Wednesday, August 12, 2020

સંસાર - એક પાઠશાળા

દેવપ્રયાગ
તા. ૧૨ સપ્ટે. ૧૯૪૬

પ્રિય,

તા. ૫નો પત્ર મળ્યો.

સંસારના અનેકરંગી જીવનમાં સ્થિર મન કે ચિત્તની સ્થિરતા રાખવી એ જ જીવન છે, ને એક યોગીનું જીવન છે. સામાન્ય ને અસામાન્ય મનુષ્યોમાં મુખ્ય ફેર આ જ વિષયમાં પડે છે. અસામાન્ય મનુષ્ય તેમને કહું છું, જેમનું જીવનધ્યેય સાધારણ મનુષ્યની જેમ કેવલ ખાવું, પીવું ને મરવું તથા વિષયાનંદ નથી, જે જીવનના ઉન્નતિકરણમાં માને છે, તથા આત્મબળના સિંહાસને આરૂઢ થવા બનતો પ્રયાસ કરે છે. જીવનની કે સંસારની ગતિ હીંચકાના જેવી અથવા નદી જેવી છે, જે હમેશાં અસ્થિર છે. પરંતુ આ અસ્થિરતાને લીધે જ તેનું મહત્વ ને તેનો આનંદ છે. જેનામાં બલ નથી તે તો વૃત્તિના દાસ થઈને આ નદીમાં ડૂબી જ જાય છે, પરંતુ જેના હાથમાં તાકાત છે, બાહુમાં બળ છે, ને અંતરમાં અડગ વિશ્વાસ તથા નિશ્ચિત આદર્શની નેમ છે, તે કદી કર્તવ્યચ્યુત થતા નથી, ને જોતજોતામાં નદીવિહારનો આનંદ પણ લે છે, ને તેની પાર પણ પહોંચી જાય છે. તેની નાવને બાધક થાય એવી કોઈ જ તાકાત નથી. ને ખરી રીતે તો જે મરજીવા છે, વીર છે, તેમને નદી કે સાગરની આવી સાહસભરી સફર ગમે છે. તેમને તો જ્યાં જીવસટોસટ સોદો ના હોય ત્યાં ગમતું જ નથી, ને જ્યાં પ્રાણની બાજી લગાવવાની હોય ત્યાં તે હસતાં હસતાં કૂદી પડે છે. જીવનનો આનંદ પણ તેની વિવિધતાને લીધે જ છે, ને એક મરજીવાની જેમ હરહમેંશ તેમાં રહેવું જોઈએ. સંસાર વ્યર્થ નથી, સત્ય છે. તે એક પાઠશાળા છે, ને માણસ ધારે તો તેમાંથી ઘણું શીખી શકે છે. એ એક એવો અગ્નિ છે જે મનુષ્યને કંચન કરી દે છે. જીવનને મહાજીવન ને પુરુષને મહાપુરુષ બનાવે છે. મોટામોટા પુરુષો સંસારની વિકટ પરિસ્થિતિની વચ્ચે રહ્યા હતા, પરંતુ તેઓ પોતાનું સત્ય લક્ષ ચૂક્યા ન હતા, તેથી જ્યાં બીજા દિવસે દિવસે પામર બની નષ્ટ થતા ગયા ત્યાં તેઓ વધારે ને વધારે સમર્થ થયા ને સિદ્ધ લક્ષ થઈ અમર થયા. મહાન પુરુષોનાં જીવનનું મનન હમેશાં કરતા રહેવું જોઈએ, તથા વિચારોને ખૂબ ખૂબ ઉન્નત, હૃદયને ખૂબ ખૂબ પ્રેમાળ રાખવું જોઈએ. આ જ સાચા ને સફળ જીવનનું રહસ્ય છે.

મનુષ્યજીવન છે તે કાંઈ નાખી દેવા માટે નથી. હરેક મનુષ્ય જે આ પવિત્ર તપોભૂમિ-ભારતમાં જન્મ લે છે, તેની પાસેથી ભારત કંઈ ને કંઈ આશા રાખે છે ને એક તપોભૂમિ બીજી શી આશા રાખી શકે ? એ જ કે તમે પણ તમારું જીવન તપોમય બનાવો, સ્વાર્થમય નહિ ત્યાગમય બનાવો, ને જે ભૂમિ પર જન્મ લો છે, પગ મૂકો છો, શ્વાસ લો છો, તે ભૂમિના અસંખ્ય બાળકોને પ્રેમપૂર્વક આલિંગન આપો, એટલું જ નહિ, તેમની સેવામાં તમારી સંપત્તિ ને સમય આવ્યે શરીરનો પણ ઉત્સર્ગ કરો. આજ મોટું તપ છે. માનવહૃદયની સ્થૂલ ભૂમિકામાંથી ઉપર ઊઠી આ મહાન દિવ્યતામાં સ્થિત થવું એ જ તપ છે. ને એવી દૃષ્ટિ મેળવવી, જે દ્વારા ચરાચરમાં એકતાનું દર્શન થઈ શકે. જેણે પોતાની અંદર જેટલા પ્રમાણમાં પોતે આ સત્ય, શિવ ને સુંદરનું સાન્નિધ્ય સાધ્યું છે. તેટલા જ પ્રમાણમાં તે બાહ્ય જગતમાં પણ સાધી શકશે. એટલા જ માટે સૌથી પહેલાં અંતરનાં અંતરતમમાં આ મહાન એકતાની, આ મહાન આત્માની અનુભૂતિ કરવાની જરૂર છે. જેને આત્મદર્શન કહે છે. આને જ ભારતે મહાનમાં મહાન સાધના-શરીર દ્વારા થતું મહાનમાં મહાન તપ માન્યું છે. આ આત્મદર્શન માટે જ સંસાર, કર્મ, સર્વ સાધન છે.

શરીર સારું હશે. જે યાદ કરે તે સર્વને પ્રેમ.

 

Today's Quote

We judge ourselves by what we feel capable of doing, while others judge us by what we already have done.
- Longfellow

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok