Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મસુરી
તા. ૨૩ સપ્ટે. ૧૯૬૪

પ્રિય ભાઈલાલભાઈ,

તમારો પત્ર સમયસર મળ્યો છે. તે વાંચીને ઘણો જ આનંદ થયો છે. ઘણો જ સારો પત્ર છે. દરેકે વાંચવા જેવો છે. ફૂલછાબ જેવા છાપામાં છપાય તો પણ સારું. વટાળ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ને આ દેશની સરકાર તથા હિંદુ પ્રજા એ પ્રત્યે તદ્દન ઉદાસીન છે એ સાચું છે. મસુરી પર્વતીય પ્રદેશ છે અને ખ્રિસ્તી પ્રચારકો ને સંસ્થાઓ જૂના વખતથી જ અહીં પુષ્કળ છે. એ લોકો ભણેલામાં ભ્રાંતિ ને ધર્મસૂગ પેદા કરી, ને અભણને લાલચો આપી, ધર્માંતર માટે બધો જ પ્રયાસ કરી છૂટે છે. એ દૃષ્ટિએ જોતાં મારા અહીંનાં પ્રવચનોનું મૂલ્ય ઘણું મોટું છે. કેટલાય ડગમગતી શ્રદ્ધાવાળા માનવોની શ્રદ્ધા તેથી બળવાન બની છે ને ઘણાને લાભ થયો છે. પ્રવચન ત્રણ મહિનાથી રોજ ચાલ્યા જ કરે છે ને હજી થોડા દિવસ ચાલશે. લોકોની ભીડ માતી નથી. લોકો ભારતના વિભિન્ન ભાગોમાંથી ને ઘણા શિક્ષિત ને સંસ્કારી આવે છે. ગાંધી સોસાયટીનો વિશાળ હોલ પણ નાનો પડે છે. ઘણા લોકોના સંપર્કમાં અવાય છે. આ કામ ઘણું ઉપકારક થઈ પડ્યું છે. મસુરીમાં આટલાં લાંબાં પ્રવચનો ને આટલી મોટી હાજરી આ પહેલી જ છે. મસુરીમાં મારું નામ વિખ્યાત થઈ ગયું છે. શીખ લોકોએ પણ મને ગુરુદ્વારામાં ભાષણ માટે નિમંત્રીને માન આપ્યું. થીયોસોફીસ્ટો, આર્યસમાજીઓ ને બધી જાતના લોકો પ્રવચનમાં નિયમિત આવે છે. અત્યારે તો આ નાનું ક્ષેત્ર છે. ઈશ્વર વિશાળ દેશવ્યાપી ને વિશ્વવ્યાપી ક્ષેત્ર આપે તો કામ આવવાની ઈચ્છા તો છે જ. અનુકૂળતા કરવી એના હાથમાં છે.

દેશની હાલત બીજી રીતે ઘણી નાજુક બનતી જાય છે. આટલાં વરસોમાં અનાજ જેવી બાબતમાં પણ દેશ હજી સ્વાશ્રયી નથી બન્યો. મોંઘવારી વધતી જ જાય છે. કાશ્મીરને હાથે કરીને પ્રશ્ન બનાવી દીધો છે. નવી ને વધારે સારી નેતાગીરીની જરૂર તો છે જ. ઈશ્વર જે કરે તે ખરું.

તમારી તબિયત સારી હશે. કોઈ જાતની તકલીફ નહિ હોય. સંભાળજો. ધ્યાન, પ્રાર્થના, વાંચન કરતા રહેજો.