Text Size

જીવન - એક સંગ્રામ

સાબરમતી
તા. ૧૭ માર્ચ, ૧૯૫૧

પ્રિય વિઠ્ઠલભાઈ,

ગઈ કાલે ભાઈ નારાયણનો પત્ર મળ્યો. તે દ્વારા જાણ્યું કે મેં સરોડાથી લખેલો પત્ર તમને મળ્યો નથી. આમ કેમ થયું તે સમજી શકાતું નથી. પત્ર મેં તમને સાન્તાક્રુઝના સરનામે લખ્યો હતો. કોઈક ગરબડને લીધે તે મળી શક્યો નહીં હોય. ખૂબ વિગતવાર લખેલો તે પત્ર હતો. ઈશ્વરેચ્છા.

ચારેક દિવસથી અમે અહીં આવી પહોંચ્યા છીએ. આ વખતે સરોડામાં લગભગ ૪॥ માસ જેટલું રહેવાનું થયું. ગ્રામ વાતાવરણમાં ખૂબ આનંદ રહ્યો. હવે અહીં ઈશ્વરભાઈને ત્યાં રહીએ છીએ. માર્ચ માસ પૂરો ને એપ્રિલનો થોડો વખત અહીં જ થઈ જશે. તે બાદ પ્રભુ જ્યાં જવાનું કરે ત્યાં ખરું.

તમારું કામકાજ કેમ ચાલે છે ? હાલ આરામ જેવું  છે કે ચિત્રનું કામ ચાલે છે ? જીવન એક સંગ્રામ છે. તેમાં શૂરવીરતાની જરૂર પડે છે. જીવનના સાગરમાંથી ધ્યેયના મહામોઘાં મોતી મેળવવા કેટલીક વાર ખૂબ હિંમત રાખી ઊંડે ડૂબકી મારવી પડે છે, મરજીવા બનવું પડે છે. ખાસ કરીને આધ્યાત્મિક સાધનાના માર્ગમાં આ એક ધ્રુવ સત્ય છે. મજબૂત મનોબળ, એકધારો દૃઢ પુરુષાર્થ ને મક્કમ નિરધાર આધ્યાત્મિક માર્ગના પ્રવાસીને માટે ખૂબ ખૂબ જરૂરી છે. આ સાથે ધીરજની પણ જરૂર ઘણી જ છે. કેમ કે સાધનાનું બીજ સ્થૂલ બીજની જેમ જ જલ્દીથી ઊગી નીકળતું નથી. તેને માટે ભારે ઉત્સાહથી હિંમતપૂર્વક પ્રતીક્ષા કરવી પડે છે. ને પરિશ્રમ મૂકી દઈ નિરાશ થવાના નિર્બળ સ્વભાવને દૂર કરવો રહે છે. આ મહામૂલી યોગ્યતાના અભાવથી જ ચંચળ ચિત્તના સાધકો આ માર્ગમાં અધવચ્ચે અટકી જાય છે. તેમ જ નફાતોટાનું સરવૈયુ કાઢવાના ઉતાવળા માનસને લીધે સિદ્ધિના મંદિર સુધી પહોંચી શકતા નથી. આને લીધે જ આપણે જોઈએ છીએ કે જગતમાં ઉચ્ચ કક્ષાના સંતપુરુષો-કૃતાર્થ મહાપુરુષો બહુ વિરલ પાકે છે.

