Text Size

નિષ્કપટ પ્રેમદર્શન

સાબરમતી.
તા. ૯ ફેબ્રુ. ૧૯૫૦

પ્રિય ભાઈશ્રી,

ખૂબ ખૂબ પ્રેમભર્યો તમારો પત્ર મળ્યો. આનંદ થયો. પ્રેમની સ્મૃતિ કોને ગદગદ્ નથી કરતી ? ને તેની ભાષા હંમેશને માટે આનંદથી પુલકિત કરી દેનારી હોય છે. એ જ પ્રેમને લીધે કાબોદ્રાના નાના સરખા પણ શાંત ગામમાં મને ખૂબ આનંદ પડ્યો, ને ત્યાંનો નિવાસ એક અમર પ્રસંગ બની ગયો. તે સદા અમર રહો !

ઘરનાં બધાં જ ઘણાં પ્રેમી છે. આ દુનિયામાં એવા સ્વચ્છ ને નિષ્કપટ પ્રેમનું દર્શન બહુ ઓછું થાય છે. સૌનો પ્રેમ ખૂબ જ યાદ રહેશે.

વસંતપંચમીની વાત બીજી બધી વાતોની જેમ મિથ્યા નીવડી. તેમાંય કોઈ ઈશ્વરી સંકેત હશે પરંતુ મારી શ્રદ્ધા એવી જ અટલ છે. જે કાર્ય માટે દુનિયા પર મારું જીવન છે તે કાર્ય જરૂર પૂરું થવાનું જ. બે દિવસ વહેલું કે મોડું, મારા કાર્યમાં મને સફળતા મળવાની જ એ નક્કી છે. કેમ કે ઈશ્વરની જ તેવી ઈચ્છા છે. નહિ તો સરોડામાંથી ઊંચકી મુંબઈના શિક્ષિત વાતાવરણમાંથી લઈ તે મને હિમાલયમાં શું કામ મૂકત ? ને માનવજાતિને ઈશ્વરી કૃપા મેળવી ઉપયોગી થવાની પ્રેરક વિચારધારા તે મારી અંદર શું કામ જગાડત ? તે માટે મને નક્કી સાધના કે માર્ગ પણ તે શું કામ બતાવત ? ને મારી સાધનામાં મને તે સફળ પણ શું કામ કરત ? હવે જે સફળતાની મારી કામના છે તે કાંઈ તદ્દન નવી વાત નથી. તેમાં અર્ધી સફળતા તો મેળવી જ છે. હવે બાકી થોડું જ રહે છે. પણ તે ખૂબ જ કીમતી હોઈ વિલંબ થઈ રહ્યો છે. ઈશ્વરે હજી મને તપાવવાનો વિચાર રાખ્યો હોય એ બનવાજોગ છે. પરંતુ તેવી તપામણી લાંબો વખત ચાલે તેમ હું માનતો નથી. એક દિવસ-ને તે તદ્દન નજીકના ભાવિમાં જ, મારા સ્વપ્નને હું મૂર્તિમંત થયેલું જરૂર જોઈશ. 

મને ઈશ્વર મારી ઈચ્છા પ્રમાણેની વસ્તુ આપે, એટલે તેનો ઉપયોગ વિશાળમાં વિશાળ રીતે દેશ ને દુનિયા માટે કરવાની મારી ઈચ્છા છે દુનિયાના પ્રશ્નને ઉકેલવામાં આધ્યાત્મિક કે ઈશ્વરી શક્તિ લાગી જાય એ જોવાની મારી ઈચ્છા છે, ને મારું તે સ્વપ્ન પણ સાચું થવા જ સર્જાયલું છે. તેમાં મને વિલંબ થતો લાગે એ જુદી વાત છે. ગાંધીજીએ જીવન દ્વારા બતાવેલા નિષ્કામ સેવાના રાહ પર પૂર્ણતા પ્રાપ્ત કરીને જવાની મારી નેમ છે, ને તે નેમ બર આવશે એ ચોક્કસ છે. હૃદયમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ગમે તેવો જરૂરી ભોગ આપવાની લગન છે, ધીરજ ને ઉત્સાહ છે, ને પોતાના તેમ જ સૌના હિતની-વિશ્વકલ્યાણની ભાવના છે. તો સફળતા કેમ નહીં સાંપડે ? દુનિયામાં કોઈ ચીજ અસંભવ નથી. માણસની શ્રદ્ધા માત્ર લોખંડી જોઈએ ને તેનો પુરુષાર્થ અનવરત ચાલુ રહેવો જોઈએ. મારા પ્રયાસો ચાલુ જ છે ને કામના પૂર્ણ થતાં લગી ચાલુ જ રહેશે. જે દિવસે મારી ઈચ્છા પરિપૂર્ણ થશે, તે દિવસ સંસારના આધ્યાત્મિક ઈતિહાસમાં સાચે જ એક સુવર્ણ દિવસ ગણાશે. ઈતિહાસનાં પાના ઉલટાવી જુઓ, વિશ્વના હિતની ભાવના લઈને હિમાલયની કંદરાઓમાં જીવનની પચ્ચીસીમાં કષ્ટ વેઠીને એકલે હાથે ‘તપ’ કરનાર કોઈ મળે છે ? આજ લગીના ઈતિહાસે એવું દૃષ્ટાંત આપ્યું નથી. તે બધી એક ઈશ્વરની કૃપા નહિ તો બીજું શું છે ? તેની પ્રેરણા વિના આ બધું ક્યાંથી થાય ? માનવનું ગજુ શું ? તે મહાન ઈશ્વરના ચરણોમાં મારી પ્રાર્થના છે કે જે મહાન પૂર્ણતાના યજ્ઞને માટે મારા દિલમાં તેણે પ્રેરણા કરી છે તે યજ્ઞ તે જલદી પૂરો કરે, ને તે યજ્ઞના સહકાર્યકર્તાઓ તરીકે મને તમારા જેવા તેમ જ નારાયણ જેવા પવિત્ર આત્માઓનો સાથ મળે.

અહીં વીસેક દિવસ રહેવું થશે. પછી મુંબઈ. ત્યાં જ હવે તો મળાશે એમ લાગે છે. તમારી ડાયરેક્ટરની ભાવના ઈશ્વર જલદી પૂરી કરો. ત્યાં પિતાજી-માતાજી, ભાઈ-તમારાં ભાભી, સૌને મારા તેમ જ માતાજીના પ્રેમ કહેશો. હંસા, ભાનુપ્રસાદ, બેબી, શિવરામ, બેન, પુંજીરામ, માસ્તર સાહેબ, સૌને તેમજ જે યાદ કરે તેમને મારા ખૂબ ખૂબ પ્રેમ.

કાબોદ્રા જેવાં ગામડાનું સ્વચ્છ, સાદું ને કુદરતી જીવન ખૂબ જ યાદ રહી જાય છે. ને તેવાં ગામડાની શોભા તમારા જેવા પવિત્ર પ્રમાળ આત્માઓને લીધે જ છે. એ શોભા સદાયે બની રહો !

 

Today's Quote

When you change the way you look at things, the things you look at change.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok