિના જે ઉતાવળથી એક રાતમાં જ પહેલાં મૂર્ખતામાં ખપાવેલી દ્વિભાષી રાજ્યની યોજનાને સ્વીકારી લીધી તે તેમની કુસેવા ને આપખુદનીતિ સૂચવે છે. આ યોજના ગુજરાતને માટે મોટી આફતરૂપ છે. તેથી તેનો વિરોધ થવો જ જોઈએ, ને શાંતિમયને બંધારણીય માર્ગે તેનો અમલ અટકાવવા પ્રજાએ એક થવું જોઈએ. ગુજરાતની પ્રજાને પૂછ્યા વિના જે ઉતાવળિયું પગલું ભરવામાં આવ્યું છે તે તદ્દન આપખુદ છે. ભવિષ્યમાં ગુજરાત અલગ થશે તો મુંબઈ આપોઆપ મહારાષ્ટ્રમાં ચાલ્યું જશે.

હમણાં એક ટંક ચાલુ છે વરસાદ અહીં તદ્દન થોડો છે. ગંગા ને પર્વતોની શોભા ખૂબ હૃદયસ્પર્શી લાગે છે. ચાંદની રાતે તે ઓર રંગ ધારણ કરે છે.

માતાજી કુશળ છે. જપ, પ્રાર્થના, વાચન કરતાં રહેજો. જીવનને ઉજ્જવળ કરવા બનતા બધા જ પ્રયાસ કરવા જોઈએ. પ્રભુએ તમને સ્વતંત્ર હવામાં શ્વાસ લેવાની તક આપી છે તેનો ઉપયોગ કરી જીવનને વધુ ને વધુ પ્રભુપરાયણ બનાવો એમ ઈચ્છું છું.