જે વાત આધ્યાત્મિક સાધનામાં મહત્વની છે તે લૌકિક રીતે બધી જ વેળા મહત્વની નથી. કેમ કે કેવળ લાગવગ કે પ્રતિષ્ઠાને જોરે લૌકિક પદ કે પ્રતિષ્ઠાના આસન પર ઘણાં માણસો બેસી જાય છે. કેટલીક વાતોમાં ધન પણ મહત્વનો ભાગ ભજવે છે. છતાં લૌકિક આદર્શો માટેની તપશ્ચર્યા પણ વ્યર્થ જતી નથી. ફક્ત માણસે પ્રયાસ કરતાં કંટાળવું કે થાકવું ના જોઈએ. આ બેય વિનાં કદાચ કો'ક વાર ચાલી શકે, પણ કર્તવ્યભાન ભૂલીને જો માણસ નાહિંમત બની જઈ પોતાના આદર્શને અસાધ્ય માની કોરે મૂકી દે તો તેમાં ખોવાનું તેને જ રહે છે. સમુદ્રને મળવા જનારી નદી કેવા કેવા દુર્ગમ પ્રદેશોમાંથી માર્ગ કરે છે ! પણ તેનો તનમનાટ લેશ પણ ઓછો થતો નથી. તેવી જ રીતે જેને પોતાની મહત્વાકાંક્ષા તૃપ્ત કરવાનો તનમનાટ છે તે પોતાના આદર્શની પ્રાપ્તિ કરશે જ. એમાં સંદેહ નથી. તમે જે ધીરજ ને હિંમતથી પ્રતિસ્પર્ધી સંજોગોમાં પણ મક્કમ રહ્યા છો તે જોઈ મને આનંદ થાય છે. ને આજ રીતે લગીરે હતોત્સાહ થયા વિના અમર આશાનો આધાર બની છેવટ સુધી જયશિખરની જેમ ઝઝૂમશો એમ માનું છે. અલબત્ત, આપણે તો જીવનના આ જંગમાં ઝઝૂમીને વિજયી જ થવાનું છે. ને જેનું મન મરતું નથી, જેની આશા મરતી નથી, તેને વિજય મળે જ એ નક્કી છે.

મને તમારા પ્રત્યે પ્રેમ છે તે તમે જાણો છો. પણ હાલ શુભાશિષ વિના બીજી મદદ મારાથી થઈ શકે તેમ નથી. કેમ કે મદદ કરવા માટે જે પૂર્વભૂમિકા જોઈએ તેની તૈયારી મારે હજી કરવાની છે. તે તૈયારી થઈ ગયા પછી મારાથી શક્ય મદદ હું જરૂર કરીશ. ત્યા લગી તમે પણ તમારો પુરુષાર્થ ચાલુ રાખજો.

માતાજી કુશળ છે. યાદ કરે છે. દેશમાં સૌ કુશળ હશે. સૌને મારા પ્રેમ લખશો. તમારું સ્વાસ્થ્ય હવે બરાબર રહેતું હશે.

આજે માણસોનું જીવન અશાંત ને દોડધામવાળુ થઈ ગયું છે. કોઈની ભૂખ પુરી થતી દેખાતી નથી. જીવનની આ દશા ખૂબ કરુણ છે. શાંતિ, વિવેક, સંયમ ને ઈશ્વરપ્રેમ વિનાનું જીવન કેવળ ભારરૂપ કે વ્યર્થ છે. જીવનમાંથી દાનવતા કાઢી નાખી જ્યારે માનવતા જગાવવામાં આવશે, ને ઈશ્વરની આરાધનામાં માનવ આનંદ લેતા શીખશે, ત્યારે ભૌતિક સમૃદ્ધિની સાથે તે આધ્યાત્મિક રીતે પણ સમૃદ્ધ બનશે ને જગત સ્વર્ગથી પણ અધિક સુખમય ને મંગળ થશે. માનવનું મન પોતાની જડતાને ખંખેરી કાઢી, પ્રેમ, દયા ને સેવા તેમજ સત્ય ને સહકારથી ભૂષિત બની, ઉન્નતિને એ માર્ગે વળો એ જ ઈચ્છા છે. એ વિના વૈયક્તિક કે સમષ્ટિગત શાંતિ શક્ય નથી. ને જગતમાંથી યુદ્ધ, હિંસા ને શોષણ મટવાના નથી.

વધારે શું લખું ? તમારા સમાચાર લખશો.

 

Today's Quote

Live as if you were to die tomorrow. Learn as if you were to live forever.
- Mahatma Gandhi

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok